AWS attack: ઈરાની સૈન્ય હુમલામાં બહેરીનમાં એમેઝોન વેબ સર્વિસીસ (AWS)ના ક્લાઉડ કમ્પ્યુટિંગ ઓપરેશન્સને નુકસાન પહોંચ્યું છે. આ ઘટનાથી પરિચિત વ્યક્તિએ પણ આ વાતની પુષ્ટિ કરી છે, જોકે નુકસાનની વિગતો હજુ મર્યાદિત છે. બહેરીનના ગૃહ મંત્રાલયે એમેઝોનનું સીધું નામ લીધા વિના જણાવ્યું હતું કે નાગરિક સંરક્ષણ દળો "ઈરાની આક્રમણના પરિણામે કંપનીની સુવિધામાં લાગેલી આગને કાબૂમાં લાવી રહ્યા છે".
અહેવાલો અનુસાર, હુમલો બહેરીનની મુખ્ય ટેલિકોમ કંપની Batelcoના હમાલા (Hamala) હેડક્વાર્ટર પર થયો છે, જ્યાં AWSનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોસ્ટ થાય છે. આ હુમલો ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા મધ્ય પૂર્વમાં કાર્યરત અમેરિકી ટેક કંપનીઓને નિશાન બનાવવાની ધમકી આપ્યાના માત્ર એક દિવસ પછી આવ્યો છે.
અમેરિકી કંપનીઓને "લેજિટિમેટ ટાર્ગેટ" જાહેર કરી
IRGCએ એપલ, ગૂગલ, માઈક્રોસોફ્ટ, મેટા, ન્વિડિયા, ટેસ્લા સહિત અનેક અમેરિકી કંપનીઓને "લેજિટિમેટ ટાર્ગેટ" જાહેર કરી હતી અને તેમના કર્મચારીઓને તાત્કાલિક સ્થળ છોડવાની સૂચના આપી હતી. એમેઝોને હજુ સુધી આ તાજા હુમલા અંગે કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી. જોકે, આ પહેલી વાર નથી જ્યારે એમેઝોનની AWS સુવિધાઓને આ પ્રદેશમાં નુકસાન પહોંચ્યું હોય.
ડ્રોન પ્રવૃત્તિને કારણે સેવાઓમાં ખોરવાઈ
માર્ચ 2026ની શરૂઆતમાં ઈરાની ડ્રોન હુમલામાં UAEમાં AWSના બે ડેટા સેન્ટર અને બહેરીનમાં એક સુવિધાને અસર થઈ હતી. માર્ચના મધ્યમાં પણ AWS બહેરીન રીજનમાં ડ્રોન પ્રવૃત્તિને કારણે સેવાઓમાં ખોરવાઈ ગઈ હતી. તે સમયે એમેઝોને જણાવ્યું હતું કે તે સેવાઓને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહી છે અને ગ્રાહકોને વૈકલ્પિક AWS રીજનમાં સ્થળાંતર કરવામાં મદદ કરી રહી છે.
આ પણ વાંચો: હવે Fastag વગર હાઇવે પર જશો તો મુશ્કેલી : નવા નિયમો સમજો સરળ ભાષામાં
બહેરીન AWS રીજન મધ્ય પૂર્વમાં મહત્ત્વનું ક્લાઉડ હબ
આ ઘટનાઓથી મધ્ય પૂર્વમાં અમેરિકી ટેક કંપનીઓની ક્લાઉડ અને ડેટા સેન્ટર સુવિધાઓની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે. બહેરીન AWS રીજન મધ્ય પૂર્વમાં મહત્ત્વનું ક્લાઉડ હબ છે, જે બેંકિંગ, ઈ-કોમર્સ અને અન્ય ડિજિટલ સેવાઓ માટે વપરાય છે. હાલમાં આ હુમલાની અસર અંગે વધુ વિગતો ઉપલબ્ધ નથી, પરંતુ તે પ્રદેશની ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરના જોખમને વધુ ઉજાગર કરે છે.





