Kajal Maheriya Alpesh Thakor Controversy: ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે, પરંતુ આ વખતે કારણ તેમના ગીતો કે સ્ટેજ કાર્યક્રમો નહીં, પરંતુ કોર્ટમાં તેમના નામે દાખલ કરાયેલી એક રહસ્યમય અરજી છે. થોડા મહિનાઓ પહેલાં આંતરજ્ઞાતિ પ્રેમલગ્નને લઈને વિવાદમાં રહેલી કાજલ મહેરિયાના નામે હવે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ થઈ હોવાનું સામે આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, આ અરજી ન તો કાજલ મહેરિયાએ કરી હતી અને ન તો તેમના પતિ અલ્પેશ ઠાકોરે. સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહેસાણાની ફેમિલી કોર્ટ તરફથી કાજલ મહેરિયા અને તેમના પતિને નોટિસ મોકલવામાં આવી. નોટિસ મળતાં બંને આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે તેઓએ કોઈપણ પ્રકારની છૂટાછેડાની અરજી કરી નહોતી.
કોર્ટમાં કોણે કરી અરજી?
મહેસાણાની ફેમિલી કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના ફોટોગ્રાફ પણ જોડવામાં આવ્યા હતા. અરજીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે ગંભીર મતભેદ છે અને સાથે રહેવું શક્ય નથી. અરજીમાં લગ્નજીવન નિષ્ફળ ગયું હોવાનું દર્શાવી કોર્ટ પાસે છૂટાછેડાની માંગ કરવામાં આવી હતી. જોકે કોર્ટની નોટિસ મળ્યા બાદ જ કાજલ અને અલ્પેશને સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. બંનેએ સ્પષ્ટ કર્યું કે તેમણે આવી કોઈ અરજી કરી નથી. ત્યારબાદ કોર્ટ સમક્ષ રજૂ થયેલા તથ્યોએ સમગ્ર કેસને વધુ રહસ્યમય બનાવી દીધો હતો.
અરજીમાં લખાયેલી વિગતો પણ શંકાસ્પદ
અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના લગ્ન 1 મે, 2024ના રોજ થયા હતા. જ્યારે જાહેરમાં ઉપલબ્ધ લગ્ન પ્રમાણપત્ર મુજબ બંનેના લગ્નની તારીખ અલગ હોવાનું દર્શાવવામાં આવ્યું છે. અરજીમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે લાંબા સમયથી મનમેળ નથી અને કાજલ છેલ્લા 12 મહિનાથી પોતાના પિયરમાં રહે છે. આ ઉપરાંત પરિવારજનો દ્વારા અનેક પ્રયાસો છતાં સંબંધોમાં સુધારો ન થયો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ કોર્ટમાં હાજર બંને પક્ષોએ આવી તમામ વિગતોને ખોટી ગણાવી હતી.
આ પણ વાંચો: ગુજરાતી સિંગર કાજલ મહેરિયાના પતિ પર કાર્યક્રમ દરમિયાન હુમલો: માંડલ પાસેની ઘટનાના વીડિયો વાયરલ
સુનાવણી દરમિયાન સામે આવી ચોંકાવનારી હકીકત
કોર્ટમાં સુનાવણી દરમિયાન જજે અરજીમાં દર્શાવાયેલા વકીલ વિશે પૂછપરછ શરૂ કરી હતી. અરજીમાં અમદાવાદના એક વકીલનું નામ દર્શાવવામાં આવ્યું હતું. જોકે કોર્ટ દ્વારા સંપર્ક કરવામાં આવતા સંબંધિત વકીલે સ્પષ્ટ કહ્યું હતું કે તેમને આ અરજી વિશે કોઈ જાણકારી નથી અને અરજી પરની સહી પણ તેમની નથી. આ ખુલાસા બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે, અરજીમાં માત્ર અરજદારોના નામ જ નહીં પરંતુ વકીલની વિગતોનો પણ ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કારણે સમગ્ર મામલો વધુ ગંભીર બની ગયો હતો.
કોર્ટે અરજી ફગાવી, કડક નોંધ લીધી
જ્યારે કોર્ટ સમક્ષ સ્પષ્ટ થયું કે, અરજી નકલી છે અને સંબંધિત વ્યક્તિઓને તેની જાણ પણ નથી, ત્યારે કોર્ટે અરજીને તરત જ રદ કરવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લીધી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે આ અરજીને કોઈ કાનૂની માન્યતા આપી શકાય નહીં. આ નિર્ણય બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે, કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોર વચ્ચે કોઈ છૂટાછેડાની પ્રક્રિયા ચાલી રહી નથી અને સમગ્ર મામલો કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા કરાયેલી છેતરપિંડી સાથે જોડાયેલો હોઈ શકે છે.
પોલીસ સુધી પહોંચ્યો મામલો
પોતાના નામે ખોટી અરજી દાખલ થવાની જાણ થતાં જ કાજલ મહેરિયા મહેસાણા એ-ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેમણે અજાણ્યા વ્યક્તિ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે પ્રાથમિક અરજી સ્વીકારી તપાસ શરૂ કરી છે. જોકે પોલીસનું કહેવું છે કે મામલો કોર્ટ પરિસર અને કોર્ટ દસ્તાવેજો સાથે જોડાયેલો હોવાથી આગળની કાર્યવાહી માટે કોર્ટના આદેશની જરૂર પડી શકે છે.
લગ્નથી શરૂ થયો હતો વિવાદ
કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના પ્રેમલગ્ન અગાઉ પણ ચર્ચામાં રહ્યા હતા. પરિવાર અને સમાજના કેટલાક લોકો દ્વારા આ લગ્નનો વિરોધ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ભારે ચર્ચા ચાલી હતી અને બંને પરિવારો વચ્ચે તણાવ સર્જાયો હતો. પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે, પોલીસની હાજરીમાં બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાજલ મહેરિયાએ જાહેરમાં સ્પષ્ટતા કરી હતી કે લગ્નનો નિર્ણય તેમણે પોતાની મરજીથી લીધો છે અને તેઓ પોતાના દામ્પત્ય જીવનથી ખુશ છે.
આ પણ વાંચો: કિંજલ રબારી બાદ વધુ એક ગુજરાતી ગાયિકા લગ્નના વિવાદમાં: મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
હવે સૌથી મોટો સવાલ
આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે કાજલ મહેરિયા અને અલ્પેશ ઠાકોરના નામે આ નકલી અરજી કોણે દાખલ કરી? અરજીમાં વ્યક્તિગત વિગતો, ફોટોગ્રાફ્સ અને વકીલનું નામ કેવી રીતે સામેલ કરવામાં આવ્યું? અને શું આ માત્ર મજાક હતી કે કોઈ સુનિયોજિત કાવતરું? હાલ આ તમામ પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે. પરંતુ કોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવતા એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે કાજલ મહેરિયા અને તેમના પતિ વચ્ચે કોઈ છૂટાછેડાનો વિવાદ નથી અને હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આખરે આ સમગ્ર કાવતરાની પાછળ કોણ જવાબદાર છે.






