ભારત અને ચીન વચ્ચે લીપુલેખના રસ્તાનો વેપાર ફરીથી શરૂ કરવાની સહમતી બન્યાના એક દિવસ પછી, નેપાળે બુધવારે કહ્યું કે આ વિસ્તાર તેનો અભિન્ન ભાગ છે અને આ તેના આધિકારિક નકશામાં સામેલ છે.
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે આ દાવાઓ 'અયોગ્ય છે અને ઐતિહાસિક તથ્યો પર આધારિત નથી.'
નેપાળના વિદેશ મંત્રાલયે કહ્યું, "નેપાળ સરકાર સ્પષ્ટ કરવા ઈચ્છે છે કે મહાકાળી નદીના પૂર્વમાં આવેલું લિમ્પિયાધુરા, લિપુલેખ અને કાલાપાની નેપાળના અભિન્ન વિસ્તાર છે. આને નેપાળના નક્શામાં આધિકારિક રૂપે સામેલ કરવામાં આવ્યા છે અને આ વાત સંવિધાનમાં પણ નોંધાયેલી છે."
ભારત હંમેશાથી કહેતું આવ્યું છે કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા તેમના વિસ્તારમાં આવે છે. પરંતુ નેપાળમાં આ એક ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. વર્ષ 2020માં આ મુદ્દા પર નેપાળમાં હિંસક પ્રદર્શન થયા હતા.
મંગળવારે નવી દિલ્હીમાં ભારત અને ચીન વચ્ચે થયેલી વ્યાપક વાતચીત બાદ જારી સંયુક્ત દસ્તાવેજમાં લિપુલેખના રસ્તે વેપાર પર સહમતી નોંધવામાં આવી હતી.