Surat News: શહેરના વેડરોડ સ્થિત નાસિરનગર વિસ્તારમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. અહીં ગરીબ અને શ્રમજીવી પરિવારોના ૧૦૦થી વધુ કાચા-પાકા મકાનો પર અચાનક બુલડોઝર ફેરવી દેવામાં આવતા સેંકડો લોકો રસ્તા પર આવી ગયા છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે સુરત મહાનગરપાલિકા (SMC) એ આ ડિમોલિશન સાથે પોતાને કોઈ લેવાદેવા ન હોવાની સ્પષ્ટતા કરી. આ સ્થિતિએ હવે અનેક સવાલો ઉભા કર્યા છે કે જો મનપાએ આદેશ નથી આપ્યો, તો આ 'બનાવટી' ડિમોલિશન કોના ઈશારે થયું?
મનપાની મૌખિક સ્પષ્ટતા અને ટોરેન્ટ પાવર સામે આક્ષેપ
આ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકાએ મૌખિક રીતે જણાવ્યું છે કે તેમના દ્વારા આવી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે, આ ઘટના પૂર્વે જ 'ટોરેન્ટ પાવર લિમિટેડ' દ્વારા આખા વિસ્તારના કાયદેસરના વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા હતા. આ મિલીભગતનો આક્ષેપ કરતા કોંગ્રેસે કંપનીને કાયદાકીય આવેદનપત્ર પાઠવી ૭ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
સુરતમાં સનસનાટી: પત્ની સાથે અફેરની શંકામાં પતિ બન્યો જલ્લાદ : યુવકની ચપ્પુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
કાયદાકીય જોગવાઈઓનું સરેઆમ ઉલ્લંઘન
અસરગ્રસ્ત નાગરિકો વતી રજૂ કરાયેલા આવેદનપત્રમાં ટોરેન્ટ પાવરની ભૂમિકા સામે કાયદાકીય મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. 'ધ ઇલેક્ટ્રિસિટી એક્ટ, ૨૦૦૩' ની કલમ ૫૬(૧) મુજબ, જો કોઈ ગ્રાહક નિયમિત બિલ ભરતો હોય, તો તેનું વીજ જોડાણ કાપતા પહેલા તેને ૧૫ દિવસની લેખિત પૂર્વ નોટિસ આપવી ફરજિયાત છે. નાસિરનગરના રહીશો પાસે કાયદેસરના મીટર અને બિલ ભર્યાની પહોંચ હોવા છતાં, કોઈ પણ નોટિસ વગર વીજળી કાપી નાખવામાં આવી હતી. ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૧ (Right to Life) મુજબ, દરેક નાગરિકને ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે, જેમાં વીજળી એક અનિવાર્ય સેવા છે. કોઈ સક્ષમ સરકારી આદેશ વગર આવી કાર્યવાહી કરવી એ માનવ અધિકારોનું ઘોર ઉલ્લંઘન ગણાય.
કોંગ્રેસના વેધક સવાલો અને મુખ્ય માંગણીઓ
સુરત શહેર કોંગ્રેસ દ્વારા ટોરેન્ટ પાવર પાસે નીચે મુજબની લેખિત સ્પષ્ટતા માંગવામાં આવી છે. જેમાં કયા વિભાગ કે અધિકારીના આદેશથી વીજ જોડાણો કાપવામાં આવ્યા? તે અધિકારીનું નામ અને હોદ્દો જાહેર કરો. જો કોઈ લેખિત પત્રવ્યવહારના આધારે આ કાર્યવાહી થઈ હોય, તો તેની પ્રમાણિત નકલ (Certified Copy) રજૂ કરો. ગ્રાહકોને નોટિસ ન આપવા પાછળ કયા કાયદાનો આશરો લેવાયો તેની સ્પષ્ટતા કરો.
હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી
કાળઝાળ ગરમીમાં ૧૦૦થી વધુ પરિવારો, નાના બાળકો અને વૃદ્ધો ઘરવિહોણા બનીને ખુલ્લામાં રહેવા મજબૂર બન્યા છે. કોંગ્રેસના પ્રવક્તા મુસદ્દીક કાનુન્ગોએ જણાવ્યું છે કે, "જો ૭ દિવસમાં કંપની સત્તાવાર ખુલાસો નહીં કરે, તો આને 'ભૂમાફિયા-બિલ્ડર અને કંપની' વચ્ચેનું કાવતરું માની લેવામાં આવશે."
આગામી દિવસોમાં આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરવાની તેમજ ગ્રાહક સુરક્ષા ફોરમ અને વીજ લોકપાલ (Electricity Ombudsman) સમક્ષ દંડનીય કાર્યવાહી કરવાની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. આજના કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલા, હરિશ સુર્યવંશી, સંતોષ પાટીલ અને શૈલેષ ટંડેલ સહિતના અનેક આગેવાનોએ અસરગ્રસ્તોને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. હવે જોવાનું એ રહેશે કે ટોરેન્ટ પાવર અને વહીવટી તંત્ર આ ગંભીર સવાલોના શું જવાબ આપે છે.





