Rajkot Shapar Veraval Loot Case: રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળ વિસ્તારમાં જૂના રાજવી પરિવારના સભ્યને બંધક બનાવીને ચલાવવામાં આવેલી કરોડોની સનસનાટીભરી લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ગત 19 અને 20 જૂન, 2026ની રાત્રે બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી હતી. અંદાજે રૂ.2.49 કરોડની લૂંટના આ કેસ પર ખુદ ગુજરાતના પોલીસ વડા (DGP) સતત નજર રાખી રહ્યા હતા. હવે રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે આંતરરાજ્ય ગેંગના ત્રણ શાતિર આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય પાંચ ફરાર આરોપીઓની શોધખોળ હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ સંપૂર્ણ આયોજન અને રેકી બાદ આ લૂંટને અંજામ આપ્યો હતો. વૃદ્ધ રાજવી પરિવારના સભ્ય ઘરમાં એકલા રહેતા હોવાની માહિતીના આધારે ગેંગે માસ્ટર પ્લાન ઘડી કરોડોની લૂંટ ચલાવી હતી.
રાજવી પરિવારના સભ્યને બંધક બનાવી કરોડોની લૂંટ
પોલીસના જણાવ્યા મુજબ, શાપર-વેરાવળના જૂના રાજવી પરિવારના સભ્ય જીતેન્દ્રસિંહ જાડેજા તેમના નિવાસસ્થાને એકલા રહેતા હતા. આ માહિતી અગાઉથી મેળવ્યા બાદ લૂંટારૂઓએ ઘરમાં ઘૂસીને તેમને બંધક બનાવ્યા હતા. આરોપીઓએ ઘરમાંથી રૂ.2.47 કરોડની રોકડ રકમ, આશરે રૂ.2 લાખના સોના-ચાંદીના ઘરેણાં તેમજ લાયસન્સવાળી રાઇફલની લૂંટ ચલાવી હતી. શરૂઆતમાં લૂંટારૂઓ બોલેરો કારમાં ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ ગુનો આચર્યા બાદ તેઓ અગાઉથી ચોરી કરીને રાખવામાં આવેલી ત્રણ મોટરસાયકલ પર સવાર થઈ ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગુનાને અંજામ આપ્યા બાદ આરોપીઓએ મુદ્દામાલની વહેંચણી પણ કરી દીધી હતી.
CCTV ન હોવા છતાં પોલીસે ઉકેલ્યો કેસ
આ કેસ પોલીસ માટે પડકારજનક હતો, કારણ કે બનાવ સ્થળની આસપાસ સ્પષ્ટ સીસીટીવી ફૂટેજ ઉપલબ્ધ નહોતાં. જે ફૂટેજ મળ્યાં હતાં તે પણ ધૂંધળા અને અસ્પષ્ટ હતા. રાજકોટ ગ્રામ્ય પોલીસે તપાસ માટે અલગ-અલગ 20 ટીમોની રચના કરી હતી. એક ટીમ સીસીટીવી ફૂટેજના વિશ્લેષણમાં લાગી હતી, જ્યારે બીજી ટીમ મોબાઈલ ટાવર ડમ્પ ડેટાના ટેક્નિકલ એનાલિસિસમાં વ્યસ્ત હતી. અન્ય ટીમોએ જુના રીઢા ગુનેગારોના રેકોર્ડ અને ગતિવિધિઓની તપાસ હાથ ધરી હતી. લઆ દરમિયાન એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી તપાસ હાથ ધરવામાં આવી હતી, જ્યાં આરોપીઓ દ્વારા ત્યજી દેવાયેલી ત્રણ ચોરાયેલી મોટરસાયકલો બિનવારસી હાલતમાં મળી આવી હતી.
મોબાઈલ ટાવર ડમ્પથી મળ્યા ગુનેગારોના સગડ
પોલીસે મોટરસાયકલો મળેલી જગ્યાની આસપાસના મોબાઈલ ટાવર ડમ્પ ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં કેટલાક શંકાસ્પદ મોબાઈલ નંબરો સામે આવ્યા હતા. આ માહિતીના આધારે પોલીસે દાહોદ, ગોધરા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને બિહાર સહિતના વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા. આખરે મધ્યપ્રદેશના તેજોરિયા ગામ નજીકથી ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: સુરતનાં નાસીરનગર ડિમોલિશનનો વિવાદ : હાઇકોર્ટના કડક સવાલોથી SMC અને પોલીસ ઘેરાઈ
76 લાખથી વધુનો મુદ્દામાલ કબજે
પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી રૂ.43.18 લાખની રોકડ રકમ, રૂ.21.22 લાખના ઘરેણાં, લૂંટાયેલી લાયસન્સવાળી રાઇફલ, બોલેરો કાર તેમજ હથિયારો સહિત કુલ રૂ.76.86 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલા આરોપીઓ સામાન્ય ચોર નહીં પરંતુ આંતરરાજ્ય ગેંગના રીઢા ગુનેગારો છે. ઝડપાયેલા આરોપીઓમાં બનસીંગ ઉર્ફે બન્ના હેમરાજ સિંગાડ (જાંબુઆ, મધ્યપ્રદેશ), સેતાન દીવાન અમલિયાર અને દિનેશ સેતાન પરમારનો સમાવેશ થાય છે. તેમના વિરુદ્ધ અગાઉ પણ લૂંટ અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પાંચ આરોપીઓ હજુ ફરાર, તપાસ ચાલુ
આ કેસમાં મુખ્ય આરોપી કલમસીંગ ઉર્ફે કમલસીંગ સિંગાડ, કરણસીંગ ઉર્ફે મડીયા સિંગાડ, મહોબત, સુલસુલા બામણીયા અને વિઝન માવી હજુ પોલીસ પકડથી દૂર છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપીઓના કેટલાક સંબંધીઓ અગાઉ શાપર વિસ્તારમાં રહેતા હતા, જેના કારણે તેમને માહિતી મળી હતી કે વૃદ્ધ ઘરમાં એકલા રહે છે અને ત્યાં મોટી રકમ રાખવામાં આવી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ, આ સમગ્ર ઘટનામાં સ્થાનિક સ્તરે માહિતી આપનાર વ્યક્તિ અને લૂંટની યોજના ઘડવામાં મદદ કરનાર શખ્સની ઓળખ માટે પણ તપાસ તેજ કરવામાં આવી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વિવિધ રાજ્યોમાં પોલીસનું જાળ બિછાવવામાં આવ્યું છે.





