Vadodara-Ahmedabad Express Highway Accident: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વડોદરા નજીક સર્જાયેલા એક અત્યંત કરુણ માર્ગ અકસ્માતે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. એક્સપ્રેસ હાઈવે પર ખોટી રીતે રિવર્સમાં આવતા એક પીકઅપ વાહન સાથે ઇકો કાર અથડાતા કારમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં કારચાલક પોતાનો પગ ફસાઈ જવાને કારણે બહાર નીકળી શક્યા નહોતા અને પરિવારની નજર સામે જ જીવતા સળગી ગયા હતા. ઘટનાની વિગત એવી છે કે, એક પરિવાર પોતાની કારમાં મુસાફરી કરી રહ્યો હતો ત્યારે પીકઅપ વાહનના ચાલકની ઘોર બેદરકારીને કારણે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારમાં ક્ષણભરમાં જ આગ ભભૂકી ઉઠી હતી. આ કરુણ અકસ્માતમાં કારચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
રિવર્સમાં આવતું પીકઅપ વાહન બન્યું કાળમુખું
મળતી માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખાટુરા ગામના રહેવાસી અને હાલમાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવાઈ ગામે રહેતા સવિતાબેન નાથાભાઈ પરમારે ભાદરવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની દીકરી જકાબેન, જમાઈ જગદીશભાઈ સોમાભાઈ વાઘેલા, દીકરીના સાસુ અલ્લુબેન તથા ત્રણ સંતાનો ઇકો કાર લઈને પિલવાઈ ગામે મહેમાનગતિએ આવ્યા હતા. 9 જૂનના રોજ તમામ લોકો ઇકો કારમાં પિલવાઈથી વડોદરા આવવા નીકળ્યા હતા. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પરથી પસાર થતાં તેઓ ઇન્ડિયન પેટ્રોલ પંપ આગળ દિલ્હી-મુંબઈ હાઇવે તરફ જવાના કટ નજીક પહોંચ્યા હતા. તે દરમિયાન પીકઅપ બોલેરોનો ચાલક હાઇવેની પ્રથમ લેનમાં પૂરઝડપે રિવર્સમાં આવી રહ્યો હતો. અચાનક સામે આવેલા આ વાહનને કારણે ઇકો કારચાલક જગદીશભાઈ વાઘેલાને સ્ટીયરિંગ સંભાળવાનો સમય જ ન મળ્યો અને કાર પીકઅપ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
કાર ચાલક સળગી ગયો
અકસ્માત બાદ કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં સવાર અન્ય સભ્યો - સાસુ, પત્ની અને બાળકો સમયસૂચકતા વાપરીને સમયસર કારમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જોકે, કાર ચલાવી રહેલા જગદીશભાઈનો પગ સ્ટીયરિંગ નીચે ફસાઈ ગયો હતો. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તેઓ કારમાંથી બહાર નીકળી શક્યા નહોતા અને પરિવારજનો લાચાર બનીને જોતા રહ્યા હતા. ક્ષણભરમાં જ કાર આગના ગોળામાં ફેરવાઈ ગઈ હતી, જેમાં જગદીશભાઈનું જીવતા સળગી જવાથી મોત થયું હતું.
આ પણ વાંચો: રાજકોટમાં સ્ક્રેચ કાર્ડના નામે કરોડોનું ચિટિંગ રેકેટ ઝડપાયું: ખેડૂતોને નિશાન બનાવતી 5 આરોપીઓની ધરપકડ
પરિવાર પર આભ તૂટી પડ્યું: પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ
આ અકસ્માતમાં મૃતકની પત્ની જકાબેનના બંને પગ દાઝી ગયા છે, જ્યારે તેમના સાસુ અલ્લુબેનને હાથ અને પગમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. કારમાં સવાર અન્ય સભ્યોને પણ ઈજાઓ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
હાઇવે પર જામ, પોલીસની કાર્યવાહી અને તપાસ
ઘટનાની જાણ થતા જ ભાદરવા પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. પોલીસે સવિતાબેન નાથાભાઈ પરમારની ફરિયાદના આધારે પીકઅપ વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર પૂરઝડપે રિવર્સમાં વાહન હંકારનાર ચાલકની શોધખોળ તેજ કરવામાં આવી છે.





