Home Gujarat Surat Surat Nasir Nagar Demolition Row Tushar Chaudhary Letter To Cm

'ખાનગી બિલ્ડરોને ફાયદો પહોંચાડવા ગરીબોના ઘર તોડાયા' : નાસીરનગર ડિમોલિશન મામલે વિપક્ષ નેતા તુષાર ચૌધરીનો CMને પત્ર

વિપક્ષ નેતા તુષાર ચૌધરીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 10, 2026, 10:30 AM IST

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીરનગરના કથિત 'નકલી ડિમોલિશન' વિવાદમાં હવે રાજકીય ગરમાવો વધુ વધી ગયો છે. ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા ડો. તુષાર ચૌધરીએ સમગ્ર મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને તટસ્થ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પત્રમાં તેમણે ડિમોલિશન પ્રક્રિયા, પાલિકા અને પોલીસ તંત્રની ભૂમિકા તેમજ બિલ્ડર લોબીને ફાયદો પહોંચાડવા માટે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે.

તુષાર ચૌધરીએ પોતાના પત્રમાં જણાવ્યું છે કે નાસીરનગર વિસ્તારમાં કોઈ યોગ્ય નોટિસ આપ્યા વિના અચાનક બુલડોઝરો ઉતારી દેવામાં આવ્યા અને 100થી વધુ ઘરો તોડી પાડવામાં આવ્યા. આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક રહીશોને પોતાનો સામાન ખસેડવા માટે પૂરતો સમય પણ આપવામાં આવ્યો ન હતો. પરિણામે અનેક પરિવારો ધમધોકતા ઉનાળામાં ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર બન્યા છે.

મહિલાઓ, બાળકો અને વૃદ્ધોની સ્થિતિ દયનીય

વિપક્ષ નેતાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ડિમોલિશન બાદ મહિલાઓ, નાના બાળકો અને વૃદ્ધોમાં ભારે આક્રંદનો માહોલ સર્જાયો હતો. વર્ષોથી વસવાટ કરતા પરિવારો અચાનક બેઘર બની જતા તેમની સામે જીવનનિર્વાહનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે. તેમણે જણાવ્યું કે સરકાર અને સ્થાનિક તંત્રની ફરજ હતી કે અસરગ્રસ્તોને વૈકલ્પિક રહેઠાણ અથવા પુનર્વસન અંગેની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ અત્યાર સુધી તે દિશામાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.

આ પણ વાંચો: 100 પરિવાર બેઘર થયા : હવે ડિમોલિશન પાછળના 'ખેલ' પર ધારાસભ્યના સવાલ

ડિમોલિશન કોણે કર્યું?

સમગ્ર વિવાદનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ડિમોલિશન કોણે કર્યું? સુરત મહાનગરપાલિકા દ્વારા સત્તાવાર રીતે ડિમોલિશન કરાયું ન હોવાનું જણાવવામાં આવ્યું છે. જોકે ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયો અને તસવીરોમાં મનપાના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરી દેખાઈ રહી હોવાનું વિરોધ પક્ષનું કહેવું છે.

તુષાર ચૌધરીએ સવાલ ઉઠાવ્યો છે કે જો પાલિકાએ ડિમોલિશન કર્યું નથી તો પછી દિવસદાઢે જેસીબી અને હિટાચી મશીનો ચલાવવાની હિંમત કોણે કરી? તોડફોડ દરમિયાન પોલીસ અને મનપાના કર્મચારીઓ કોના કહેવાથી હાજર હતા? પાલિકાની જાણ બહાર આટલા મોટા પાયે ડિમોલિશન થઈ શકે તે વાત માન્ય નથી.

