Oracle UAE Attack: મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત વિનાશક વળાંક પર પહોંચી ગયું છે. અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનની સિવિલિયન સાઈટ્સ (રહેણાંક વિસ્તારો) ને નિશાન બનાવવામાં આવતા ઈરાન લાલઘૂમ થયું છે. તાજેતરમાં ઈરાનના કરજ શહેરમાં આવેલા વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ એવા B1 બ્રિજ પર અમેરિકાએ ભીષણ હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે કારણ કે આ સમયે ત્યાં નાગરિકો મોટી સંખ્યામાં હાજર હતા.
ઈરાની મીડિયાના અહેવાલો અનુસાર, જ્યારે આ હુમલો થયો ત્યારે સ્થાનિક લોકો અને પ્રવાસીઓ ત્યાં 'નેચર ડે' (Nature Day) ની ઉજવણી કરી રહ્યા હતા. આ હુમલામાં અત્યાર સુધીમાં 8 નિર્દોષ લોકોના મોત થયા છે અને 95 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈરાને આ ઘટનાને 'નફ્ફટાઈભર્યું કૃત્ય' ગણાવીને અમેરિકા અને ઈઝરાયેલને કડક શબ્દોમાં વખોડી કાઢ્યા છે. અગાઉ પણ શાળાઓ અને હોસ્પિટલો પર થયેલા હુમલા બાદ હવે ઈરાને પલટવાર કરવાની નીતિ અપનાવી છે.
આ પણ વાંચો: ઈરાની હુમલાથી એમેઝોનને મોટો ફટકો : બહેરીનમાં AWS આગની ઝપેટમાં, જાણો કેટલું નુકસાન
UAEમાં અમેરિકન કંપનીઓ પર ઈરાનનો વળતો પ્રહાર
અમેરિકા અને ઈઝરાયેલ દ્વારા ઈરાનની સિવિલિયન સાઈટ્સ પર કરવામાં આવેલા હુમલા બાદ હવે ઈરાને આર્થિક અને ટેકનોલોજીકલ મોરચે મોટો વળતો પ્રહાર શરૂ કર્યો છે. ઈરાનની સત્તાવાર ન્યૂઝ એજન્સી 'પ્રેસ ટીવી' ના અહેવાલો અનુસાર, ઈરાને હવે સીધું અમેરિકન કંપનીઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાની વ્યૂહરચના અપનાવી છે. તાજેતરમાં યુનાઈટેડ આરબ અમીરાત (UAE) માં આવેલા અમેરિકન ટેક જાયન્ટ ઓરેકલ (Oracle) ના ડેટા સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો દાવો ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. એમેઝોન બાદ ઓરેકલ જેવી મોટી ટેક કંપનીઓ પરના આ હુમલાઓ દ્વારા ઈરાન અમેરિકાને મોટો આર્થિક ફટકો આપવા માંગે છે. જોકે, બીજી તરફ દુબઈ પ્રશાસન અને સ્થાનિક સત્તાવાળાઓએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને તેને માત્ર ભ્રામક પ્રચાર ગણાવ્યો છે, પરંતુ આ ઘટનાક્રમે વૈશ્વિક બજારમાં ચિંતા વધારી દીધી છે.
ઈઝરાયેલના શહેરોમાં મિસાઈલોનો વરસાદ: સાયરનથી ગુંજી ઉઠ્યા રસ્તાઓ
બીજી તરફ, ઈરાને ઈઝરાયેલ પર પણ સીધા સૈન્ય હુમલા તેજ કરી દીધા છે, જેના કારણે ઈઝરાયેલના અનેક શહેરોમાં યુદ્ધ જેવી ભયાનક સ્થિતિ સર્જાઈ છે. ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઈલોના વરસાદને કારણે તેલ અવીવ સહિતના મોટા શહેરોમાં સતત ભયસૂચક સાયરન વાગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દ્રશ્યોમાં ઈઝરાયેલની રહેણાંક ઈમારતો અને સૈન્ય મથકો પાસે થયેલી ભારે તબાહી જોઈ શકાય છે. જોકે ઈઝરાયેલની 'આયર્ન ડોમ' એર ડિફેન્સ સિસ્ટમ ઘણી મિસાઈલોને હવામાં જ તોડી પાડવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હુમલાની તીવ્રતા એટલી પ્રચંડ છે કે જમીન પર મોટા પાયે નુકસાન અટકાવવું મુશ્કેલ બની રહ્યું છે. આ હુમલાઓએ મધ્ય પૂર્વમાં તણાવને તેની ચરમસીમાએ પહોંચાડી દીધો છે.





