Surat News: સુરતના નાસીરનગર વિસ્તારમાં થયેલા વિવાદાસ્પદ ડિમોલિશન કેસમાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકાર, સુરત મહાનગરપાલિકા (SMC), સુરત પોલીસ અને ટોરેન્ટ પાવર સહિતના સંબંધિત પક્ષકારો સામે અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે. નાસીરનગરમાં 30 મેના રોજ થયેલા ડિમોલિશનને લઈને 26 અસરગ્રસ્ત અરજદારોએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. કેસની સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે કાયદાકીય પ્રક્રિયા વિના કોઈપણ વ્યક્તિનું ઘર તોડી શકાય નહીં અને જો પોલીસની હાજરીમાં ગેરકાયદેસર કાર્યવાહી થઈ હોય તો તે અત્યંત ગંભીર બાબત ગણાય. સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને જણાવ્યું કે અરજદારોની રજૂઆત પોલીસ સમક્ષ 1 જૂને નહીં પરંતુ 10 જૂને પહોંચી હતી. ત્યારબાદ અરજી વિવિધ પોલીસ અધિકારીઓ મારફતે 19 જૂને ચોકબજાર પોલીસ સ્ટેશન સુધી મોકલવામાં આવી હતી. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 10થી વધુ પોલીસ કર્મચારીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હોવાનું કોર્ટને જણાવાયું.
ડિમાર્કેશન કરવા ગયા કે ડિમોલિશન કરવા?
કોર્ટમાં સરકારી પક્ષે દલીલ કરી હતી કે 30 મેના રોજ સ્થળ પર ડિમોલિશન માટે નહીં પરંતુ માત્ર જમીનનું ડિમાર્કેશન કરવા માટે સરકારી અધિકારીઓ અને પોલીસ પહોંચી હતી. આ દલીલ પર હાઇકોર્ટે કડક સવાલો ઉઠાવતા પૂછ્યું કે જો માત્ર ડિમાર્કેશન થવાનું હતું તો DCP કક્ષાના અધિકારીની હાજરી શા માટે જરૂરી બની? વધુમાં કોર્ટે પૂછ્યું કે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે હાજર હતી તો તેમની હાજરીમાં ડિમોલિશન કેવી રીતે થઈ ગયું?
સરકારી વકીલે જણાવ્યું કે સંવેદનશીલ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચોકબજાર પોલીસને બંદોબસ્ત માટે બોલાવવામાં આવી હતી. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું કે જો પોલીસ સામે ગેરકાયદેસર રીતે મકાનો તોડી પાડવામાં આવી રહ્યા હોય તો તેને રોકવાની જવાબદારી પણ પોલીસની જ બને છે.
એડવોકેટ જનરલે ઘટનાને ગંભીર ગણાવી
સુરત મહાનગરપાલિકા તરફથી હાજર રહેલા એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું કે આ સમગ્ર ઘટના ગંભીર છે અને આવું બનવું જોઈએ નહોતું. તેમણે કોર્ટને માહિતી આપી કે સમગ્ર ઘટનાની તપાસ માટે 9 જૂને એક સમિતિની રચના કરવામાં આવી હતી અને તેનો અહેવાલ ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે જે જમીન પર ડિમોલિશન થયું તે પારસી માલિકીની હતી. ખાનગી ડેવલપરે પ્લોટ વેલિડેશન સર્ટિફિકેટ માટે અરજી કરી હતી, પરંતુ તેની પાસે જમીનનો વાસ્તવિક કબજો ન હોવાથી માત્ર ફિઝિકલ ડિમાર્કેશનની માંગ કરવામાં આવી હતી. આ માટે SMCના ડેપ્યુટી એન્જિનિયરે પોલીસ બંદોબસ્ત માગ્યો હતો, પરંતુ સ્થળ પર ડિમાર્કેશનના બદલે ડિમોલિશન થઈ ગયું હોવાનું સ્વીકારવામાં આવ્યું.
