Home Gujarat Rajkot Rajkot Jangleshwar Demolition Cost Inquiry Rmc Tushar Sumera

જંગલેશ્વર ડીમોલેશન ખર્ચની થશે તલસ્પર્શી તપાસ : કરોડોના ડીમોલેશન ખર્ચની તપાસ માટે સમિતિ રચાશે, મ્યુનિસિપલ કમિશ્નરનો મોટો નિર્ણય

Rajkot Jangleshwar Demolition
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jun 29, 2026, 10:36 AM IST

Rajkot Jangleshwar Demolition: રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલી વિશાળ ડીમોલેશન કામગીરીના ખર્ચને લઈને ઉઠેલા સવાલો બાદ હવે રાજકોટ મહાનગરપાલિકા સક્રિય બની છે. ડીમોલેશન ખર્ચમાં કોઈ ગેરરીતિ થઈ છે કે નહીં તેની તલસ્પર્શી અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે તેવી ખાતરી મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પ્રજાના પૈસાનો દુરુપયોગ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે અને જો તપાસ દરમિયાન કોઈ પ્રકારની અનિયમિતતા સામે આવશે તો જવાબદારો પાસેથી રકમની વસૂલાત પણ કરવામાં આવશે.

જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે 1500થી 1600 જેટલા મકાનોનું ડીમોલેશન કરવામાં આવ્યું હતું. આ કામગીરીને રાજકોટ શહેરના ઇતિહાસમાં સૌથી મોટા ડીમોલેશન પૈકીનું એક ગણાવવામાં આવી રહ્યું છે. મનપાના જણાવ્યા અનુસાર આ કામગીરીનું કદ ખૂબ મોટું હોવાથી ખર્ચ પણ સ્વાભાવિક રીતે વધારે આવ્યો છે, છતાં ખર્ચના દરેક પાસાની તપાસ કરવામાં આવશે.

મેયરની સૂચનાથી રચાશે તપાસ સમિતિ

મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું કે ડીમોલેશન ખર્ચ અંગે ઉઠેલા પ્રશ્નોને ગંભીરતાથી લેવામાં આવ્યા છે. મેયરની સૂચના મુજબ એક વિશેષ તપાસ સમિતિની રચના કરવામાં આવશે, જે સમગ્ર ખર્ચનું ઓડિટ અને ચકાસણી કરશે. તેમણે જણાવ્યું કે, આ સમિતિમાં પથિક પટેલ સિવાય અન્ય વરિષ્ઠ અધિકારીઓને પણ સામેલ કરવામાં આવશે, જેથી તપાસ સંપૂર્ણ પારદર્શક અને નિષ્પક્ષ રીતે થઈ શકે.

આ પણ વાંચો: રૂ. 5ની બોટલ માટે રૂ. 8નું બિલ? : રાજકોટ જંગલેશ્વર ડિમોલિશનમાં પાણી અને મંડપના લાખોના ખર્ચે મચ્યો નવો વિવાદ

દરેક બિલની થશે ચકાસણી

કમિશ્નરે જણાવ્યું કે ડીમોલેશન કામગીરી દરમિયાન થયેલા દરેક ખર્ચ અને દરેક બિલની અલગથી તપાસ કરવામાં આવશે. જો કોઈ બિલમાં ગેરરીતિ, વધારાનો ખર્ચ અથવા નિયમો વિરુદ્ધ ચુકવણી કરવામાં આવી હોવાનું સામે આવશે તો સંબંધિત જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, માત્ર તપાસ પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ જો કોઈ અનિયમિતતા સાબિત થશે તો તેની વસૂલાત કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે.

"પ્રજાના પૈસામાં ગેરરીતિ નહીં ચાલે"

તુષાર સુમેરાએ ભારપૂર્વક જણાવ્યું કે, મહાનગરપાલિકા પ્રજાના નાણાંથી ચાલતી સંસ્થા છે અને જાહેર નાણાંના ઉપયોગમાં પારદર્શિતા જળવાઈ રહે તે અત્યંત જરૂરી છે. તેમણે કહ્યું કે, "પ્રજાના પૈસામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ સહન કરવામાં નહીં આવે. એક-એક ખર્ચની ઝીણવટભરી તપાસ કરીને સત્ય બહાર લાવવામાં આવશે અને જો કોઈ અધિકારી કે સંકળાયેલ વ્યક્તિ જવાબદાર જણાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."

આ પણ વાંચો: 'પત્રકારોના નામે પોતાની ભૂલ ન છુપાવો' : જંગલેશ્વર 'નાસ્તા-પાણી' મુદ્દે ભાજપના પૂર્વ કોર્પોરેટરે મનપાને આડે હાથ લીધું!

ચંડોળા તળાવ કરતાં પણ મોટી કામગીરી

મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું કે જંગલેશ્વર વિસ્તારમાં હાથ ધરાયેલ ડીમોલેશન અભિયાનનું પ્રમાણ ખૂબ જ વિશાળ હતું. તેમણે આ કામગીરીની સરખામણી અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં થયેલા ડીમોલેશન કરતાં પણ મોટી કામગીરી તરીકે કરી હતી. મનપા દ્વારા હવે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવનાર હોવાથી આગામી દિવસોમાં ડીમોલેશન ખર્ચ અંગેનું વાસ્તવિક ચિત્ર સામે આવી શકે છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now