ભારતીય સંસદની સુરક્ષામાં મોટી ચુક જોવા મળી છે. એક અજાણ્યો વ્યક્તિ દીવાલ કૂદીને સંસદ ભવનમાં પ્રવેશ્યો અને ગરુડ ગેટ સુધી પહોંચ્યો હતો. આ ઘટના સવારે લગભગ 6:30 વાગ્યે બની હતી અને તે રેલ ભવન બાજુથી ઝાડ પર ચઢીને દિવાલ પર ચઢી ગયો હતો. સુરક્ષા કર્મચારીઓએ તાત્કાલિક તે વ્યક્તિને પકડી લીધો હતો અને હવે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે કે, તે સંસદ ભવનમાં કેમ પ્રવેશ્યો હતો? આરોપીની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આતંકવાદી હુમલો વર્ષ 2001માં થયો હતો
આપને જણાવીએ કે, ભારતીય સંસદ પર 13 ડિસેમ્બર 2001ના રોજ હુમલો થયો હતો, જૈશ-એ-મોહમ્મદના 5 આતંકવાદીઓ સંસદમાં ઘૂસી ગયા હતા અને હુમલો કર્યો. તેઓએ સંસદમાં પ્રવેશવા માટે ગૃહ મંત્રાલયની નકલી કારનો ઉપયોગ કર્યો હતો. પાંચેય આતંકવાદીઓ પાસે હથિયારો પણ હતા. આતંકવાદી હુમલામાં 9 લોકોએ જીવ ગુમાવ્યા હતાં..
ઓળખપત્ર તપાસ્યા પછી જ પ્રવેશ આપવામાં આવે છે
દિલ્હી પોલીસ અને સેનાએ પણ પાંચેય આતંકવાદીઓને મારી નાખ્યા. જે હુમલામાં માર્યા ગયેલા 9 ભારતીયોમાં 5 દિલ્હી પોલીસ કર્મચારીઓ, એક CRPF જવાન, 2 સંસદ સુરક્ષા રક્ષકો અને એક માળીનો સમાવેશ થાય છે. આ હુમલા પછી સંસદ ભવનની સુરક્ષામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે, સંસદ ભવનમાં આવતા લોકોને તેમના ઓળખપત્ર તપાસ્યા પછી જ પ્રવેશ આપવામાં આવે છે.