ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોને વધુ સુલભ, પારદર્શક અને જવાબદાર સેવાઓ પૂરી પાડવાના હેતુથી શરૂ કરવામાં આવેલ ‘જનસંપર્ક કેન્દ્ર’ આજે રાજ્યભરના લોકો માટે ન્યાય અને વિશ્વાસનું મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. પોલીસ ભવન, ગાંધીનગર ખાતે કાર્યરત આ કેન્દ્ર રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત છે અને નાગરિકોની ફરિયાદો, અરજીઓ તેમજ રજૂઆતોના સમયબદ્ધ અને ન્યાયસંગત નિરાકરણ માટે અસરકારક માધ્યમ તરીકે ઉભરી આવ્યું છે.
તાજેતરમાં રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે જનસંપર્ક કેન્દ્રની મુલાકાત લઈ તેની કામગીરીની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે જનસંપર્ક કેન્દ્ર માત્ર અરજીઓ સ્વીકારવાનું કાર્યાલય નથી, પરંતુ ગુજરાત પોલીસની ‘સુરક્ષા, સેવા અને વિશ્વાસ’ની પ્રતિબદ્ધતાને સાકાર કરતું એક સશક્ત માધ્યમ છે. સામાન્ય નાગરિક, ખાસ કરીને આર્થિક અને સામાજિક રીતે નબળા વર્ગના લોકો, અહીંથી ન્યાયની આશા અને સંતોષ સાથે પરત ફરે તે જ આ વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.
પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસનો મજબૂત સેતુ
અગાઉ નાગરિકોને પોતાની ફરિયાદો અથવા રજૂઆતો માટે વિવિધ કચેરીઓના ધક્કા ખાવા પડતા હતા. અનેક વખત યોગ્ય માર્ગદર્શનના અભાવે ફરિયાદોના નિરાકરણમાં વિલંબ થતો હતો. જોકે જનસંપર્ક કેન્દ્ર શરૂ થયા બાદ આ પ્રક્રિયા વધુ સરળ અને સુવ્યવસ્થિત બની છે. સિંગલ-વિન્ડો સિસ્ટમના આધારે નાગરિકોને એક જ સ્થળે માર્ગદર્શન, સુનાવણી અને કાર્યવાહી અંગેની માહિતી ઉપલબ્ધ થઈ રહી છે.
કેન્દ્રમાં આવતા દરેક અરજદારની વિગતો સૌપ્રથમ રિસેપ્શન ડેસ્ક પર નોંધવામાં આવે છે. ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા રૂબરૂ સુનાવણી કરીને રજૂઆતને ધ્યાનપૂર્વક સાંભળવામાં આવે છે. અરજદારને અનુકૂળ અને તણાવમુક્ત વાતાવરણમાં પોતાની વાત રજૂ કરવાની તક આપવામાં આવે છે, જે સમગ્ર પ્રક્રિયાને વધુ માનવીય અને સંવેદનશીલ બનાવે છે.
ફરિયાદથી લઈને નિરાકરણ સુધીની સુવ્યવસ્થિત પ્રક્રિયા
જનસંપર્ક કેન્દ્રમાં પ્રાપ્ત થતી તમામ ફરિયાદો અને અરજીઓની વિધિવત નોંધણી કરવામાં આવે છે. ત્યારબાદ સંબંધિત જિલ્લા અથવા શહેર પોલીસ એકમો તેમજ સંલગ્ન શાખાઓને જરૂરી કાર્યવાહી માટે મોકલવામાં આવે છે. નિર્ધારિત સમયમર્યાદામાં અહેવાલ મેળવી તેની સમીક્ષા કરવામાં આવે છે અને જરૂરી હોય ત્યાં ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે.
આ સમગ્ર પ્રક્રિયાને વધુ અસરકારક બનાવવા માટે બે સ્તરીય ફીડબેક વ્યવસ્થા પણ અમલમાં મૂકવામાં આવી છે. કાર્યાલય સ્તર અને જિલ્લા સ્તરે અલગ-અલગ ફીડબેક ફોર્મ દ્વારા અરજદારોનો પ્રતિસાદ મેળવવામાં આવે છે. ઉપરાંત, ટેલિફોન દ્વારા પણ અરજદારોનો સંપર્ક કરીને કેસની પ્રગતિ અંગે માહિતી આપવામાં આવે છે. આ વ્યવસ્થાથી પારદર્શિતા વધવા સાથે જવાબદારીની ભાવના પણ મજબૂત બની છે.
અનેક નાગરિકોને મળ્યો ઝડપી ન્યાય
તા. 2 ફેબ્રુઆરીથી શરૂ કરાયેલા જનસંપર્ક કેન્દ્રમાં અત્યાર સુધી મોટી સંખ્યામાં અરજીઓ અને ફરિયાદો પ્રાપ્ત થઈ છે, જેમાંથી મોટાભાગના કેસોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવામાં સફળતા મળી છે.
ભાવનગરના રહેવાસી જીગરભાઈ ભટ્ટનો કેસ આ વ્યવસ્થાની સફળતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે ગાંધીનગર સ્થિત જનસંપર્ક કાર્યાલયનો સંપર્ક કર્યા બાદ કાર્યાલય દ્વારા તાત્કાલિક અનુસરણ કરવામાં આવ્યું હતું. PI પલક પટેલ અને PSI એમ. જે. પટેલના સહયોગથી તેમની મુલાકાત સંબંધિત IPS અધિકારી અમિતા વનાણી સાથે કરાવવામાં આવી હતી. પરિણામે કેસમાં ઝડપથી કાર્યવાહી થઈ અને આરોપીની ધરપકડ કરીને અરજદારને ન્યાય અપાવવામાં આવ્યો હતો.
તે જ રીતે સાણંદના નરેશભાઈ દુલેરાએ આ સેવાને સામાન્ય અને ગરીબ માણસો માટે ન્યાયનું આશાકિરણ ગણાવ્યું હતું. તેમના મતે, પોલીસ અને નાગરિકો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરતી આવી વ્યવસ્થા જનહિત માટે ખૂબ જ ઉપયોગી અને આવશ્યક છે.
આ પણ વાંચો: વડોદરા માંજલપુરના ધારાસભ્યનું નિધન : યોગેશ પટેલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ
લોકકેન્દ્રિત પોલીસિંગનું સફળ મોડેલ
જનસંપર્ક કેન્દ્ર ગુજરાત પોલીસના લોકકેન્દ્રિત અભિગમનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે. આ પહેલ માત્ર ફરિયાદોના નિરાકરણ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પોલીસ અને જનતા વચ્ચે વિશ્વાસ, પારદર્શિતા અને જવાબદારીનું મજબૂત નેટવર્ક ઊભું કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
આધુનિક પોલીસિંગમાં નાગરિકોની ભાગીદારી અને વિશ્વાસ સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. ગુજરાત પોલીસનું જનસંપર્ક કેન્દ્ર આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ રહ્યું છે, જે ભવિષ્યમાં વધુ અસરકારક અને જનમૈત્રી પોલીસ વ્યવસ્થા માટે માર્ગદર્શક બની શકે છે.





