પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. યુએઈ (UAE) ના ફુજૈરાહ સ્થિત ઓઇલ પોર્ટ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને પગલે ભારત સરકારે સખત શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને આ હુમલાને અસ્વીકાર્ય ગણાવ્યો છે.
ભારતનું કડક વલણ અને શાંતિની અપીલ
વડાપ્રધાન મોદીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, "સામાન્ય નાગરિકો અને આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું કોઈપણ સંજોગોમાં સ્વીકારી શકાય નહીં." ભારતીય વિદેશ મંત્રાલયે તમામ પક્ષોને તાત્કાલિક હિંસા રોકવા અને વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવા આહવાન કર્યું છે. ભારતે વધુમાં ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ કાયદા મુજબ હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર કોઈપણ અવરોધ વિના ચાલુ રહેવી જોઈએ, જેથી વૈશ્વિક સ્થિરતા જળવાઈ રહે.
ઈરાનનો મિસાઈલ અને ડ્રોન એટેક
UAE ના દાવા મુજબ, ઈરાન તરફથી કુલ 12 બેલિસ્ટિક મિસાઈલ, 3 ક્રુઝ મિસાઈલ અને 4 ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, UAE ની સંરક્ષણ પ્રણાલી મોટાભાગના હુમલાઓને રોકવામાં સફળ રહી હતી. આ હુમલાને કારણે ફુજૈરાહના પેટ્રોલિયમ પ્લાન્ટના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં ભારતીયો જખમી થયા હતા. બીજી તરફ, ઈરાને હજુ સુધી આ આરોપો પર કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
હવામાંથી સીધું બિલ્ડીંગમાં ઘૂસ્યું વિમાન: ઘટનામાં પાયલટ સહિત 3 ના મોત, જુઓ રુંવાડા ઉભા કરી દે તેવી વિમાન દુર્ઘટનાના દ્ધશ્યો
ડોનાલ્ડ ટ્રમ્પનું રહસ્યમય મૌન અને ચેતવણી
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સ્થિતિ પર વિચિત્ર પ્રતિક્રિયા આપી છે. જ્યારે તેમને યુદ્ધવિરામ ભંગ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સીધો જવાબ આપવાનું ટાળ્યું હતું. જોકે, તેમણે ઈરાનને કડક ચેતવણી આપતા અગાઉ કહ્યું હતું કે જો તે અમેરિકી જહાજોને નિશાન બનાવશે, તો ઈરાનને "પૃથ્વી પરથી ભૂંસી નાખવામાં આવશે."
છેલ્લા 24 કલાકના મુખ્ય ઘટનાક્રમ:
પ્રોજેક્ટ ફ્રીડમ: અમેરિકાએ હોર્મુઝમાં ફસાયેલા જહાજોને બચાવવા માટે 'પ્રોજેક્ટ ફ્રીડમ' લોન્ચ કર્યો છે.
દક્ષિણ કોરિયા પર હુમલો: હોર્મુઝ સ્ટ્રેટમાં દક્ષિણ કોરિયાના જહાજ પર પણ હુમલો થયો છે.
જહાજની સોંપણી: અમેરિકાએ જપ્ત કરેલું ઈરાની જહાજ 'ટુસ્કા' પાકિસ્તાનને સોંપ્યું છે.
ઈરાનમાં ફાંસી: જાન્યુઆરી 2026 માં તખ્તાપલટના કાવતરાના આરોપ હેઠળ ઈરાને 3 લોકોને ફાંસી આપી છે.
આ ઘટના બાદ સમગ્ર વિશ્વની નજર હવે પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ટકેલી છે, જ્યાં યુદ્ધના વાદળો વધુ ઘેરા બની રહ્યા છે.





