Home Gujarat Vadodara Manjalpur Mla Yogesh Patel Passes Away

વડોદરા માંજલપુર ધારાસભ્યનું નિધન : યોગેશ પટેલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ

યોગેશ પટેલ
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jun 02, 2026, 10:34 AM IST

વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા યોગેશ પટેલનું અવસાન થયું છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ હૃદયરોગની બીમારીથી પીડાઈ રહ્યા હતા. બે દિવસ પહેલાં તેમને વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

યોગેશ પટેલના નિધનથી વડોદરા સહિત સમગ્ર ગુજરાતના રાજકીય અને સામાજિક વર્તુળોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના અવસાન સાથે ગુજરાત વિધાનસભાની વધુ એક બેઠક ખાલી પડી છે. થોડા મહિનાં પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારના 6 માર્ચ, 2026ના રોજ અવસાન બાદ પણ બેઠક ખાલી પડી હતી, જેના માટે યોજાયેલી પેટાચૂંટણીમાં તેમના પુત્ર વિજેતા બન્યા હતા.

વડોદરાની જનતાના ‘કાકા’ તરીકે ઓળખ

યોગેશ પટેલ માત્ર રાજકારણી નહોતા, પરંતુ વડોદરાની જનતા માટે ‘કાકા’ તરીકે ઓળખાતું એક લોકપ્રિય વ્યક્તિત્વ હતા. લોકો સાથેનો તેમનો સીધો સંપર્ક, સરળ સ્વભાવ અને પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટેની પ્રતિબદ્ધતાએ તેમને વડોદરાના સૌથી લોકપ્રિય નેતાઓમાં સ્થાન અપાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સતત આઠ વખત વિજય મેળવવાનો તેમનો રેકોર્ડ રાજ્યના રાજકારણમાં વિરલ માનવામાં આવે છે. તેમણે પોતાની રાજકીય સફરની શરૂઆત વડોદરાની રાવપુરા બેઠકથી કરી હતી. રાવપુરા બેઠક પરથી સતત જીત મેળવી તેમણે ભાજપનો મજબૂત ગઢ ઊભો કર્યો હતો. બાદમાં સીમાંકન બદલાયા પછી તેઓ માંજલપુર બેઠક પરથી ચૂંટણી લડ્યા અને ત્યાં પણ સતત જીતનો સિલસિલો જાળવી રાખ્યો.

2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમણે માંજલપુર બેઠક પરથી નોંધપાત્ર બહુમતી સાથે જીત મેળવી હતી. તેમના અનુભવ અને લાંબા રાજકીય કાર્યકાળને કારણે તેઓ ગુજરાતના સૌથી વરિષ્ઠ ધારાસભ્યોમાં ગણાતા હતા.

મંત્રી તરીકે પણ છોડી આગવી છાપ

યોગેશ પટેલે રાજ્ય સરકારમાં પણ મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી. વિજય રૂપાણીની સરકારમાં તેઓ રાજ્ય કક્ષાના નર્મદા વિકાસ અને ગૃહ નિર્માણ મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા હતા. મંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે વડોદરા અને મધ્ય ગુજરાતના વિકાસલક્ષી પ્રોજેક્ટોને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેમ છતાં તેમની ઓળખ માત્ર સત્તાધારી નેતા તરીકે મર્યાદિત રહી નહોતી. તેઓ પોતાની જ સરકાર સામે જનહિતના પ્રશ્નો ઉઠાવવામાં પણ અચકાતા નહોતા. રસ્તા, પાણી, ડ્રેનેજ અને નાગરિક સુવિધાઓ જેવા મુદ્દાઓ પર તેઓ વારંવાર મુખ્યમંત્રી અને સંબંધિત મંત્રીઓને પત્રો લખીને રજૂઆતો કરતા હતા. તેમની આ નિડર કાર્યશૈલીને કારણે જનતા વચ્ચે તેમને વિશેષ માન-સન્માન મળ્યું હતું.

આંદોલનોથી શરૂ થયેલી રાજકીય સફર

યોગેશ પટેલની રાજકીય સફર વિદ્યાર્થી આંદોલનોથી શરૂ થઈ હતી. કોલેજકાળ દરમિયાન તેમણે મોંઘવારી વિરુદ્ધ અનેક આંદોલનો કર્યા હતા. દૂધ અને ખાદ્યતેલના ભાવવધારા સામે તેમણે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યાં હતાં.

