Tokyo School Fire: જાપાનની રાજધાની ટોક્યોમાં શુક્રવારે એક પ્રાથમિક શાળામાં અચાનક આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના સમયે શાળામાં 300થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો હાજર હતા, જેના કારણે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. સદનસીબે સમયસર કાર્યવાહી થવાને કારણે તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ ઘટનામાં 10 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સ્થાનિક સત્તાવાળાઓએ જણાવ્યું છે. ઘાયલોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો સમાવેશ થાય છે. જોકે, તમામની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાયું છે અને કોઈના જીવને જોખમ નથી. ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમગ્ર જાપાનમાં આ બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.
સંગીત વિભાગ નજીકથી શરૂ થઈ આગ
મળતી માહિતી મુજબ આ ઘટના ટોક્યોના કિતા વોર્ડ વિસ્તારમાં આવેલી ટાકિનોગાવા ડેસન એલિમેન્ટરી સ્કૂલમાં બની હતી. સ્થાનિક સમય અનુસાર સવારે લગભગ 11 વાગ્યે શાળાની ચાર માળની ઇમારતના ઉપરના ભાગમાંથી આગની જ્વાળાઓ અને ધુમાડો જોવા મળ્યો હતો. ટોક્યો ફાયર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આગ સંગીત કક્ષાની નજીક આવેલા વિસ્તારમાંથી શરૂ થઈ હતી. થોડા જ સમયમાં આગે ચોથા માળના લગભગ 200 ચોરસ મીટર વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો.
ધુમાડાના ગોટેગોટા વચ્ચે બચાવ કામગીરી
ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં ફાયર બ્રિગેડની ટીમો અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગ લાગવાના સમયે કેટલાક વિદ્યાર્થીઓ અને એક શિક્ષક ઇમારતની અંદર ફસાઈ ગયા હતા. જોકે ફાયરફાઇટર્સે ઝડપી કાર્યવાહી કરીને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. અન્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શાળામાંથી બહાર કાઢીને નજીકના પાર્કમાં ખસેડવામાં આવ્યા હતા.
10 લોકો ઈજાગ્રસ્ત, તમામની સ્થિતિ સ્થિર
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં કુલ 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમાં સાત વિદ્યાર્થીઓ ધુમાડો શ્વાસ દ્વારા શરીરમાં જવાથી પ્રભાવિત થયા હતા. એક વિદ્યાર્થી બચાવ દરમિયાન પડી જતાં ઈજાગ્રસ્ત થયો હતો, જ્યારે બે શિક્ષકોને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બધા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સત્તાવાળાઓએ જણાવ્યું છે કે તમામની સ્થિતિ હાલ સ્થિર છે અને કોઈને ગંભીર જોખમ નથી.
આગનું કારણ હજુ અકબંધ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આગ લાગવાના સમયે પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ સંગીતના પાઠમાં હાજર હતા. તપાસ એજન્સીઓનું માનવું છે કે આગ સંગીત વિભાગ નજીક આવેલા કોઈ રૂમમાંથી શરૂ થઈ હોઈ શકે છે. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આગ ઇલેક્ટ્રિકલ ખામી, સાધનોની ખામી કે અન્ય કોઈ કારણસર લાગી હતી કે, નહીં તે જાણવા માટે નિષ્ણાતોની ટીમ તપાસ કરી રહી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ઘટનાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વીડિયોમાં શાળાની બારીઓમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા અને ઘટનાસ્થળે દોડી આવેલી ફાયર બ્રિગેડની ગાડીઓ જોવા મળે છે. ઘટનાએ શાળા સુરક્ષા વ્યવસ્થા અને આગ જેવી ઇમરજન્સી સ્થિતિઓમાં ઝડપી પ્રતિસાદના મહત્વને ફરી એકવાર ઉજાગર કર્યું છે.
સમયસર બચાવથી ટળી મોટી દુર્ઘટના
સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર જો બચાવ કામગીરીમાં થોડો પણ વિલંબ થયો હોત તો મોટી જાનહાનિ થઈ શકતી હતી. આગ લાગ્યાના મિનિટોમાં જ વિદ્યાર્થીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી, જેના કારણે મોટો અકસ્માત ટળી ગયો. જાપાનમાં શાળાઓમાં નિયમિત રીતે યોજાતી આપત્તિ વ્યવસ્થાપન તાલીમ અને ફાયર સેફ્ટી ડ્રિલ્સ પણ આ બચાવ કામગીરીમાં મદદરૂપ બની હોવાનું માનવામાં આવે છે.






