હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે ભારતીય માલવાહક જહાજ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદર સાથે જોડાયેલું ભારતીય કાર્ગો જહાજ ‘હાજી અલી’ (MSV HAJI ALI BDI 1492) ઓમાનના દરિયાઈ વિસ્તારમાં કથિત ડ્રોન અથવા મિસાઈલ હુમલાનો ભોગ બન્યું હોવાનું સામે આવ્યું છે. હુમલા બાદ જહાજમાં ભયાનક આગ લાગી હતી અને આખરે જહાજ દરિયામાં ડૂબી ગયું હતું. જોકે જહાજમાં સવાર તમામ 14 ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.
આ ઘટના એવા સમયે બની છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટ અને આસપાસના વિસ્તારોમાં ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ વધી રહ્યો છે. હુમલો કોણે કર્યો તેની હજી સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ઘટનાને લઈને ઓમાન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
વહેલી સવારે થયો વિસ્ફોટ
માહિતી મુજબ, ‘હાજી અલી’ જહાજ 5 મેના રોજ સોમાલિયાના બરબરા બંદરેથી લાઈવ સ્ટોક ભરી દુબઈ અને શારજાહ તરફ જવા માટે નીકળ્યું હતું. 13 મેના રોજ વહેલી સવારે અંદાજે 3:30 વાગ્યે જહાજ ઓમાનના લિમાહ નજીકથી પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક એક ડ્રોન અથવા મિસાઈલ જેવી વસ્તુ જહાજ સાથે અથડાઈ હતી.
વિસ્ફોટ એટલો ભયાનક હતો કે જહાજમાં તરત જ વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ બાદ થોડા જ સમયમાં જહાજ દરિયામાં ડૂબવા લાગ્યું હતું. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
14 ભારતીય ખલાસીઓનો ચમત્કારિક બચાવ
જહાજમાં સવાર કુલ 14 સભ્યોમાં એક ટંડેલ અને 13 ખલાસીઓનો સમાવેશ થતો હતો. જહાજ ડૂબતું જોઈ તમામ ખલાસીઓએ સમયસૂચકતા દાખવી લાઈફબોટનો સહારો લીધો હતો. બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા હતા.
બચાવાયેલા તમામ ભારતીય ખલાસીઓને ઓમાનના દિબા બંદર પર પહોંચાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ‘હાજી અલી’ જહાજના માલિક સુલતાન અહેમદ સંઘારે પણ તમામ ખલાસીઓ સુરક્ષિત હોવાની પુષ્ટિ કરી છે.
સુલતાન સંઘારે જણાવ્યું હતું કે, “અમારું વહાણ 5 તારીખે સોમાલિયાના બરબરાથી લાઈવ સ્ટોક ભરીને દુબઈ-શારજાહ તરફ નીકળ્યું હતું. ઓમાનના દરિયામાં ઈરાન-અમેરિકાના ક્રોસ ફાયરિંગ દરમિયાન કંઈક ઉપર પડતા આગ લાગી હતી. અમારા તમામ 14 લોકો લાઈફબોટમાં ઉતરી ગયા હતા અને બાદમાં ઓમાન કોસ્ટગાર્ડે તેમને બચાવી દિબા પોર્ટ પર પહોંચાડ્યા હતા.”
LPG સિલિન્ડરના ભાવ વધારાની ચિંતા વચ્ચે આવ્યાં રાહતનાં સમાચાર: જાણો ગુજરાતનાં મુખ્ય શહેરોમાં શું છે LPG સિલિન્ડરનાં ભાવ
એક અઠવાડિયામાં બીજી ઘટના
આંતરરાષ્ટ્રીય જળસીમામાં ગુજરાતના જહાજ સાથે બનેલી આ બીજી મોટી ઘટના છે. થોડા દિવસ પહેલા જ ગુજરાત સાથે જોડાયેલું ‘અલ ફૈજ નૂર સુલેમાની-1’ નામનું જહાજ પણ હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવ દરમિયાન હુમલાનો ભોગ બન્યું હતું અને દરિયામાં ડૂબી ગયું હતું.
આ સતત ઘટનાઓને કારણે ગુજરાતના પરંપરાગત શિપિંગ ઉદ્યોગમાં ચિંતા વધી રહી છે. ખાસ કરીને સલાયા જેવા બંદરો સાથે જોડાયેલા વેપારીઓ અને ખલાસી પરિવારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભારત સરકારે હુમલાની નિંદા કરી
ભારતના વિદેશ મંત્રાલયે આ ઘટનાને લઈને કડક પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઓમાનના કાંઠા નજીક ભારતીય ધ્વજ ધરાવતા જહાજ પર થયેલો હુમલો અસ્વીકાર્ય છે અને વેપારી જહાજો તથા નિર્દોષ ખલાસીઓને નિશાન બનાવવાની ઘટનાઓની ભારત કડક નિંદા કરે છે.
ભારતે ઓમાની સત્તાવાળાઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે ભારતીય ક્રૂ સુરક્ષિત છે અને તેમની સલામતી માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે. સાથે જ ભારતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે વેપારી જહાજો પર હુમલા અને આંતરરાષ્ટ્રીય નૌકાવહન વ્યવસ્થામાં અવરોધ ઉભો કરવો સ્વીકાર્ય નથી.
પ્રતિકની અંતિમવિધિ પહેલાં વિચિત્ર ઘટના: નાનાભાઈની પત્ની અપર્ણા સાથે અખિલેશે બંધરૂમમાં એકાંતમાં કેમ કરી મુલાકાત?
હવે તપાસ પર સૌની નજર
હાલ સમગ્ર મામલે ઓમાન પોલીસ અને સંબંધિત દરિયાઈ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ ચાલી રહી છે. હુમલો ડ્રોનથી થયો હતો કે મિસાઈલથી, તેમજ તેની પાછળ કોણ જવાબદાર છે તે અંગે સત્તાવાર માહિતીની રાહ જોવામાં આવી રહી છે.
બીજી તરફ ભારત સરકાર હવે તમામ ભારતીય ખલાસીઓને વહેલી તકે સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે રાજદ્વારી સ્તરે પ્રયાસ કરી રહી છે.





