Home National Indias Successful Test Of Iadt 02 Of Gaganyaan Mission Isro Creates New History

અવકાશમાં ભારતની મોટી છલાંગ : ગગનયાન મિશનનું IADT-02 સફળ પરીક્ષણ, ISROએ રચ્યો નવો ઇતિહાસ!

Gaganyaan Mission India ISRO IADT-02 Test Success
Published by: Nirali Gohil
Last Updated: Apr 10, 2026, 07:22 AM IST

Gaganyaan Mission Success: ભારતના મહત્વકાંક્ષી અને પ્રથમ માનવ અવકાશ મિશન 'ગગનયાન' તરફ ઈસરોએ વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ઈસરો (ISRO) એ ગગનયાન મિશન માટેનું બીજું ઇન્ટિગ્રેટેડ એર ડ્રોપ ટેસ્ટ (IADT-02) સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિશ્વને ભારતની તાકાતનો પરિચય કરાવ્યો છે. શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતે યોજાયેલું આ પરીક્ષણ અવકાશયાત્રીઓની સુરક્ષા અને પૃથ્વી પર તેમની સલામત વાપસી માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવે છે.

આ ભવ્ય સફળતા બદલ કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંઘે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ પરીક્ષણ ગગનયાન મિશનની અંતિમ તૈયારીઓમાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 24 ઓગસ્ટ 2025ના રોજ પ્રથમ ટેસ્ટ (IADT-01) સફળ રહ્યો હતો, અને હવે બીજા તબક્કાના સફળ પરીક્ષણથી ભારતના પ્રથમ માનવ અવકાશ મિશનનો માર્ગ વધુ મોકળો બન્યો છે.

પેરાશૂટ સિસ્ટમનું શક્તિ પ્રદર્શન: સુરક્ષિત લેન્ડિંગની ખાતરી

ગગનયાન મિશનમાં સૌથી મોટો પડકાર અવકાશયાત્રીઓને પૃથ્વી પર પાછા લાવતી વખતે ક્રૂ મોડ્યુલની ગતિને નિયંત્રિત કરવાનો છે. IADT-02 પરીક્ષણમાં આ પેરાશૂટ આધારિત 'ડિસેલેરેશન સિસ્ટમ'ની કાર્યક્ષમતા ચકાસવામાં આવી હતી. આ સિસ્ટમમાં વિવિધ પ્રકારના પેરાશૂટ જેવા કે એપેક્સ કવર, ડ્રોગ, પાઇલટ અને મુખ્ય પેરાશૂટનો સમાવેશ થાય છે. આ પેરાશૂટ એક ચોક્કસ ક્રમમાં ખુલે છે, જેથી અંતરિક્ષમાંથી પાછા ફરતા મોડ્યુલની ગતિ ધીમી પડી જાય અને તે સમુદ્રમાં સુરક્ષિત રીતે લેન્ડ થઈ શકે.

આ પણ વાંચો: હાઈકોર્ટનો મહત્ત્વનો આદેશ : ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર ઉમેદવારની હાજરીમાં થશે EVMની તપાસ

ચિનૂક હેલિકોપ્ટર અને નેવીનું સંયુક્ત ઓપરેશન

પરીક્ષણ દરમિયાન અંદાજે 4.8 ટન વજન ધરાવતા ક્રૂ મોડ્યુલને ભારતીય વાયુસેનાના શક્તિશાળી ચિનૂક હેલિકોપ્ટર દ્વારા આશરે 3 કિલોમીટરની ઊંચાઈ પરથી છોડવામાં આવ્યું હતું. સિસ્ટમની મજબૂતી એવી હતી કે મોડ્યુલની ઉતરવાની ગતિને માત્ર 8 મીટર પ્રતિ સેકન્ડ સુધી નિયંત્રિત કરવામાં સફળતા મળી હતી. મોડ્યુલ પાણીમાં ઉતર્યા બાદ ભારતીય નૌસેના (Indian Navy) દ્વારા તેને સુરક્ષિત રીતે રિકવર કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણમાં આપાતકાલીન પરિસ્થિતિ (Abort Scenario) માં સિસ્ટમ કેવી રીતે આપમેળે કાર્ય કરે છે તેની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.

શું છે ગગનયાન મિશનની યોજના?

ગગનયાન મિશન હેઠળ ભારત ત્રણ સભ્યોની ટીમને પૃથ્વીથી અંદાજે 400 કિમી ઉપરની કક્ષામાં ત્રણ દિવસ માટે મોકલવાની યોજના ધરાવે છે. આ મિશન માટે ખાસ તૈયાર કરાયેલા માનવ-સુસંગત LVM3 રૉકેટનો ઉપયોગ કરવામાં આવશે. આ પ્રોજેક્ટની સફળતા માટે ISRO ની સાથે DRDO, ઇન્ડિયન એર ફોર્સ, નેવી અને કોસ્ટ ગાર્ડ જેવી દેશની પ્રતિષ્ઠિત સંસ્થાઓ ખભેખભા મિલાવીને કામ કરી રહી છે. આગામી દિવસોમાં વધુ જટિલ પરીક્ષણો હાથ ધરીને મિશનની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now