રાજકોટમાં બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આગમન પહેલાં જ તેમની કથાને લઈને જાહેર ચર્ચા અને વિવાદ શરૂ થયો છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં 5, 6 અને 7 જૂન 2026 દરમિયાન ‘સનાતન સેતુ હનુમાન કથા’નું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામના સત્તાવાર સોશિયલ મીડિયા સંદેશામાં પણ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં 5થી 7 જૂન દરમિયાન હનુમાન કથાનું આયોજન દર્શાવવામાં આવ્યું છે.
આ કાર્યક્રમ પહેલાં સામાજિક આગેવાન પરસોત્તમ પીપળીયાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને લઈને ચમત્કાર અને તાંત્રિક શક્તિઓના દાવાઓ પર સવાલો ઉઠાવ્યા છે. પીપળીયાનું કહેવું છે કે ધર્મપ્રચાર સામે તેમને કોઈ વાંધો નથી, પરંતુ ધર્મના નામે અંધશ્રદ્ધા, વહેમ અને ચમત્કારોના દાવાઓ ફેલાવવાના પ્રયાસનો તેઓ વિરોધ કરે છે.
પડકાર સામે દરબારમાં આવવાનું આમંત્રણ
આયોજક મંગેશ દેસાઈના જણાવ્યા મુજબ, સૌરાષ્ટ્ર સનાતન સમિતિ દ્વારા યોજાનારી આ કથાનો હેતુ હિન્દુ સમાજમાં સંગઠન, હનુમાન ભક્તિ અને સનાતન સંસ્કારનો સંદેશ પહોંચાડવાનો છે. કાર્યક્રમના બીજા દિવસે, એટલે કે 6 જૂને ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે.
વિરોધ અંગે આયોજકોનું કહેવું છે કે અગાઉ 2023માં પણ બાબા બાગેશ્વરના રાજકોટ આગમન પહેલાં વિરોધ થયો હતો અને આ વખતે પણ કેટલાક લોકો દ્વારા જાહેર નિવેદનો કરવામાં આવી રહ્યા છે. આયોજકોના જણાવ્યા મુજબ, ધીરેન્દ્ર શાસ્ત્રીને આ બાબતે જાણ કરવામાં આવતા તેમણે પડકાર આપનાર લોકોને રૂબરૂ દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું છે.
બીજી તરફ પરસોત્તમ પીપળીયાએ ખુલ્લો પડકાર આપતા જણાવ્યું છે કે જો કોઈ પોતાના પાસે મેલીવિદ્યા, તંત્ર-મંત્ર કે ચમત્કારિક શક્તિ હોવાનો દાવો કરે છે તો તે તેમના પર અજમાવી બતાવે. તેમનું કહેવું છે કે આજના વૈજ્ઞાનિક યુગમાં ચમત્કાર કે મેલીવિદ્યા જેવી બાબતોનું અસ્તિત્વ નથી અને આવા દાવાઓથી સામાન્ય લોકોમાં ભય પેદા થાય છે.
આ પણ વાંચો: AI અને Machine Learning માટે ગુજરાતમાં મોટી તક! : કોલેજોમાં ઉમેરાઈ 1,500 નવી બેઠકો
અંધશ્રદ્ધા કાયદાનો સંદર્ભ
આ વિવાદ એવા સમયે ઊભો થયો છે જ્યારે ગુજરાતમાં માનવ બલિદાન, અઘોરી પ્રથા, કાળો જાદુ અને અમાનવીય કૃત્યો સામે ખાસ કાયદો અમલમાં છે. ગુજરાત સરકારના 2024 ના કાયદા મુજબ માનવ બલિદાન, અમાનવીય-અઘોરી પ્રથા અને કાળી જાદુના પ્રચાર, પ્રસાર અથવા અમલને ગુનો ગણવામાં આવ્યો છે. આ કાયદામાં દોષિત ઠરનારને છ મહિનાથી સાત વર્ષ સુધીની સજા અને દંડની જોગવાઈ દર્શાવવામાં આવી છે.
પીપળીયાએ આ જ કાયદાનો ઉલ્લેખ કરતા સરકાર અને પ્રશાસન સામે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમના મતે, કાયદો હોવા છતાં અંધશ્રદ્ધા સામે કડક અમલ ન થાય તો સમાજમાં ભય, શોષણ અને કૂપ્રથાઓને પ્રોત્સાહન મળે છે. ગુજરાતમાં તાજેતરના કેટલાક ગુનાઓમાં પણ કાળી જાદુ અથવા તાંત્રિક વિધિના નામે છેતરપિંડી અને ગંભીર ઘટનાઓ નોંધાઈ છે, જેને કારણે આ મુદ્દો માત્ર ધાર્મિક ચર્ચા સુધી મર્યાદિત નથી રહેતો.
આ પણ વાંચો: સિંહોના ગઢમાં શ્વાને ફાડી ખાધું બાળક! : એક મહિનામાં 2 બાળકો મોતને ભેટ્યા, 2 ના આબાદ બચાવ
રાજકોટમાં મોટી ભીડની શક્યતા
આયોજકોના જણાવ્યા મુજબ, રેસકોર્સ મેદાનમાં મોટા પાયે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. કથા ગ્રાઉન્ડને 24 ખંડમાં વહેંચવામાં આવ્યું છે અને દરેક ખંડમાં ભારતીય બેઠક પદ્ધતિ મુજબ મોટી સંખ્યામાં ભક્તો બેસી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. જાહેર જનતા, સાધુ-સંતો, આમંત્રિત મહેમાનો અને પ્રોટોકોલ માટે અલગ-અલગ પ્રવેશદ્વાર રાખવામાં આવ્યા છે.
ભક્તોને મુશ્કેલી ન પડે તે માટે ચૌધરી હાઈસ્કૂલ, પોલીસ હેડક્વાર્ટર અને રિલાયન્સ ગ્રાઉન્ડ સહિતના સ્થળોએ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી હોવાનું આયોજકોનું કહેવું છે. ઈંધણ બચતને ધ્યાનમાં રાખીને લોકોને શેરિંગ સિસ્ટમથી વાહનોનો ઉપયોગ કરવા, શક્ય હોય ત્યાં સુધી ઈવી વાહનો વાપરવા અને કથા સ્થળે આવવા-જવા માટે ઈવી બસ રૂટ અંગે રાજકોટ મનપા સાથે સંકલન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ સમગ્ર મામલે એક તરફ આયોજકો કાર્યક્રમને ધાર્મિક અને સાંસ્કૃતિક અવસર તરીકે રજૂ કરી રહ્યા છે, તો બીજી તરફ વિરોધ કરનારાઓ અંધશ્રદ્ધા અને ચમત્કારિક દાવાઓ સામે વૈજ્ઞાનિક અભિગમની માગ કરી રહ્યા છે. હવે 6 જૂનના દિવ્ય દરબાર દરમિયાન આ પડકાર અને વિવાદને લઈને શું સ્થિતિ સર્જાય છે તે રાજકોટની જાહેર ચર્ચાનું કેન્દ્ર બનવાનું છે.





