PM Modi CM Meeting: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ભારત પર દેખાવા લાગી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 27 માર્ચે દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મહત્વની બેઠક કરશે. આ બેઠકનો મુખ્ય એજન્ડા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ બાદ ઉભી થયેલી આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને ભારત પર તેની આર્થિક તથા સુરક્ષા અસરો અંગેનો છે. પીએમ મોદીએ અગાઉ જ સંસદમાં ચેતવણી આપી હતી કે જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આગામી સમય કોરોનાકાળ જેવી કપરી પરીક્ષા લઈ શકે છે, જેના માટે કેન્દ્ર અને રાજ્યોએ 'ટીમ ઈન્ડિયા' બનીને સાથે કામ કરવું પડશે.
સંસદમાં PM મોદીની ગંભીર ચેતવણી: "આવનારો સમય મોટી પરીક્ષા લેશે"
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ રાજ્યસભામાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ અટકશે નહીં, તો તેના ગંભીર પરિણામો આખી દુનિયાએ ભોગવવા પડશે. પીએમએ આ પરિસ્થિતિની તુલના કોરોના મહામારી સાથે કરતા જણાવ્યું કે, જે રીતે કોરોના સમયે દેશે એકજૂથ થઈને લડત આપી હતી, તેવી જ રીતે આ સંકટમાં પણ રાજ્યોનો સહયોગ અનિવાર્ય છે. ખાસ કરીને તેલ અને ગેસના પુરવઠામાં આવનારા અવરોધો દેશના અર્થતંત્ર માટે પડકારરૂપ બની શકે છે.
આ પણ વાંચો: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ભારતનો ‘પ્લાન-B’ તૈયાર : PM મોદીએ બનાવ્યા 7 એમ્પાવર્ડ ગ્રુપ
ભારત પાસે 60 દિવસનો સ્ટોક: અછતની અફવાઓ પર સરકારનો ખુલાસો
દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી હોવાના સોશિયલ મીડિયા પર વહેતા થયેલા અહેવાલોને સરકારે સખત શબ્દોમાં નકારી દીધા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ભારત પાસે હાલમાં 60 દિવસનો તેલ અને ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સરકારે નાગરિકોને 'પેનિક બાયિંગ' (ગભરાટમાં આવીને ખરીદી) ન કરવા અપીલ કરી છે અને અફવા ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. પીએમ મોદીએ લોકસભામાં પણ જણાવ્યું હતું કે ભારત હાલમાં 41 દેશોમાંથી તેલ અને ગેસની આયાત કરીને પુરવઠો જાળવી રાખવા પ્રયત્નશીલ છે.
LPG સિલિન્ડર માટે નવા નિયમો: બુકિંગમાં 'લોક-ઇન પિરિયડ' લાગુ
યુદ્ધના કારણે ગેસના પુરવઠા પર અસર પડતા સરકારે LPGના વપરાશ પર નિયંત્રણો મૂકવાનું શરૂ કર્યું છે.
બુકિંગમાં અંતર: હવે ઘરેલુ સિલિન્ડર મળ્યાના 21 થી 25 દિવસ પછી જ નવું બુકિંગ કરી શકાશે. ગ્રામીણ વિસ્તારોમાં આ સમયગાળો વધારીને 45 દિવસ કરવામાં આવ્યો છે.
PNG યુઝર્સ માટે પ્રતિબંધ: જે ઘરોમાં પાઈપલાઈન દ્વારા ગેસ (PNG) આવે છે, તેઓ હવે LPG સિલિન્ડર રાખી શકશે નહીં. સરકારે આવા જોડાણો ધરાવતા લોકોને સિલિન્ડર સરેન્ડર કરવા આદેશ આપ્યો છે.
હોર્મુઝની સામુદ્રધુનીમાં સર્જાયું જોખમ: ભારત માટે કેમ ચિંતાજનક?
ઈરાન યુદ્ધના 27મા દિવસે સૌથી મોટો ખતરો 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' (Strait of Hormuz) પર મંડરાઈ રહ્યો છે. દુનિયાના કુલ પેટ્રોલિયમનો 20% હિસ્સો આ જ માર્ગેથી પસાર થાય છે. ભારત તેની જરૂરિયાતનું 50% ક્રૂડ ઓઈલ અને 54% LNG આ રસ્તેથી મંગાવે છે. યુદ્ધને કારણે આ દરિયાઈ માર્ગ હવે સુરક્ષિત રહ્યો નથી, જેના કારણે ટેન્કરોની અવરજવર ખોરવાઈ છે અને વીમાના દરોમાં ઉછાળો આવ્યો છે.
જયશંકરનો પાકિસ્તાન પર પ્રહાર: "અમે મધ્યસ્થી કરનારા દલાલ નથી"
સર્વપક્ષીય બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે વિપક્ષના સવાલોનો જડબાતોડ જવાબ આપ્યો હતો. જ્યારે કોંગ્રેસ નેતાએ પાકિસ્તાનની મધ્યસ્થી ભૂમિકાનો ઉલ્લેખ કર્યો, ત્યારે જયશંકરે આક્રમક રીતે કહ્યું કે ભારત પાકિસ્તાન જેવો 'દલાલ દેશ' નથી કે જે કોઈના માટે મધ્યસ્થી કરે. ભારતની પોતાની વિદેશ નીતિ સ્પષ્ટ છે અને તે પોતાના હિતોની રક્ષા કરવા સક્ષમ છે.





