Kiren Rijiju Statement: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતા વચ્ચે દેશમાં લોકડાઉન લાગવાની ચાલી રહેલી અફવાઓ પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ સંસદની બહાર નિવેદન આપતા જણાવ્યું હતું કે, દેશમાં લોકડાઉન લાગુ કરવાની કોઈ શક્યતા નથી અને હાલની પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સમગ્ર સ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી રહ્યા છે. જોકે, પીએમ મોદીએ અગાઉ સંસદમાં દેશવાસીઓને સાવચેત કરતા કહ્યું હતું કે, આવનારો સમય દેશ માટે મોટી પરીક્ષા સમાન સાબિત થઈ શકે છે, જેનો સામનો કરવા માટે કેન્દ્ર અને રાજ્યોએ 'ટીમ ઈન્ડિયા'ની જેમ સાથે મળીને કામ કરવું પડશે.
"પરિસ્થિતિ નિયંત્રણમાં, ગભરાવાની જરૂર નથી": કિરેન રિજિજુ
કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે લોકડાઉન અંગેની તમામ વાતો પાયાવિહોણી છે. સરકાર દરેક સ્તરે સજ્જ છે અને નાગરિકોએ ગભરાવાની જરૂર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત વિભાગો સાથે સંપર્કમાં છે અને દેશની સુરક્ષા તથા પુરવઠા સાંકળને જાળવી રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
PM મોદી આજે મુખ્યમંત્રીઓ સાથે કરશે સંવાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે, 27 માર્ચે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મહત્વની બેઠક યોજશે. આ બેઠકમાં ઈરાન યુદ્ધના કારણે ઉભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિ અને ભારત પર તેની સંભવિત અસરો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, જે રાજ્યોમાં હાલમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે તે રાજ્યોના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં સામેલ થશે નહીં. પીએમ મોદીએ અગાઉ પણ કહ્યું હતું કે યુદ્ધ લાંબુ ચાલશે તો તેના ગંભીર પરિણામો આવી શકે છે અને આપણે કોરોનાકાળ જેવી એકતા બતાવવી પડશે. આવનાર સમયમાં સંકટ આપણાં દેશની મોટી પરીક્ષા લેવાનો છે. આમાં સફળતા માટે રાજ્યોનો સહયોગ જરૂરી છે.
આ પણ વાંચો: શું દેશમાં કોરોના જેવી સ્થિતિ સર્જાશે? : PM મોદી આજે તમામ મુખ્યમંત્રીઓ સાથે કરશે ઇમરજન્સી બેઠક
ભારત પાસે 60 દિવસનો ઈંધણ સ્ટોક: સરકારની સ્પષ્ટતા
દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત વર્તાઈ રહી હોવાના અહેવાલોને સરકારે સખત શબ્દોમાં નકારી દીધા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, દુનિયામાં ગમે તેટલી કટોકટી સર્જાય, ભારત પાસે આગામી 60 દિવસ સુધી ચાલે તેટલો પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા અછતના સમાચારો માત્ર પ્રચાર છે, જેનો હેતુ બજારમાં 'ગભરાટભરી ખરીદી' (Panic Buying) શરૂ કરાવવાનો છે.
અફવા ફેલાવનારાઓ સામે થશે કડક કાર્યવાહી
સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જે લોકો ઈંધણ કે અન્ય આવશ્યક ચીજવસ્તુઓની અછત અંગે ખોટી અફવાઓ ફેલાવશે, તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયાના ખોટા મેસેજથી દોરવાય નહીં અને બજારમાં બિનજરૂરી ખરીદી કરવાનું ટાળે. ભારત સરકાર વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે પણ દેશની આંતરિક જરૂરિયાતો પૂરી કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે.