3 જૂન, 1978ના રોજ વડોદરામાં દૂધના ભાવમાં 10 પૈસાનો વધારો થતાં તેમણે જનઆંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આ આંદોલન દરમિયાન અનેક દૂધ કેન્દ્રો પર વિરોધ નોંધાયો હતો અને તેઓ પોતે પણ ગંભીર રીતે દાઝી ગયા હતા. આ ઘટનાએ તેમને શહેરના જનઆંદોલનકારી નેતા તરીકે ઓળખ અપાવી હતી.

વિદ્યાર્થીઓના હિત માટે તેમણે "વિદ્યાર્થી હિતરક્ષક સમિતિ"ની સ્થાપના કરી હતી. શૈક્ષણિક ફીમાં થતા વધારા સામેના તેમના આંદોલનોના પડઘા દિલ્હી સુધી પડ્યા હતા અને સરકારને ફી નિયમન અંગે કાયદાકીય વ્યવસ્થા લાવવા દબાણ અનુભવવું પડ્યું હતું.

આ પણ વાંચો: સિંહોના ગઢમાં શ્વાને ફાડી ખાધું બાળક! : એક મહિનામાં 2 બાળકો મોતને ભેટ્યા, 2 ના આબાદ બચાવ

જનતા પાર્ટીથી ભાજપ સુધીનો સફર

રાજકીય જીવનની શરૂઆત તેમણે જનતા પાર્ટીથી કરી હતી. 1990ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાવપુરા બેઠક પરથી જનતા પાર્ટીની ટિકિટ પર તેઓ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.

1995માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ત્યારથી ભાજપના અગ્રણી નેતાઓમાં સ્થાન મેળવ્યું. રાવપુરા બેઠક પરથી પાંચ વખત અને બાદમાં માંજલપુર બેઠક પરથી સતત વિજય મેળવી તેમણે પોતાના રાજકીય પ્રભાવને વધુ મજબૂત બનાવ્યો.

તેમના રાજકીય જીવન સાથે એક રસપ્રદ પ્રસંગ પણ જોડાયેલો છે. કહેવાય છે કે સંજય ગાંધીના અવસાન બાદ મુશ્કેલ સમયમાં તેમણે મેનકા ગાંધીને સાથ આપ્યો હતો. ત્યારબાદ બંને વચ્ચે પારિવારિક સંબંધો જેવા આત્મીય સંબંધો બંધાયા હતા અને મેનકા ગાંધી તેમને ભાઈ સમાન માનતા હતા.

રાજકારણ સાથે સાંસ્કૃતિક જીવનમાં પણ આગવી ઓળખ

યોગેશ પટેલ માત્ર રાજકારણ પૂરતા મર્યાદિત નહોતા. વડોદરાની સાંસ્કૃતિક ઓળખ સાથે પણ તેમનો ગાઢ સંબંધ હતો. નવરાત્રિ મહોત્સવ, ગણેશોત્સવ અને અન્ય ધાર્મિક-સામાજિક કાર્યક્રમોમાં તેઓ સક્રિય રીતે જોડાતા હતા.

ખાસ કરીને વડોદરાની પ્રસિદ્ધ ‘શિવજી કી સવારી’ને રાજ્યભરમાં આગવી ઓળખ અપાવવામાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન માનવામાં આવે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સમાજને જોડવાના તેમના પ્રયાસો આજે પણ લોકો યાદ કરે છે.

આ પણ વાંચો: AI અને Machine Learning માટે ગુજરાતમાં મોટી તક! : કોલેજોમાં ઉમેરાઈ 1,500 નવી બેઠકો

વડોદરાના રાજકીય ઇતિહાસનો એક અધ્યાય પૂર્ણ

આઠ ટર્મ સુધી ધારાસભ્ય તરીકે સેવા આપવી, મંત્રી તરીકે જવાબદારીઓ નિભાવવી, જનઆંદોલનોથી લોકપ્રિયતા મેળવવી અને સામાન્ય નાગરિકો સાથે સતત જોડાયેલા રહેવું—આ તમામ બાબતો યોગેશ પટેલને વડોદરાના રાજકીય ઇતિહાસમાં વિશિષ્ટ સ્થાન અપાવે છે.

તેમના અવસાન સાથે વડોદરાએ માત્ર એક ધારાસભ્ય નહીં, પરંતુ જનતાની વચ્ચે રહેતા અને લોકોના પ્રશ્નોને પોતાનો પ્રશ્ન માનતા એક લોકપ્રિય નેતા ગુમાવ્યો છે. તેમના નિધનથી સર્જાયેલી ખાલી જગ્યા નજીકના ભવિષ્યમાં ભરવી સરળ નહીં રહે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now