આ પણ વાંચો: ગુજરાતમાં ઉદ્યોગોની મેગા જાહેરાત! : 3,611 એકરમાં વિકસશે નવા સ્માર્ટ ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ
ટોરેન્ટ પાવરની ભૂમિકાને લઈને પણ સવાલ
સુનાવણી દરમિયાન ટોરેન્ટ પાવર તરફથી રજૂઆત કરવામાં આવી કે તેમને SMCના સેન્ટ્રલ ઝોનમાંથી ફોન કરીને જણાવાયું હતું કે સ્થળ પર ડિમોલિશન થવાનું હોવાથી વીજ પુરવઠો બંધ કરવા માટે કર્મચારીઓને મોકલવામાં આવે. ટોરેન્ટના કર્મચારીઓ સ્થળે પહોંચ્યા ત્યારે લગભગ 15થી 20 મકાનો પહેલેથી જ તોડી પાડવામાં આવ્યા હતા. ટોરેન્ટે કોર્ટમાં જણાવ્યું કે ડિમોલિશન કાયદેસર છે કે નહીં તે તપાસવાની તેમની જવાબદારી નથી. તેમનું કાર્ય માત્ર વીજ પુરવઠો બંધ કરીને મીટર દૂર કરવાનો છે. જોકે હાઇકોર્ટે ટોરેન્ટ પાવરના સર્વોચ્ચ અધિકારીને સમગ્ર પ્રક્રિયા અંગે વિગતવાર એફિડેવિટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.
પોલીસ કમિશ્નરની ભૂમિકા પર હાઇકોર્ટની નારાજગી
હાઇકોર્ટે સુરત પોલીસ કમિશ્નરની કામગીરી અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે જ્યારે પોલીસ સમક્ષ રજૂઆત આવી ત્યારે પોલીસ કમિશ્નરે જાતે જ સમગ્ર ઘટનાનું સંજ્ઞાન લેવું જોઈએ હતું. કોર્ટે પૂછ્યું કે 16 દિવસ સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં અને સંવેદનશીલ મામલામાં FIR નોંધવામાં આટલો વિલંબ કેમ થયો?
કોર્ટે વધુમાં જણાવ્યું કે જો પોલીસ માત્ર ડિમાર્કેશન માટે હાજર હતી તો પછી ગેરકાયદેસર ડિમોલિશનને રોકવાનો પ્રયાસ કેમ ન કર્યો? પોલીસની હાજરીમાં જો ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ હોય તો તે ગંભીર બાબત છે અને તેની જવાબદારી નક્કી થવી જોઈએ.
અસરગ્રસ્તોની રજૂઆત અને વૈકલ્પિક વ્યવસ્થા
અસરગ્રસ્તોએ કોર્ટ સમક્ષ જણાવ્યું કે ડિમોલિશન દરમિયાન તેમણે 112 ઇમરજન્સી નંબર પર ફોન કરીને મદદ માગી હતી, પરંતુ કોઈ મદદ મળી નહોતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે માત્ર એક કલાકની નોટિસ આપીને મકાનો ખાલી કરવા જણાવાયું હતું, જેના કારણે બાળકોના પુસ્તકો સહિત ઘરનો જરૂરી સામાન કાટમાળ નીચે દબાઈ ગયો હતો. એડવોકેટ જનરલે કોર્ટને જણાવ્યું કે હાલ 141 અસરગ્રસ્તોને રાંદેર અને કતારગામના શેલ્ટર હોમમાં તાત્કાલિક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમને પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આગામી સુનાવણી 2 જુલાઈએ
હાઇકોર્ટે આ સમગ્ર ઘટનાને પ્રથમદર્શી રીતે કાયદાકીય પ્રક્રિયા વિના થયેલું ડિમોલિશન ગણાવતાં ડેવલપર, બિલ્ડર, આર્કિટેક્ટ અને અન્ય ખાનગી પક્ષકારોને પણ નોટિસ પાઠવી છે. સાથે જ SMC, પોલીસ અને ટોરેન્ટ પાવરને વિગતવાર જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાયદા વિના કોઈપણ નાગરિકનું ઘર તોડી શકાય નહીં અને જો સરકારી તંત્ર દ્વારા નિયમોનું ઉલ્લંઘન થયું હશે તો તેની જવાબદારી નક્કી થશે. હવે આ સમગ્ર મામલે આગામી સુનાવણી 2 જુલાઈના રોજ હાથ ધરાશે, જ્યાં તપાસ અહેવાલો અને વિવિધ પક્ષોના જવાબોના આધારે કોર્ટ આગળની કાર્યવાહી કરશે. સમગ્ર રાજ્યની નજર હવે આ કેસના આગામી વિકાસ પર કેન્દ્રિત છે.





