10 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગરનાં પ્રવાસે છે. તેમની મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા પ્રશાસન દ્વારા સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા જાહેરનામું બહાર પાડીને જામનગર મહાનગરપાલિકા સહિત સમગ્ર જિલ્લામાં “નો ડ્રોન ફ્લાય ઝોન” જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણય તેમની સુરક્ષા તથા કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી લેવામાં આવ્યો છે.
જાહેરનામા મુજબ આ પ્રતિબંધ તા. 10 મે 2026ના રોજ બપોરે 12:00 કલાકથી શરૂ થઈ તા. 11 મે 2026ના રોજ સાંજે 6:00 કલાક સુધી અમલમાં રહેશે. આ દરમિયાન કોઈપણ પ્રકારના માનવ રહિત અથવા નાનાં કદના હવાઈ સાધનોના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
કયા સાધનો પર રહેશે પ્રતિબંધ
પ્રશાસન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે રીમોટ કંટ્રોલથી સંચાલિત ડ્રોન, ક્વાડકોપ્ટર અને પાવર્ડ એરક્રાફ્ટ સહિત માનવ સંચાલિત માઇક્રોલાઇટ એરક્રાફ્ટ, હેંગ ગ્લાઇડર, પેરા ગ્લાઇડર, પેરા મોટર, હોટ એર બલૂન તેમજ પેરા જમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ પર પણ પ્રતિબંધ લાગુ રહેશે. આ તમામ ઉપકરણોને “સબ-કન્વેન્શનલ એરિયલ પ્લેટફોર્મ” તરીકે ગણવામાં આવે છે, જેનો દુરૂપયોગ સુરક્ષા માટે જોખમી બની શકે છે.
આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ એ છે કે દેશવિરોધી તત્વો અથવા અસામાજિક ગતિવિધિઓમાં સંકળાયેલા લોકો આવા સાધનોનો ઉપયોગ કરીને સુરક્ષા વ્યવસ્થાને ભંગ કરવાનો પ્રયાસ કરી શકે છે. તેથી આગોતરા પગલાં રૂપે આ પ્રતિબંધ અમલમાં મુકાયો છે.
સુરક્ષા એજન્સીઓને અપવાદ
જાહેરનામા હેઠળ કેટલાક વિભાગોને આ પ્રતિબંધમાંથી છૂટછાટ આપવામાં આવી છે. પોલીસ વિભાગ, સશસ્ત્ર દળો, SPG, IB સહિત વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા સુરક્ષા અને બંદોબસ્ત માટે ઉપયોગમાં લેવાતા હવાઈ સાધનો પર આ નિયમ લાગુ પડશે નહીં.
તે ઉપરાંત સેનાદળો, કોસ્ટ ગાર્ડ, BSF, CRPF, CISF અને NSG જેવી કેન્દ્રીય સુરક્ષા સંસ્થાઓને પણ રાષ્ટ્રીય સુરક્ષા અને VIP સુરક્ષા હેતુસર હવાઈ સાધનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ, એર એમ્બ્યુલન્સ તેમજ NDRF અને SDRF જેવી આપત્તિ વ્યવસ્થાપન સંસ્થાઓને પણ ઈમરજન્સી અને રાહત કામગીરી માટે છૂટછાટ આપવામાં આવી છે.
કાયદાકીય કાર્યવાહી અંગે ચેતવણી
પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ભારતી ન્યાય સંહિતા, 2023ની કલમ 223 મુજબ ભંગ કરનારને સજા થઈ શકે છે. અધિકારીઓએ નાગરિકોને સહકાર આપવા અને નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
સુરક્ષા વ્યવસ્થાનો વિસ્તૃત પરિપ્રેક્ષ્ય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સુરક્ષા એજન્સીઓ દ્વારા મલ્ટી-લેયર સિક્યોરિટી ગોઠવવામાં આવે છે, જેમાં એર સ્પેસ નિયંત્રણ મહત્વપૂર્ણ ભાગ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ડ્રોન ટેક્નોલોજીના વધતા ઉપયોગને કારણે VIP સુરક્ષા માટે નવી પડકારો ઉભા થયા છે. આવા સંજોગોમાં દેશના વિવિધ શહેરોમાં પણ આવા પ્રતિબંધો અમલમાં મૂકવામાં આવ્યા છે. જામનગરમાં પણ આ પગલું એ જ સુરક્ષા માળખાનો એક ભાગ છે, જેથી કોઈપણ અનિચ્છનીય ઘટના ટાળી શકાય અને પ્રવાસ સુચારૂ રીતે પૂર્ણ થાય.





