Shanghai Airport Case: અરુણાચલ પ્રદેશની એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે ચીનના અધિકારીઓએ તેના ભારતીય પાસપોર્ટને માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. તેણી એમ પણ કહે છે કે ઇમિગ્રેશન અધિકારીઓએ તો એવું પણ સૂચવ્યું હતું કે અરુણાચલ પ્રદેશ ચીનનો ભાગ છે. તેણીનો દાવો છે કે શાંઘાઈ એરપોર્ટ પર ચીની ઇમિગ્રેશન અધિકારીઓએ તેની સાથે દુર્વ્યવહાર કર્યો, અટકાયતમાં રાખી અને કલાકો સુધી ત્રાસ ગુજાર્યો. ભારતીય મૂળની આ મહિલા બ્રિટનમાં રહે છે.
જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ લખાયેલું હતું
આ મહિલાનું નામ પ્રેમા વાંગજોમ થોંકડોક છે. તે 21 નવેમ્બરના રોજ લંડનથી જાપાન જઈ રહી હતી. આ યાત્રા દરમિયાન, શાંઘાઈ પુડોંગ એરપોર્ટ પર તેનો ટ્રાન્ઝિટ સ્ટોપ થયો હતો. મહિલાનો આરોપ છે કે ઇમિગ્રેશન કાઉન્ટરના અધિકારીઓએ તેનો પાસપોર્ટ અમાન્ય જાહેર કર્યો હતો. આમ કરવાનું કારણ એ હતું કે પાસપોર્ટ પર મહિલાનું જન્મસ્થળ અરુણાચલ પ્રદેશ લખાયેલું હતું. અધિકારીઓએ તેને કહ્યું કે અરુણાચલ પ્રદેશ ચીનનો એક ભાગ છે.
અધિકારીએ ભારત-ભારત બૂમો પાડવાનું શરૂ કર્યુ
મહિલાએ કહ્યું કે ઇમિગ્રેશન પછી, મેં મારો પાસપોર્ટ સબમિટ કર્યો અને સુરક્ષાની રાહ જોવા લાગી. મીડિયા અહેવાલ મુજબ, આ દરમિયાન એક અધિકારી આવ્યો અને મારું નામ લઈને ભારત-ભારત બૂમો પાડવા લાગ્યો. તે મારી તરફ પણ ઈશારો કરી રહ્યો હતો. મહિલાના જણાવ્યા મુજબ, જ્યારે મેં આ વિશે પૂછ્યું, ત્યારે તે મને ઇમિગ્રેશન ડેસ્ક પર લઈ ગયો અને કહ્યું કે અરુણાચલ, પાસપોર્ટ માન્ય નથી. આના પર, જ્યારે મહિલાએ પૂછ્યું કે તેનો ભારતીય પાસપોર્ટ માન્ય કેમ નથી, ત્યારે અધિકારીએ કહ્યું કે અરુણાચલ ચીનનો એક ભાગ છે.
ચીની પાસપોર્ટની આપી સલાહ
પ્રેમાએ પછી યાદ કર્યું કે તે ગયા વર્ષે શાંઘાઈ ગઈ હતી, ત્યારે આવું કંઈ બન્યું ન હતું. તે એમ પણ કહે છે કે ઘણા અન્ય ઇમિગ્રેશન અધિકારીઓ અને ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સના સ્ટાફે તેની મજાક ઉડાવી હતી. તેમણે તેને ચાઇનીઝ પાસપોર્ટ માટે અરજી કરવાની સલાહ પણ આપી હતી . પ્રેમાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેનો પાસપોર્ટ પાછળથી જપ્ત કરવામાં આવ્યો હતો. પરિણામે, માન્ય વિઝા હોવા છતાં તે જાપાનની ફ્લાઇટમાં ચઢી શકી ન હતી.
PM મોદીને લખી ચિઠ્ઠી
આ ઘટના બાદ, તે એક બ્રિટિશ મિત્રની મદદથી શાંઘાઈ સ્થિત ભારતીય કોન્સ્યુલેટ પહોંચવામાં સફળ રહી. ત્યાંના ભારતીય અધિકારીઓએ તેમને મદદ કરી. પ્રેમાએ હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય અધિકારીઓને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે આ ઘટના ભારતીય સાર્વભૌમત્વ અને અરુણાચલ પ્રદેશના નાગરિકોનું અપમાન છે. તેમણે ભારત સરકારને આ મામલો બેઇજિંગના અધિકારીઓ સમક્ષ ઉઠાવવા વિનંતી કરી.




















