Jawahar Chavda: ગુજરાતનું રાજકારણ હંમેશા કંઈક અણધાર્યા વળાંકો માટે જાણીતું રહ્યું છે. તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના સોભાવડલા ગામે એક એવો નજારો જોવા મળ્યો જેણે સમગ્ર રાજ્યના રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડા અને આમ આદમી પાર્ટીના ફાયરબ્રાન્ડ નેતા ગોપાલ ઈટાલિયા પ્રથમ વખત એકસાથે જાહેર કાર્યક્રમમાં જોવા મળ્યા છે.
પ્રથમ વખત એક સાથે: શું છે સમગ્ર મામલો?
સોભાવડલા ગામે એક મંદિરના નવનિર્માણ માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો. આ ધાર્મિક પ્રસંગમાં અનેક સાધુ-સંતોની ઉપસ્થિતિ હતી, પરંતુ લોકોની નજર જે બે ચહેરાઓ પર ટકેલી હતી તે હતા - જવાહર ચાવડા અને ગોપાલ ઈટાલિયા.
આખીર યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?
સોશિયલ મીડિયા પર આ કાર્યક્રમના ફોટા વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. રાજકીય વિશ્લેષકો પૂછી રહ્યા છે કે, "આખીર યે રિશ્તા ક્યા કહેલાતા હૈ?" કારણ કે એક બાજુ ભાજપના નેતા છે અને બીજી બાજુ ભાજપના સૌથી કટ્ટર હરીફ ગણાતી 'આપ' ના નેતા છે. બન્ને વચ્ચેની આ નિકટતા માત્ર ધાર્મિક હતી કે પછી તેની પાછળ કોઈ રાજકીય ગણિત છુપાયેલું છે, તે ચર્ચાનો વિષય બન્યો છે.
જવાહર ચાવડાની 'સાઈડ લાઈન' સ્થિતિ અને નવા સમીકરણો
નોંધનીય છે કે કોંગ્રેસના ગઢ ગણાતા માણાવદર વિસ્તારના મજબૂત નેતા જવાહર ચાવડા જ્યારે ભાજપમાં જોડાયા ત્યારે તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં તેમને સાઈડ લાઈન કરવામાં આવ્યા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. સંગઠન કે સરકારના મોટા નિર્ણયોમાં તેમની સક્રિયતા ઓછી દેખાતા એવી અટકળો તેજ થઈ છે કે જવાહર ચાવડા હવે કંઈક 'નવા જૂની' કરવાના મૂડમાં છે. હાલ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે શું જવાહર ચાવડા ભાજપ સામે પોતાનો અસંતોષ વ્યક્ત કરવા માટે વિપક્ષી નેતાઓ સાથે નિકટતા વધારી રહ્યા છે?
પાટીદાર સમાજમાં આંતરજ્ઞાતિય લગ્ન મુદ્દે બે ફાંટા : અનાર પટેલ અને લાલજી પટેલના વિરોધાભાસી સૂર
રાજકારણમાં 'નવા જૂની' ના એંધાણ
ગોપાલ ઈટાલિયા સાથેની આ મુલાકાતને ખાલી સંયોગ માનવા રાજકીય પંડિતો તૈયાર નથી. સૌરાષ્ટ્રના રાજકારણમાં જવાહર ચાવડાનું કદ ઘણું મોટું છે, અને જો તેઓ કોઈ નવો માર્ગ પકડે તો ભાજપ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. બીજી તરફ, ગોપાલ ઈટાલિયા પણ હંમેશા નવા સમીકરણો શોધતા હોય છે.
બન્ને દિગ્ગજ નેતાઓની મુલાકાતે કયા મુખ્ય મુદ્દાઓ છે ચર્ચામાં...
1. શું જવાહર ચાવડા ભાજપથી નારાજ છે?
2. શું આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં કોઈ નવું ગઠબંધન જોવા મળશે?
3. શું આ મુલાકાત માત્ર સામાજિક હતી કે રાજકીય મેસેજ?
વાયરલ તસવીરો બાદ રાજકીય અટકળો તેજ
કાર્યક્રમ બાદ સોશિયલ મીડિયામાં ગોપાલ ઇટાલિયા અને જવાહર ચાવડાની સાથેની તસવીરો ઝડપથી વાયરલ થઈ હતી. રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ કે શું ગુજરાતમાં કોઈ નવા રાજકીય સમીકરણો તૈયાર થઈ રહ્યા છે? ખાસ કરીને ત્યારે જ્યારે ભાજપમાં જવાહર ચાવડાની ભૂમિકા છેલ્લા કેટલાક સમયથી મર્યાદિત દેખાઈ રહી છે. જવાહર ચાવડા અગાઉ કોંગ્રેસના પ્રભાવશાળી નેતા તરીકે ઓળખાતા હતા અને બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં પ્રવેશ બાદ તેમને કેબિનેટમાં સ્થાન પણ મળ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેઓ સક્રિય રાજકીય કેન્દ્રથી થોડા દૂર જોવા મળતા હતા. અનેક રાજકીય વિશ્લેષકો માનતા રહ્યા છે કે ચાવડાની સંગઠન અને સરકારમાં પહેલાની સરખામણીએ અસર ઓછી થઈ છે. આ પરિસ્થિતિ વચ્ચે ગોપાલ ઇટાલિયા જેવા ભાજપના કટ્ટર વિરોધી નેતા સાથે તેમની હાજરીએ રાજકીય ચર્ચાઓને વધુ બળ આપ્યું છે. જોકે હાલ સુધી બન્ને તરફથી કોઈ રાજકીય ગઠબંધન કે નવી રાજકીય દિશા અંગે સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
6 એપ્રિલ 1980: જનતા પ્રયોગના પતનથી ‘કમળ’ના ઉદય સુધી : ભારતીય જનતા પાર્ટીના જન્મની સંઘર્ષગાથા
ગોપાલ ઇટાલિયા માટે પણ રાજકીય રીતે મહત્વપૂર્ણ સંકેત
ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતની રાજનીતિમાં આક્રમક વિરોધી ચહેરા તરીકે ઉભરી આવ્યા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતમાં વિસ્તરણ પ્રયાસોમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. ખાસ કરીને યુવા અને ગ્રામ્ય વિસ્તારોમાં તેઓ સતત સક્રિય રહેતા આવ્યા છે. આવા સમયે જવાહર ચાવડા જેવા અનુભવી નેતા સાથે જાહેર કાર્યક્રમમાં હાજરી આપવી માત્ર સામાજિક ઉપસ્થિતિ છે કે તેની પાછળ કોઈ રાજકીય સંદેશો છુપાયેલા છે, તે અંગે ચર્ચા ચાલી રહી છે. કેટલાક રાજકીય નિરીક્ષકો માને છે કે ગુજરાતમાં આગામી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક નેતાઓ પોતાના વિકલ્પો ખુલ્લા રાખી રહ્યા છે.
હાલ તો સોભાવડલાના આ કાર્યક્રમે ગુજરાતની રાજનીતિમાં 'વેઈટ એન્ડ વોચ' જેવી સ્થિતિ પેદા કરી દીધી છે. આગામી દિવસોમાં આ મુલાકાતની અસર શું થાય છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.





