Home Gujarat Rajkot Ed Raids Salim Dola Network Gujarat Mumbai Drug Syndicate

દાઉદના નજીકના સાથી સલીમ ડોલાના નેટવર્ક પર ED નો સકંજો : ગુજરાત સહિત 20 સ્થળોએ દરોડા

દાઉદ ઈબ્રાહીમ અને સલીમ ઈસ્માઈલ ડોલા
Published by: Chintan Chavda
Last Updated: Jun 02, 2026, 01:15 PM IST

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના નજીકના સાથી અને આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર સલીમ ઈસ્માઈલ ડોલા સાથે સંકળાયેલા નેટવર્ક સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. EDની મુંબઈ ઝોનલ ઓફિસે મુંબઈ ઉપરાંત ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટ સહિત કુલ 20 સ્થળોએ એકસાથે દરોડા પાડી મની લોન્ડરિંગ અને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના નેટવર્કની તપાસ શરૂ કરી છે.

આ કાર્યવાહી એવા સંગઠિત ડ્રગ સિન્ડિકેટ સામે કરવામાં આવી રહી છે, જેનું નેટવર્ક ભારત સહિત અનેક દેશોમાં ફેલાયેલું હોવાનું તપાસ એજન્સીઓનું માનવું છે. સલીમ ઈસ્માઈલ ડોલાનું નામ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય માદક પદાર્થોના ગેરકાયદે વેપાર સાથે જોડાતું રહ્યું છે. તાજેતરમાં ભારત સરકારે તેને તુર્કિયેથી પ્રત્યાર્પણ કરીને દેશમાં લાવ્યો હતો, ત્યારબાદ વિવિધ એજન્સીઓ દ્વારા તેના નેટવર્કની વધુ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી હતી.

હજારો કરોડના ડ્રગ્સ કારોબારની તપાસ

તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર સલીમ ડોલા અને તેના સાગરીતો દ્વારા સંચાલિત નેટવર્ક હજારો કરોડ રૂપિયાના ડ્રગ્સ કારોબાર સાથે સંકળાયેલું હોવાની આશંકા છે. આ નેટવર્ક મારફતે પ્રતિબંધિત માદક પદાર્થોની ખરીદી, ઉત્પાદન, સપ્લાય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હેરાફેરી કરવામાં આવતી હોવાના પુરાવા તપાસ દરમિયાન સામે આવ્યા છે.

ED ની તપાસ ખાસ કરીને ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતા પ્રીકર્સર કેમિકલ્સના સપ્લાયર્સ, કેમિકલ ટ્રેડિંગ સાથે સંકળાયેલા વચેટિયાઓ, સિન્થેટિક ડ્રગ મેફેડ્રોનના ઉત્પાદકો અને વિતરકો પર કેન્દ્રિત છે. ઉપરાંત, હવાલા ઓપરેટરો અને બેનામી મિલકતોમાં રોકાણ કરનારા લોકોની ભૂમિકા પણ તપાસ હેઠળ છે.

આ પણ વાંચો: સિંહોના ગઢમાં શ્વાને ફાડી ખાધું બાળક! : એક મહિનામાં 2 બાળકો મોતને ભેટ્યા, 2 ના આબાદ બચાવ

PMLA હેઠળ તપાસનો વ્યાપ વધ્યો

પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002 હેઠળ શરૂ કરવામાં આવેલી આ કાર્યવાહી મુંબઈમાં સલીમ ડોલા અને અન્ય આરોપીઓ સામે નોંધાયેલી વિવિધ FIRના આધારે આગળ વધારવામાં આવી રહી છે. EDને મળેલા પ્રાથમિક પુરાવાઓ મુજબ, આ નેટવર્ક દ્વારા કેમિકલ્સની ખરીદી કરીને ગુપ્ત રીતે મેફેડ્રોનનું ઉત્પાદન કરવામાં આવતું હતું અને ત્યારબાદ તેને દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશી બજારોમાં પહોંચાડવામાં આવતું હતું.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ડ્રગ્સના કારોબારથી મેળવવામાં આવેલી ગેરકાયદે કમાણી હવાલા ચેનલો મારફતે એક સ્થળેથી બીજા સ્થળે ટ્રાન્સફર કરવામાં આવતી હતી. આ નાણાંનો ઉપયોગ વિવિધ વ્યક્તિઓના નામે ચલ અને અચલ મિલકતો ખરીદવા તેમજ બેનામી રોકાણો કરવા માટે કરવામાં આવતો હોવાનું માનવામાં આવે છે.

આ પણ વાંચો: વડોદરા 'આપ' પ્રમુખ અશોક ઓઝાની દુષ્કર્મના આરોપમાં ધરપકડ : બ્લેકમેલિંગ અને ખંડણીના સામસામા આક્ષેપોથી રાજકારણ ગરમાયું

નાણાકીય નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ

ED ની ટીમ હાલ સમગ્ર નાણાકીય ગતિવિધિઓની કડી જોડવાનો પ્રયાસ કરી રહી છે. તપાસનો વ્યાપ માત્ર ડ્રગ્સ સપ્લાય ચેઇન પૂરતો મર્યાદિત નથી, પરંતુ તેમાં કેમિકલ ફેક્ટરીઓ, એકાઉન્ટન્ટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અને અન્ય નાણાકીય સલાહકારોની સંભવિત ભૂમિકા પણ તપાસવામાં આવી રહી છે.

દરોડા દરમિયાન વિવિધ સ્થળોએથી દસ્તાવેજો, બેંકિંગ રેકોર્ડ, ડિજિટલ ડેટા, કમ્પ્યુટર હાર્ડ ડિસ્ક, મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવા જપ્ત કરવામાં આવી રહ્યા છે. તપાસ એજન્સીઓ ખાસ કરીને એ જાણવા પ્રયાસ કરી રહી છે કે હવાલા મારફતે મોકલવામાં આવેલી રકમનો ઉપયોગ ભારત અને વિદેશમાં ક્યાં અને કેવી રીતે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં કુદરતનો કહેર : પાંડેસરામાં ભારે પવનને કારણે વિશાળ વૃક્ષ ધરાશાયી થતા અનેક વાહનો દબાયા, સ્થાનિકોમાં ફેલાયો ભય

ગુજરાતમાં પણ વધી તપાસની ગતિ

ગુજરાતના સુરત, અંકલેશ્વર અને રાજકોટમાં થયેલા દરોડાઓને કારણે સ્થાનિક વેપારી અને ઔદ્યોગિક વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. તપાસ એજન્સીઓનું માનવું છે કે ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય માટે ઉપયોગમાં લેવાતા કેટલાક કેમિકલ્સ તથા નાણાકીય વ્યવહારોના તાર ગુજરાત સાથે પણ જોડાયેલા હોઈ શકે છે.

હાલ ED દ્વારા દરોડા દરમિયાન એકત્ર કરવામાં આવેલા પુરાવાઓની તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની અને આ નેટવર્ક સાથે સંકળાયેલા અન્ય લોકો સામે પણ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ નેટવર્ક અને મની લોન્ડરિંગ સામે ચલાવવામાં આવી રહેલા અભિયાનના ભાગરૂપે આ કાર્યવાહી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર રેકેટના નાણાકીય અને ગુનાહિત નેટવર્ક અંગે વધુ વિગતો બહાર આવવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now