Home Gujarat Vadodara Vadodara Bajwa Sword Attack On Three Youths

વડોદરામાં બુટલેગરોનો આતંક : નજીવી બાબતે ત્રણ યુવકો પર તલવારથી જીવલેણ હુમલો

જવાહરનગર પોલીસ સ્ટેશનના દ્રશ્યો
Published by: Chintan Chavda
Last Updated: Jun 09, 2026, 09:47 AM IST

વડોદરાના બાજવા વિસ્તારમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારતી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. બાજવાના કરોડિયા મહેશ્વરી ફાટક પાસે નજીવી બાબતે શરૂ થયેલો ઝઘડો એટલો ઉગ્ર બન્યો હતો કે, સ્થાનિક બુટલેગરો અને તેમના પરિવારે તલવાર જેવા ધારદાર હથિયારો વડે ત્રણ નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કરી દીધો હતો. 15 થી 20 લોકોના હિંસક ટોળાએ યુવકોને રસ્તા પર ઢોર માર મારતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે.

કુતૂહલવશ ઊભા રહેલા નિર્દોષ યુવક પર તૂટી પડ્યા

આ લોહિયાળ ખેલ મોડી રાત્રે આશરે 12:00 થી 12:30 વાગ્યાની આસપાસ ખેલાયો હતો. ઉમિયા નગર ખાતે રહેતો એક યુવક દરરોજની જેમ પોતાનું કામ પતાવીને રાત્રે ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન કરોડિયા મહેશ્વરી ફાટક પાસે કોઈ બાબતે બોલાચાલી થતી જોઈને તે કુતૂહલવશ ત્યાં ઊભો રહ્યો હતો. આ બાબતથી ઉશ્કેરાઈને ત્યાં હાજર સ્થાનિક બુટલેગરો અને તેમના સાગરીતોએ આ નિર્દોષ યુવક પર હુમલો કરી દીધો હતો. યુવક કંઈ સમજે તે પહેલાં જ તેના પર ધારદાર હથિયારોના ઘા ઝીંકવાનું શરૂ કરી દેવાયું હતું.

આ પણ વાંચો: સરકારી ભરતીમાં નવા વિવાદની એન્ટ્રી : એક પરિવારને બે અનામતનો લાભ?, યુવાનોના હક્ક સાથે ચેડાં થયાની શંકા

બચાવવા પડેલા મિત્રોને પણ બેરહેમીથી માર્યા

બનાવના પગલે રાડારાડ અને ચીસાચીસ થતાં આસપાસમાંથી અન્ય બે યુવકો પોતાના મિત્રને બુટલેગરોના ચુંગાલમાંથી છોડાવવા વચ્ચે પડ્યા હતા. પરંતુ રક્તરંજીત બનેલા હુમલાખોરોએ માનવતા નેવે મૂકીને બચાવવા આવેલા બંને યુવકો પર પણ તલવાર અને અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. પીડિતોના આક્ષેપ અનુસાર, બુટલેગરો અને તેમના પરિવારના સભ્યો જેમાં ડિમ્પલબેન, દક્ષાબેન, રાજારામ અને કાળુભાઈ સહિત આશરે 15 થી 20 લોકોના ટોળાએ ત્રણેય યુવકોને ઘેરી રસ્તા પર બેરહેમીપૂર્વક ઢોર માર માર્યો હતો.

આ પણ વાંચો: SSG હોસ્પિટલમાં 5 દિવસથી લિફ્ટ છે બંધ : બીમારીનો બોજ ઓછો ન હતો ને હવે 'ધક્કે પે ધક્કા' જેવી સ્થિતિ

હોસ્પિટલમાં સારવાર અને પોલીસ કાર્યવાહી

હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં ત્રણેય યુવકોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ જવાહર નગર પોલીસ મથકનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્તોના નિવેદનો નોંધી ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બીજી તરફ, પીડિત પરિવારે વિસ્તારમાં વ્યાપેલા બુટલેગરોના ત્રાસ સામે ભારે આક્રોશ વ્યક્ત કરી નરાધમો સામે કડક દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now