PBKS vs GT : IPL 2026 ની ચોથી મેચમાં આજે પંજાબ કિંગ્સ (PBKS) અને ગુજરાત ટાઇટન્સ (GT) સામસામે ટકરાશે. આ મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ ન્યૂ ચંદીગઢના મહારાજા યાદવેન્દ્ર સિંહ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થશે. ગુજરાત ટાઇટન્સ તેના પહેલી સિઝન એટલે કે, 2022 માં ચેમ્પિયન બની ગયું હતું, આ GT ની પાંચમી સિઝન છે, જ્યારે પંજાબ કિંગ્સ હજુ પણ તેના પ્રથમ ટાઇટલની શોધમાં છે. ગયા વર્ષે પંજાબની ટીમ ફાઇનલમાં પહોંચી હતી પણ ટાઇટલ જીતવામાં નિષ્ફળ રહી.
બંને ટીમના હેડ-ટુ-હેડ આંકડા
IPL ઇતિહાસમાં પંજાબ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધી કુલ 6 મેચ રમાઈ છે. રસપ્રદ વાત એ છે કે, બંને ટીમોએ 3-3 મેચ જીતીને સંતુલન જાળવી રાખ્યું છે. છેલ્લી સિઝનમાં પંજાબે ગુજરાતને 11 રને માત આપી હતી, જ્યારે ન્યૂ ચંદીગઢમાં રમાયેલી એકમાત્ર મેચમાં ગુજરાતનો 3 વિકેટે વિજય થયો હતો. આજે આ મેદાન પર બંને ટીમો બીજી વખત એકબીજા સામે ટકરાશે.
ટીમ ન્યૂઝ અને મોટા ફેરફાર
પંજાબ કિંગ્સ માટે લોકી ફર્ગ્યુસનની ગેરહાજરી ચિંતાનો વિષય છે, જે પેટર્નિટી લીવ પર હોવાથી શરૂઆતની મેચો ગુમાવશે. તેમની જગ્યાએ ઝેવિયર બાર્ટલેટ અથવા બેન ડ્વારશુઇસને તક મળી શકે છે. બેટિંગમાં પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહ ઓપનિંગ કરશે, જ્યારે મિડલ ઓર્ડરમાં શ્રેયસ ઐયર અને નેહલ વાઢેરા જવાબદારી સંભાળશે. જ્યારે ફિનિશિંગ શશાંક સિંહ, ઓલરાઉન્ડર સ્ટોઇનિસ અને માર્કો યાન્સેન કરશે.
ગુજરાત ટાઇટન્સની તાકાત અને નબળાઈ
ગુજરાત માટે શુભમન ગિલ અને સાઈ સુદર્શન ફરી એકવાર મુખ્ય હથિયાર સાબિત થશે. જોકે, જોશ બટલરનું ખરાબ ફોર્મ ટીમ માટે ચિંતાનો વિષય છે. બોલિંગમાં રાશિદ ખાન અને સાઈ કિશોર સ્પિન વિભાગ સંભાળશે, જ્યારે કાગિસો રબાડા અને મોહમ્મદ સિરાજ પેસ એટેકને મજબૂતી આપશે. વોશિંગ્ટન સુંદર અને રાહુલ તેવટિયા ફિનિશર તરીકે મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
ખેલાડીઓ માટે પર્સનલ કમબેકની તક
આ મેચ શ્રેયસ ઐયર અને શુભમન ગિલ માટે ખૂબ મહત્વની છે. ઐયર ભારતીય T20I ટીમમાં જગ્યા બનાવવા શાનદાર પરફોર્મન્સ કરી રહ્યો છે, જ્યારે ગિલને ખરાબ ફોર્મને કારણે T20 વર્લ્ડ કપ 2026 ની સ્ક્વાડમાંથી બહાર કરવામાં આવ્યો હતો. ઈશાન કિશને જે રીતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પરફોર્મન્સ કરીને ભારતીય ટીમમાં કમબેક કર્યું, તે જ રીતે આ બંને ખેલાડીઓએ પણ IPL 2026 માં શાનદાર પરફોર્મન્સ કરીને ભારતીય ટીમ ફરીથી પોતાની જગ્યા કમાવી પડશે.
આ પણ ખાસ વાંચો : IPL 2026 ના ટેલિકાસ્ટમાં બાંગ્લાદેશનો મોટો યુ-ટર્ન! : માત્ર બે દિવસમાં બદલાયો નિર્ણય!
પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી
મુલ્લાનપુરની પિચ બેટ્સમેન અને બોલરો બંને માટે પરફેક્ટ છે. શરૂઆતમાં ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે, પરંતુ પછીથી બેટિંગ સરળ બની શકે છે. અહીં રમાયેલી 11 મેચોમાં મોટે ભાગે ચેઝ કરનાર ટીમ જીતી છે. હવામાનની વાત કરીએ તો, મંગળવારે વરસાદની 25% શક્યતા છે, જે મેચમાં વિલંબ કરી શકે છે.





