Home Gujarat Ahmedabad Ahmedabad Vastrapur Rottweiler Pet Dog Attack Child Police Complaint

એક પળમાં ખુશી ફેરવાઈ ચીસોમાં : ગેમ રમતા સમયે એક સેકન્ડમાં લોહીલુહાણ થયો 9 વર્ષનો માસૂમ, રોટવીલર શ્વાને કર્યો હુમલો

બાળક અને શ્વાનની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 10, 2026, 11:30 AM IST

અમદાવાદ શહેરના પોશ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાં એક ચિંતાજનક ઘટના સામે આવી છે. રહેણાંક સોસાયટીમાં રાખવામાં આવેલા પાલતુ રોટવીલર જાતિના શ્વાને 9 વર્ષના માસૂમ બાળક પર અચાનક હુમલો કરતાં બાળકને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટનાને પગલે બાળકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેના માથા અને ગળાના ભાગે સારવાર આપવી પડી હતી. સમગ્ર મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં શ્વાનના માલિક સામે ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ઘટના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જજિસ બંગલા રોડ પર આવેલી લાડ સોસાયટીમાં બની હતી. સોસાયટીના બંગલા નંબર-16માં દિનેશભાઈ કાંતિલાલ રાવત ઘરેલું મદદનીશ તરીકે વિવિધ કામકાજ કરતા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના દિવસે તેઓ પોતાના 9 વર્ષના પુત્રને પણ સાથે લાવ્યા હતા.

મોબાઈલમાં ગેમ રમતા બાળક પર અચાનક હુમલો

પરિવારજનોએ આપેલી માહિતી મુજબ બાળક બંગલાની બહાર બેસીને પોતાના મોબાઇલ ફોનમાં ગેમ રમી રહ્યો હતો. તે દરમિયાન નજીકના બંગલા નંબર-18માં રહેતા અલ્પાબેન ઉર્ફે અંજલીબેન હિતેશભાઈ રાજપૂતના પાલતુ રોટવીલર શ્વાન 'હેજુ'એ અચાનક બાળક પર હુમલો કરી દીધો હતો.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલો એટલો ઝડપી હતો કે આસપાસ હાજર લોકો કંઈ સમજે તે પહેલાં જ બાળક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. શ્વાને બાળકના માથા અને ગળાના ભાગે કરડતાં ભારે ઈજાઓ પહોંચી હતી. બાળકની ચીસો સાંભળીને સ્થાનિક લોકો અને પરિવારજનો તરત જ દોડી આવ્યા હતા અને તેને શ્વાનના હુમલામાંથી છોડાવ્યો હતો.

આ પણ વાંચો: ‘આ 21મી સદીમાં 14મી સદીની માનસિકતા દર્શાવતી ઘટના’ : રાજકોટ મુંડન વિવાદ પર વિજ્ઞાન જાથાનો આક્રોશ

માથામાં ટાંકા લેવા પડ્યા

હુમલા બાદ બાળકને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા અનુસાર બાળકના માથાના ભાગે ઊંડી ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેને ટાંકા લેવા પડ્યા હતા. ગળાના ભાગે પણ ઈજાઓ નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

હાલ બાળકની સ્થિતિ સ્થિર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ ઘટનાએ પરિવારજનોને ભારે આઘાતમાં મૂકી દીધા છે. બાળકના માતા-પિતાએ જણાવ્યું કે તેમનો પુત્ર સામાન્ય રીતે બંગલાની બહાર બેઠો હતો અને કોઈને પણ ખલેલ પહોંચાડતો ન હતો, છતાં અચાનક થયેલા હુમલાથી સમગ્ર પરિવાર હચમચી ગયો છે.

આ પણ વાંચો: એક જ દિવસમાં ગુજરાત સહિત દેશના ત્રણ મોટા રાજ્યોમાં બોમ્બની ધમકી : ટાર્ગેટ પર CM ઓફિસ સહિત સરકારી કચેરીઓ અને RSSના કાર્યાલય!

માલિકની બેદરકારીના આક્ષેપ

બાળકના પિતા દિનેશભાઈ રાવતે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં શ્વાનના માલિક પર ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. ફરિયાદમાં જણાવાયું છે કે રોટવીલર જેવી શક્તિશાળી અને જોખમી જાતિના શ્વાનને યોગ્ય નિયંત્રણ વિના રાખવામાં આવ્યો હતો.

ફરિયાદ અનુસાર જો શ્વાનને જરૂરી સુરક્ષા ઉપાયો સાથે રાખવામાં આવ્યો હોત તો આ પ્રકારની ઘટના બની ન હોત. જાહેર સ્થળ નજીક આવા શ્વાનને મુક્ત રીતે ફરવા દેવું અન્ય લોકોના જીવન માટે જોખમરૂપ બની શકે છે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.

પોલીસે શરૂ કરી તપાસ

વસ્ત્રાપુર પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. શ્વાનને યોગ્ય રીતે નિયંત્રિત રાખવામાં આવ્યો હતો કે નહીં, તેમજ માલિક દ્વારા જરૂરી તકેદારી રાખવામાં આવી હતી કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવશે. પોલીસ દ્વારા સોસાયટીના રહેવાસીઓ અને ઘટનાના સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત ઘટનાસ્થળની આસપાસ ઉપલબ્ધ CCTV ફૂટેજની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

મ્યુનિસિપલ રજીસ્ટ્રેશન અંગે પણ તપાસ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો અનુસાર પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય છે. ખાસ કરીને રોટવીલર જેવી શક્તિશાળી જાતિના શ્વાનો માટે વધારાની તકેદારી રાખવાની સલાહ આપવામાં આવે છે.

પોલીસ હવે તપાસ કરી રહી છે કે હુમલો કરનાર શ્વાનનું મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિયમસર રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું કે નહીં. જો નિયમોનું પાલન ન થયું હોવાનું સામે આવશે તો માલિક સામે વધારાની કાર્યવાહી પણ થઈ શકે છે.

આ પણ વાંચો: અમદાવાદમાં વિશાલા સર્કલ નજીક ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ : 60થી વધુ ઝૂંપડાં આગની ઝપેટમાં

શહેરમાં ફરી ચર્ચાનો વિષય બન્યો પાલતુ શ્વાનોનો મુદ્દો

અમદાવાદ સહિત મોટા શહેરોમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પાલતુ શ્વાનો દ્વારા હુમલાની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. ખાસ કરીને શક્તિશાળી બ્રીડના શ્વાનોને લઈને સલામતીના મુદ્દાઓ વારંવાર ચર્ચામાં રહે છે.

આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉભો કર્યો છે કે પાલતુ પ્રાણીઓ રાખનારા લોકો પોતાની જવાબદારી કેટલી ગંભીરતાથી નિભાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા શ્વાનોને જાહેર સ્થળો નજીક રાખવામાં આવે ત્યારે તેમની સુરક્ષા અને નિયંત્રણ માટે ખાસ તકેદારી રાખવી જરૂરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને તપાસના આધારે આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. બીજી તરફ બાળકના પરિવારજનો જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now