Bus Accident: સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં મંગળવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે. બારડોલીના ઉવા ગામ નજીક હાઈવે પર મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી ST બસો વચ્ચે થયેલી સામસામી ટક્કરમાં જિલ્લા કલેકટરે 7 લોકોના મોત અને 15 જેટલા ઈજાગ્રસ્ત થયાની પુષ્ટિ કરી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર બાદ એક બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ટેન્કરને બચાવવા જતાં સર્જાઈ દુર્ઘટના
પ્રાથમિક વિગતો અનુસાર, ઉવા ગામ નજીક હાઈવે પર એક ટેન્કર અચાનક પલટી મારી ગયું હતું. આ ટેન્કર સાથે અથડામણ ટાળવા પાછળથી આવી રહેલી મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસના ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો હતો. બસ ડિવાઈડર કૂદીને સામેની લેનમાં ઘૂસી ગઈ હતી અને ત્યાંથી આવી રહેલી અન્ય એક મહારાષ્ટ્ર ST બસ સાથે જોરદાર ટક્કર થઈ હતી.
CNG બસમાં આગ ભભૂકી
ટક્કર બાદ એક બસ પલટી મારી ગઈ હતી. અકસ્માતગ્રસ્ત બસ પૈકી એક CNG સંચાલિત હોવાને કારણે અથડામણ બાદ તરત જ તેમાં આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં મુસાફરોમાં ચીસાચીસ મચી ગઈ હતી. કેટલાક મુસાફરો બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા જ્યારે અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે.
બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
અકસ્માતની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડે સતત કામગીરી હાથ ધરી હતી.
મૃત્યુઆંક વધવાની ભીતિ
અધિકારીઓના જણાવ્યા અનુસાર ઘટનામાં અનેક મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. કેટલાક મુસાફરોની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા નકારી શકાય તેમ નથી. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે.
અકસ્માતનું કારણ તપાસ હેઠળ
પ્રાથમિક તપાસમાં ટેન્કરને બચાવવા જતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે, જોકે ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ અને સંબંધિત વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અકસ્માતને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.