આ પણ વાંચો: ઘર તોડાયા, સપના તૂટ્યા, એક જ દિવસમાં ઉજડી ગઈ 100 પરિવારોની દુનિયા : ડિમોલિશન કરનારા અધિકારીઓની ભૂમિકા પર ઉઠ્યા સવાલો

CCTV કેમેરા તોડવાના પણ આક્ષેપ

વિપક્ષ નેતાએ વધુ એક ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ડિમોલિશન દરમિયાન નાસીરનગર વિસ્તારમાં લાગેલા CCTV કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા. આથી સમગ્ર ઘટનાના પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમના મતે જો સમગ્ર કાર્યવાહી કાયદેસર હતી તો પછી કેમેરા તોડવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? આ મુદ્દે પણ સ્વતંત્ર તપાસ થવી જોઈએ.

બિલ્ડર પ્રોજેક્ટને ફાયદો પહોંચાડવાનો આક્ષેપ

તુષાર ચૌધરીએ પોતાના પત્રમાં સમગ્ર ડિમોલિશનને એક મોટા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ નાસીરનગર વિસ્તારની જમીન મૂળ પારસી માલિક ગુલબેન પાલિયા પાસેથી સેતુબંધ રિયાલિટી કંપની દ્વારા ખરીદવામાં આવી હતી.

આ જમીન પર 'પાલિયા એલીગન્સ' નામનો હાઈરાઈઝ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે. જેમાં નવ ટાવરનો પ્રોજેક્ટ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ જરૂરી માપદંડો અને માર્ગ વ્યવસ્થાના પ્રશ્નોને કારણે મંજૂરી પ્રક્રિયામાં અવરોધ ઉભા થયા હતા.

વિપક્ષ નેતાના આક્ષેપ મુજબ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે નાસીરનગરના ઝુંપડાઓ તોડી ત્યાંથી 40 ફૂટનો માર્ગ ઉભો કરવાની યોજના બનાવવામાં આવી. ત્યારબાદ બિલ્ડરને અનુકૂળતા રહે તે રીતે પ્લાન મંજૂર કરાવવામાં આવ્યો અને જરૂરી રજા ચિઠ્ઠીઓ પણ અગાઉથી આપી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું.

આ પણ વાંચો: પાણીના એક ટીપા માટે સંઘર્ષ : ગુજરાતના આ ગામમાં 90% માલધારીઓએ કરી હિજરત

SOG અને પોલીસના ઉપયોગના આક્ષેપ

પત્રમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ડિમોલિશન પહેલા વિસ્તારમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ લોકોને મકાનો ખાલી કરાવવા દબાણ કરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં SOG પોલીસનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તુષાર ચૌધરીએ જણાવ્યું છે કે જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો સમગ્ર મામલો માત્ર ગેરકાયદે ડિમોલિશનનો નહીં પરંતુ સત્તાના દુરુપયોગનો પણ બની શકે છે.

4 મુદ્દાઓ પર તપાસની માંગ

વિપક્ષ નેતાએ મુખ્યમંત્રી સમક્ષ ચાર મુખ્ય મુદ્દાઓ પર તપાસની માંગણી કરી છે.

  • ડિમોલિશન પહેલા જરૂરી સર્વે કરવામાં આવ્યો હતો કે નહીં અને સેન્ટ્રલ ઝોન દ્વારા કોઈ નોટિસ આપવામાં આવી હતી કે નહીં તેની તપાસ થવી જોઈએ.

  • અસરગ્રસ્તોને વૈકલ્પિક મકાનો આપવાના ઠરાવનું પાલન કેમ ન થયું તેની જવાબદારી નક્કી કરવી જોઈએ.

  • પાલિયા એલીગન્સ પ્રોજેક્ટના માલિકોને પ્લોટ વેરિએશનની મંજૂરી ક્યારે અને કઈ શરતોને આધારે આપવામાં આવી હતી તેની તપાસ થવી જોઈએ.

  • પ્રોજેક્ટ સંબંધિત દરખાસ્તો, મંજૂરીના દસ્તાવેજો અને સમગ્ર પત્રવ્યવહારની તપાસ કરીને સત્ય બહાર લાવવું જોઈએ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now