બનાસકાંઠા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવોને અંજામ આપતી રાજસ્થાનની બાગરીયા ગેંગનો પર્દાફાશ કરવામાં બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાંચ (LCB)ને મોટી સફળતા મળી છે. પાલનપુરના હનુમાન ટેકરી નજીક આવેલા ચિનુવિલા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી પોલીસે ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે, જ્યારે અન્ય ચાર આરોપીઓ હજુ ફરાર હોવાનું સામે આવ્યું છે.
પોલીસના જણાવ્યા અનુસાર 19 મે, 2026ના રોજ પાલનપુર-આબુરોડ હાઇવે પર આવેલા ચિનુવિલા મકાનમાં બપોરના સમયે અજાણ્યા શખ્સોએ ઘૂસી ચોરી કરી હતી. ચોરોએ મકાનના મુખ્ય દરવાજાનું લોક અને લોખંડની જાળી તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ કબાટમાંથી ચાંદીના ચાર ગ્લાસ, છ વાટકીઓ, એક ટ્રે, એક બોટલ અને પાંચ ચાંદીના સિક્કા મળી આશરે 1,500 ગ્રામ ચાંદીની ચોરી કરી હતી, જેની કિંમત અંદાજે રૂ. 65 હજાર જેટલી થાય છે. આ મામલે પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
આ પણ વાંચો: CBSEનું પુનર્મૂલ્યાંકન પોર્ટલ હેક કરવાનો પ્રયાસ? : 16 હજારથી વધુ અરજીઓ વચ્ચે બોર્ડે આપી મોટી સ્પષ્ટતા
100 થી વધુ CCTV ફૂટેજ તપાસી મળી મહત્વની કડી
બનાસકાંઠા રેન્જના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ LCBની અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન 100થી વધુ CCTV કેમેરાના ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે મહત્વની માહિતી મળી હતી. તપાસમાં ખુલ્યું કે ચોરી પાછળ રાજસ્થાનના કેકડી જિલ્લાના બાગેરા ગામ સાથે સંકળાયેલી બાગરીયા ગેંગનો હાથ હતો.
પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આરોપીઓ RJ-52-GB-5280 નંબરના ટ્રેલર ટ્રકમાં આવી ચોરીને અંજામ આપતા હતા. ત્યારબાદ પોલીસે દેવપુરા, ફારકિયા (રાજસ્થાન)ના રહેવાસી રાકેશ ઘીસાલાલ બાગરીયાને ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન તેણે પોતાના સાગરીતો રમેશ બાગરીયા, પ્રકાશ બાગરીયા, નોરતીયા ઉર્ફે ગ્યાસીરામ બાગરીયા અને બાબુલાલ બાગરીયા સાથે મળી પાલનપુરમાં ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.
આ પણ વાંચો: IPL ફાઇનલ અમદાવાદ ખસેડાતા હંગામો! : કર્ણાટક સરકારના આરોપોથી ગરમાયું રાજકારણ! શું છે આખો વિવાદ?
ફિલ્મી અંદાજમાં ચોરી કરવાની અનોખી મોડસ ઓપરેન્ડી
તપાસ દરમિયાન ગેંગની ચોરી કરવાની રીત પણ ચોંકાવનારી સામે આવી છે. મુખ્ય સૂત્રધાર રમેશ બાગરીયા ટ્રેલર ટ્રક ચલાવતો હતો અને સમગ્ર ગેંગ ટ્રકમાં દેશના વિવિધ રાજ્યોમાં ફરતી હતી. રસ્તામાં આવતા શહેરોમાં ગેંગના સભ્યો ટ્રકમાંથી ઉતરીને સોસાયટીઓમાં રેકી કરતા અને કયા મકાન બંધ છે તેની માહિતી એકત્ર કરતા. ત્યારબાદ ટ્રકને શહેરથી થોડે દૂર ઉભો રાખી ચોરીને અંજામ આપતા અને લોકલ વાહનો મારફતે ફરી ટ્રેલર સુધી પહોંચતા હતા. પોલીસના મતે તેમની કાર્યપદ્ધતિ ફિલ્મી કથાનક જેવી હતી.
તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ ગેંગ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં સંખ્યાબંધ ઘરફોડ ચોરીઓ કરી ચૂકી છે. પોલીસ હવે ફરાર આરોપીઓની શોધખોળ માટે અલગ ટીમો કામે લગાડી રહી છે.
આ પણ વાંચો: વડોદરા માંજલપુરના ધારાસભ્યનું નિધન : યોગેશ પટેલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન લીધા અંતિમ શ્વાસ
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે ગેંગના સભ્ય પ્રકાશ બાગરીયા સામે દિલ્હીના તિલકનગર અને ગ્રેટર કૈલાશ પોલીસ સ્ટેશનોમાં પણ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. આથી ગેંગ લાંબા સમયથી આંતરરાજ્ય ચોરીઓમાં સંડોવાયેલી હોવાની આશંકા વધુ મજબૂત બની છે.
હાલ પોલીસે રાકેશ બાગરીયાની ધરપકડ કરીને તેની પાસેથી મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. અન્ય આરોપીઓને ઝડપવા માટે તપાસનો ધમધમાટ ચાલુ છે. પોલીસનું માનવું છે કે આગામી દિવસોમાં વધુ ચોરીના ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ શકે છે.





