Home Gujarat Vadodara Atapi Wonderland Vadodara Cbi Inquiry Demand

વડોદરા મહાનગરપાલિકાના ‘આતાપી વન્ડરલેન્ડ’ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ : CBI તપાસ અને FIRની માંગ ઉઠી

Vadodara News
Published by: Viral Patel
Last Updated: Jun 10, 2026, 03:00 PM IST

Vadodara News: વડોદરા મહાનગરપાલિકાના મહત્ત્વાકાંક્ષી ‘આતાપી વન્ડરલેન્ડ’ પ્રોજેક્ટને લઈને ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલર દીપા શ્રીવાસ્તવે પ્રાદેશિક કમિશનરને લેખિત રજૂઆત કરીને પ્રોજેક્ટમાં થયેલી સંભવિત ગેરરીતિઓ, તપાસ ફાઇલ ગુમ થવા અને જવાબદાર અધિકારીઓ સામે FIR નોંધવાની સાથે CBI તપાસ સોંપવાની માંગ કરી છે. રજૂઆતમાં અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે, જેનાથી આ પ્રોજેક્ટ અંગેના પ્રશ્નો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.

રજુઆત અનુસાર વર્ષ 2015-16 દરમિયાન વડોદરા મહાનગરપાલિકાએ એસ.એફ.સી. (SFC) સાથે મનોરંજન અને વિકાસલક્ષી પ્રોજેક્ટ તરીકે પી.પી.પી. મોડલ હેઠળ એમ.ઓ.યુ. કર્યો હતો. ત્યારબાદ વર્ષ 2017માં આ એમ.ઓ.યુ.માં કેટલાક ફેરફારો કરીને ‘આતાપી વન્ડરલેન્ડ’ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવ્યો હતો. જોકે રજૂઆતમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રોજેક્ટને લગતી મંજૂરીઓ અને પ્રક્રિયાઓમાં પારદર્શિતાનો અભાવ રહ્યો હતો અને કેટલીક શરતોનું પાલન થયું નહોતું.

"12 વર્ષમાં જો આટલું બધું થઈ શકે છે, તો દાયકાઓ સુધી કેમ ન થયું... : નેહરુનો રેકોર્ડ તોડ્યા બાદ બોલ્યા PM મોદી"

તપાસ ફાઇલ ગુમ થવાનો ગંભીર આક્ષેપ

કાઉન્સિલરની રજૂઆતમાં સૌથી ગંભીર મુદ્દો એ છે કે પ્રોજેક્ટ સંબંધિત તપાસ ફાઇલ તૈયાર થયા બાદ તે મહાનગરપાલિકાના તંત્રમાંથી ગુમ થઈ ગઈ હોવાનું કહેવાયું છે. રજૂઆતમાં જણાવાયું છે કે અગાઉના કમિશનર દિલીપકુમાર રાણાના કાર્યકાળ દરમિયાન આ ફાઇલ અસ્તિત્વમાં હતી, પરંતુ બાદમાં તે ઉપલબ્ધ રહી નથી. ફાઇલ ગુમ થવાની ઘટનાને માત્ર વહીવટી બેદરકારી નહીં પરંતુ સંભવિત રીતે પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ તરીકે પણ જોવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત કમિશનરના સત્તાવાર નિવાસસ્થાનની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. રજૂઆતમાં જણાવાયું છે કે સીસીટીવી કેમેરા અને સુરક્ષા કર્મચારીઓ હોવા છતાં મહત્વપૂર્ણ ફાઇલ કેવી રીતે ગુમ થઈ શકે તે તપાસનો વિષય છે. ફાઇલ ગુમ થવામાં કોઈ અધિકારી અથવા કર્મચારીની ભૂમિકા રહી છે કે નહીં તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

વહીવટી અનિયમિતતાઓના મુદ્દા

રજુઆતમાં અનેક વહીવટી ખામીઓ અને નિયમોના સંભવિત ભંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં પ્રોજેક્ટ સંબંધિત વાર્ષિક બેલેન્સ શીટ અને આવકના રેકોર્ડ જાહેર ન કરાયા હોવાના આક્ષેપો છે. ઉપરાંત બેંક ગેરંટી, ફાયર લાઇસન્સ, સેફ્ટી અને ઇલેક્ટ્રિકલ નિરીક્ષણ સંબંધિત ફરજિયાત પ્રક્રિયાઓનું યોગ્ય પાલન ન થયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. રજૂઆતમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે પ્રોજેક્ટના કેટલાક કરારો અને દસ્તાવેજોમાં એવી શરતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જે મહાનગરપાલિકાના હિતોને અસર કરી શકે છે. આ કારણસર સમગ્ર પ્રોજેક્ટના દસ્તાવેજોની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ જરૂરી હોવાનું જણાવાયું છે.

વડોદરામાં પાણી સંકટની આહટ? : આજવા સરોવરનું લેવલ ઘટતા નર્મદાના પાણી પર નિર્ભર થવાની તૈયારી

CBI તપાસની માંગ કેમ?

કાઉન્સિલરે રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે સ્થાનિક સ્તરની તપાસથી સત્ય બહાર આવશે કે નહીં તે અંગે શંકા છે. તેથી સમગ્ર મામલો કેન્દ્રીય તપાસ એજન્સી CBIને સોંપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સાથે જ તપાસ ફાઇલની ચોરી અથવા ગુમ થવાની ઘટનામાં સામેલ વ્યક્તિઓની ઓળખ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે. રજુઆતમાં પોલીસ ફરિયાદ નોંધાવી ભારતીય દંડ સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનાહિત કાર્યવાહી શરૂ કરવાની પણ માંગ કરવામાં આવી છે. તેમાં ફાઇલ ગુમ થવાના કેસ ઉપરાંત ગેરરીતિ, ફરજમાં બેદરકારી અને સંભવિત ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓની પણ તપાસ કરવાની રજૂઆત કરવામાં આવી છે.

તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા નહીં

આ રજૂઆત જાહેર થયા બાદ અત્યાર સુધી મહાનગરપાલિકા તંત્ર અથવા સંબંધિત અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. કાઉન્સિલર દ્વારા ઉઠાવવામાં આવેલા આક્ષેપોની સ્વતંત્ર પુષ્ટિ હાલ ઉપલબ્ધ નથી. તેથી મામલો હવે પ્રાદેશિક કમિશનર અને અન્ય સક્ષમ સત્તાધિકારીઓ શું નિર્ણય લે છે તેના પર નિર્ભર રહેશે. જો આક્ષેપોને આધારે સત્તાવાર તપાસ શરૂ થાય તો ‘આતાપી વન્ડરલેન્ડ’ પ્રોજેક્ટ અંગે લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નો ફરી કેન્દ્રસ્થાને આવી શકે છે. બીજી તરફ જો તપાસમાં આક્ષેપો આધારહીન સાબિત થાય તો તે પણ જાહેર રેકોર્ડનો ભાગ બનશે. હાલ માટે સમગ્ર મામલો રજૂઆત અને તેમાં કરાયેલા આક્ષેપોના તબક્કે છે.

વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર યમરાજનો અડિંગો! : રિવર્સ આવતી પીકઅપ પાછળ ઘૂસી ગઇ ઇકો, પત્ની અને બાળકોની સામે જ જીવતા સળગ્યા પિતા


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now