PM Narendra Modi Rajya Sabha Speech: પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વચ્ચે, ભારત સરકારે દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય જનતાને તેની માઠી અસરોથી બચાવવા માટે 'મિશન મોડ'માં કામ શરૂ કરી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાજ્યસભામાં જાહેરાત કરી હતી કે સરકારે ઈંધણ, ખાતર અને જરૂરી ચીજવસ્તુઓની સપ્લાય ચેઈન સુનિશ્ચિત કરવા માટે 7 એમ્પાવર્ડ ગ્રુપ (સશક્ત જૂથો) ની રચના કરી છે.
ભારતની મુખ્ય ચિંતાઓ
વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે છેલ્લા ત્રણેક અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધે વૈશ્વિક સ્તરે ઊર્જા સંકટ ઊભું કર્યું છે. ભારત માટે માત્ર ક્રૂડ ઓઈલના ભાવ જ નહીં, પરંતુ હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) બંધ થવાની શક્યતા પણ મોટી ચિંતાનો વિષય છે. ભારત તેની જરૂરિયાતનો મોટો હિસ્સો આ દરિયાઈ માર્ગે આયાત કરે છે. ખાડી દેશોમાં વસતા આશરે 1 કરોડ ભારતીયોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયેલા ભારતીય ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલુ છે.
સરકારના 5 મોટા પગલાં
સંકટની ગંભીરતાને જોતા પીએમ મોદીએ રાજ્યસભામાં સરકારનો રોડમેપ રજૂ કર્યો હતો..
1. 7 એમ્પાવર્ડ ગ્રુપ: COVID-19 મહામારી દરમિયાન બનેલી સમિતિઓની જેમ જ આ ગ્રુપ પેટ્રોલિયમ, નેચરલ ગેસ, સપ્લાય ચેઈન અને મોંઘવારી જેવા મહત્વના ક્ષેત્રો પર તાત્કાલિક નિર્ણયો લેશે.
2. વૈકલ્પિક સ્ત્રોતો: ભારત હવે માત્ર પરંપરાગત સ્ત્રોતો પર નિર્ભર રહેવાને બદલે ક્રૂડ ઓઈલ અને ગેસ માટે વૈશ્વિક સ્તરે તમામ ઉપલબ્ધ વિકલ્પો શોધી રહ્યું છે.
3. ખેડૂતોની સુરક્ષા: આગામી વાવેતરની સીઝન (ખરીફ) ને ધ્યાનમાં રાખીને ખાતરનો પૂરતો સ્ટોક સુનિશ્ચિત કરવામાં આવ્યો છે. પીએમએ ખેડૂતોને ખાતરી આપી છે કે વૈશ્વિક સંકટનો બોજ તેમના પર પડવા દેવામાં આવશે નહીં.
4. સંગ્રહખોરી પર અંકુશ: યુદ્ધના બહાને ચીજવસ્તુઓની કાળાબજારી કે સંગ્રહખોરી કરનારાઓ પર કડક નજર રાખવા વડાપ્રધાને રાજ્ય સરકારોને કડક સૂચના આપી છે.
5. વ્યૂહાત્મક તેલ ભંડાર (Strategic Oil Reserve): ભારતે પોતાના વ્યૂહાત્મક તેલ ભંડારને 5.3 મિલિયન મેટ્રિક ટનથી વધારીને 6.5 મિલિયન મેટ્રિક ટન કરવાનું કામ તેજ કરી દીધું છે.
‘સંયમ અને સતર્કતાનો સમય’
વડાપ્રધાને દેશને સાવધ કરતા કહ્યું કે આ સંકટ "અસાધારણ" છે અને લાંબુ ખેંચાઈ શકે છે. તેમણે વિપક્ષ અને દેશવાસીઓને એકજૂથ રહેવા અપીલ કરી હતી. ભારત અત્યારે રાજદ્વારી માર્ગો દ્વારા તણાવ ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને અમેરિકા, ઈરાન તથા અન્ય પ્રાદેશિક દેશોના સંપર્કમાં છે.





