Gandhinagar News: ગુજરાતના વિવિધ મહત્વપૂર્ણ સરકારી અને જાહેર સંસ્થાઓને મળેલી બોમ્બ ધમકીની ઇ-મેઇલને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે. રાજ્યના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર આરએસએસ સાથે સંકળાયેલા સ્થળો, સીએમઓ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતના સંવેદનશીલ સંસ્થાઓને ધમકીભર્યા ઇ-મેઇલ મળ્યા હતા. ઇ-મેઇલમાં નિશ્ચિત સમયનો ઉલ્લેખ કરીને વિસ્ફોટની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા તમામ સંબંધિત સ્થળોએ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ દરેક સ્થળે સઘન ચેકિંગ, બોમ્બ સ્ક્વોડ અને અન્ય સુરક્ષા વ્યવસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ કે વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી.
તપાસમાં શું સામે આવ્યું?
પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે ધમકીભર્યા ઇ-મેઇલ અમેરિકન વીપીએન (VPN) મારફતે મોકલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક ટેક્નિકલ વિશ્લેષણમાં સામે આવ્યું છે. તપાસ એજન્સીઓ ઇ-મેઇલના મૂળ સ્ત્રોત સુધી પહોંચવાના પ્રયાસ કરી રહી છે. અધિકારીઓએ વધુમાં જણાવ્યું છે કે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ દેશના અન્ય કેટલાક રાજ્યોમાં પણ સમાન પ્રકારની ધમકીભરી ઇ-મેઇલો મોકલવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. તેથી મામલાને અલગ ઘટનાના બદલે વ્યાપક દૃષ્ટિકોણથી તપાસવામાં આવી રહ્યો છે.
અફવાઓ અને અનાવશ્યક ભયથી બચવાની અપીલ
રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે આજે આ અંગે વિગતો આપવા માટે મીડિયાને સંબોધન કરતા સમાચાર માધ્યમોને અપીલ કરી હતી આવા ધમકીભર્યા મેલના સમાચારો નહિ બનાવવા જોઈએ,તપાસમાં કઈ ખાસ મળતું નથી અને નાગરિકોમાં ખોટા ભયનો માહોલ સર્જાય છે.
રાજ્યના વરિષ્ઠ અધિકારીઓનું માનવું છે કે આવી પ્રકારની ધમકીનો મુખ્ય હેતુ ભય અને ગભરાટ ફેલાવવાનો હોઈ શકે છે. તેથી માત્ર ધમકીના આધારે અતિશય પ્રચાર અથવા અપ્રમાણિત માહિતીના પ્રસારથી સામાન્ય નાગરિકોમાં અનાવશ્યક ચિંતા અને ગભરાટ ફેલાઈ શકે છે. સુરક્ષા તંત્રનું કહેવું છે કે દરેક ધમકીને ગંભીરતાથી લેવામાં આવે છે અને જરૂરી તપાસ કરવામાં આવે છે, પરંતુ તપાસ પૂર્ણ થાય તે પહેલાં કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય નથી. અનેક વિકસિત દેશોમાં પણ માત્ર અપ્રમાણિત ધમકીના આધારે વ્યાપક ભયનું વાતાવરણ ઊભું ન થાય તે માટે જવાબદાર સમાચાર પ્રસારણ પર ભાર મૂકવામાં આવે છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ટીમને સોંપાઈ તપાસ
સમગ્ર મામલાની વધુ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તથા સાયબર સુરક્ષા એજન્સીઓને સોંપવામાં આવી છે. ટેક્નિકલ પુરાવા, ઇ-મેઇલ ટ્રેસિંગ અને ડિજિટલ ફોરેન્સિક વિશ્લેષણના આધારે ધમકી મોકલનાર વ્યક્તિ અથવા જૂથ સુધી પહોંચવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અધિકારીઓએ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા, માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અને કોઈ શંકાસ્પદ માહિતી મળે તો તાત્કાલિક પોલીસને જાણ કરવાની અપીલ કરી છે.





