EVM Diagnostic Check Order: ભારતીય ચૂંટણીના ઈતિહાસમાં અત્યાર સુધી ક્યારેય ન બની હોય તેવી ઘટના હવે આકાર લેવા જઈ રહી છે. મુંબઈ હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા આદેશ કર્યો છે કે, ચૂંટણીમાં પરાજિત થયેલા ઉમેદવારની પ્રત્યક્ષ હાજરીમાં ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ની ટેકનિકલ તપાસ કરવામાં આવશે. મુંબઈની ચાંદીવલી વિધાનસભા બેઠક પરના વિવાદને પગલે જસ્ટિસ સોમશેખર સુંદરેસનની ખંડપીઠે આ મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. ભારતમાં જ્યારે પણ EVM પર સવાલો ઉઠ્યા છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા તેને સુરક્ષિત ગણાવવામાં આવ્યું છે, પરંતુ આ પ્રથમવાર બનશે કે જ્યારે કોર્ટના આદેશથી હારેલા ઉમેદવાર મશીનની તપાસ પ્રક્રિયાનો હિસ્સો બનશે.
ચાંદીવલી બેઠકનો વિવાદ: આરિફ નસીમ ખાને આપી છે લડત
આ સમગ્ર મામલો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024 સાથે જોડાયેલો છે. મુંબઈની ચાંદીવલી બેઠક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી આરિફ નસીમ ખાનનો શિવસેનાના ઉમેદવાર દિલીપ લાંડે સામે પરાજય થયો હતો. આ બેઠક પર દિલીપ લાંડેને 1,24,641 મતો મળ્યા હતા, જ્યારે નસીમ ખાનને 1,04,016 મતો મળ્યા હતા. પરિણામો બાદ નસીમ ખાને EVM માં છેડછાડની આશંકા વ્યક્ત કરી મુંબઈ હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, જેની સુનાવણી દરમિયાન આ ઐતિહાસિક આદેશ આવ્યો છે.
16 અને 17 એપ્રિલે એન્જિનિયરો કરશે 'ડાયગ્નોસ્ટિક ચેક'
હાઈકોર્ટના આદેશ મુજબ, આગામી 16 અને 17 એપ્રિલ 2026 ના રોજ 'ડાયગ્નોસ્ટિક ચેક' પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મુંબઈ ઉપનગર જિલ્લાના ડેપ્યુટી રિટર્નિંગ ઓફિસર અર્ચના કદમના જણાવ્યા અનુસાર, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ (BEL) ના નિષ્ણાત એન્જિનિયરો નસીમ ખાનની હાજરીમાં આ તપાસ કરશે. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું છે કે જ્યારે પણ આવી તપાસનો આદેશ આપવામાં આવે ત્યારે ચૂંટણી પંચે બે મહિનાની સમયમર્યાદામાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
આ પણ વાંચો: સુરત AAP પાર્ટીમાં ભારે ભડકો : એક પાર્ટીમાંથી ટિકિટ લઈ બીજીમાં જોડાયા કાર્યકર્તા
સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાનો આધાર
આરિફ નસીમ ખાને પોતાની અરજીમાં એપ્રિલ 2024 માં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા એક ચુકાદાનો હવાલો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, જો કોઈ ઉમેદવારને શંકા હોય તો તે મતવિસ્તારના ઓછામાં ઓછા 5% EVM મશીનો (કંટ્રોલ યુનિટ, VVPAT અને બેલેટ યુનિટ) ના માઇક્રોકન્ટ્રોલરની તપાસ કરાવી શકે છે. આ આદેશ હેઠળ હવે ચાંદીવલી બેઠકના અંદાજે 20 જેટલા EVM મશીનોની ટેકનિકલ ચકાસણી કરવામાં આવશે.
નવી પરંપરાની શરૂઆત: વિપક્ષના આક્ષેપો અને લોકશાહીનો વિશ્વાસ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનના પ્રચંડ વિજય બાદ વિપક્ષી ગઠબંધન 'મહાવિકાસ આઘાડી' દ્વારા સતત EVM સાથે છેડછાડના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ હાઈકોર્ટનો આદેશ માત્ર એક બેઠક પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે ભવિષ્યની ચૂંટણીઓ માટે એક ઉદાહરણ પૂરું પાડશે. જો આ તપાસમાં કોઈ ટેકનિકલ ક્ષતિ સામે આવશે, તો તે ભારતીય ચૂંટણી પ્રક્રિયામાં મોટા ફેરફારનું કારણ બની શકે છે. હાલ તો તમામની નજર 16 એપ્રિલે થનારી આ તપાસ પર ટકેલી છે.






