Home Gujarat Kajal Meheria Marriage Certificate Adalaj Police

કિંજલ રબારી બાદ વધુ એક ગુજરાતી ગાયિકા લગ્નના વિવાદમાં : મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

કાજલ મહેરિયા
Published by: Chintan Chavda
Last Updated: Apr 20, 2026, 04:32 AM IST

ગુજરાતમાં તાજેતરમાં જ કિંજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સમેટાયો છે. ત્યારે હવે વધુ એક ગુજરાતી ગાયિકાના લગ્નનો વિવાદ શરૂ થયો છે. અડાલજ વિસ્તારમાં કાજલ મહેરિયાના લગ્ન અંગે અનિશ્ચિતતા સર્જાતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. સમાજના કેટલાક સભ્યો અને પરિવારજનો દ્વારા અડાલજ પોલીસ સ્ટેશન ખાતે જઈ સત્તાવાર રીતે પૂછપરછ કરવામાં આવી હતી કે કાજલ મહેરિયાએ ખરેખર લગ્ન કર્યા છે કે નહીં. પરિવાર તરફથી એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કાજલે લગ્ન અંગે કોઈ પૂર્વ જાણકારી આપી નથી, જેના કારણે સંશય ઊભો થયો હતો.

આ પૂછપરછ દરમિયાન કાજલ મહેરિયા પણ પોલીસ સમક્ષ હાજર રહી હતી અને તેણે પોતાના લગ્ન થયાના દાવાને સમર્થન આપતા મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી હતી. પોલીસ સમક્ષ તેણે જણાવ્યું હતું કે તે આવતીકાલે જરૂરી દસ્તાવેજો રજૂ કરશે, જેથી સ્થિતિ સ્પષ્ટ થઈ શકે.

પોલીસની હાજરીમાં બંને પક્ષ વચ્ચે ચર્ચા

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન બંને પક્ષના લોકો અડાલજ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યા હતા. પોલીસના માર્ગદર્શન હેઠળ વાતચીત કરવામાં આવી હતી જેથી મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલાઈ શકે. ચર્ચા બાદ બંને પક્ષના લોકો પોલીસ મથકેથી રવાના થઈ ગયા હતા.

અડાલજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ. જી. દેસાઈએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું હતું કે કાજલ મહેરિયાના પરિવારજનો પોલીસ સ્ટેશન આવ્યા હતા અને તેમણે રજૂઆત કરી હતી કે કાજલે લગ્ન કર્યા છે કે નહીં તેની તેમને કોઈ માહિતી આપવામાં આવી નથી. પરિવારની આ શંકાને ધ્યાનમાં રાખીને પોલીસે કાજલને સ્પષ્ટતા કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: અંબાલાલની આગાહીએ વધારી નેતાઓની ચિંતા : ચૂંટણીના દિવસે ગાભા કાઢશે ગરમી, સવારના મતદાન પર બધો દારોમદાર

હાલ કોઈ સત્તાવાર ફરિયાદ નથી

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, કાજલ મહેરિયાએ પોતાના લગ્ન અંગે મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી છે. જોકે હાલના તબક્કે આ મામલે કોઈ સત્તાવાર અરજી અથવા ફરિયાદ નોંધાઈ નથી. એટલે આ મુદ્દો હજુ પ્રાથમિક ચર્ચા અને સ્પષ્ટતા સુધી મર્યાદિત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now