સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા નાસીરનગરના કથિત 'ભૂતિયા ડિમોલિશન' મામલે હવે રાજકીય અને વહીવટી ગરમાવો વધુ વધી ગયો છે. સમગ્ર ઘટનાક્રમને લઈને સુરત મહાનગરપાલિકાના કમિશનરે તપાસ માટે ઉચ્ચ અધિકારીઓની સમિતિની રચના કરી છે, પરંતુ સમિતિની જાહેરાત બાદ જ કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ તેની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
મનપા કમિશનર દ્વારા રચાયેલી સમિતિમાં 2 ડેપ્યુટી કમિશનર, એક એડિશનલ સિટી એન્જિનિયર, બે કાર્યપાલક ઇજનેર અને એક ડેપ્યુટી ઈજનેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. સમિતિને સમગ્ર ડિમોલિશન પ્રકરણની તપાસ કરીને અહેવાલ સોંપવાની જવાબદારી આપવામાં આવી છે. જેમના નામ નિચે મુજબ છે.
મીના.ગજ્જર (ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર)
એમ.એમ ડોક્ટર (ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર)
એમ ડી ચાવડા (એડિશનલ સીટી ઇજનેર)
કે એલ વસાવા (કાર્યપાલક ઇજનેર)
આર.ડી ગાંજા વાલા (કાર્યપાલક ઇજનેર)
મોહસીન એ.કાગજી (ડેપ્યુટી ઇજનેર)
જોકે, ધારાસભ્ય વિનુ મોરડિયાનું કહેવું છે કે આ સમિતિ નિષ્પક્ષ તપાસ કરી શકશે તેવો તેમને વિશ્વાસ નથી.
'તપાસ સમિતિ પર વિશ્વાસ નથી'
મીડિયા સાથે વાતચીત દરમિયાન ધારાસભ્ય વિનુ મોરડિયાએ જણાવ્યું કે, "જે વિભાગના અધિકારીઓ પર જ સવાલો ઊભા થયા છે, એ જ તંત્રના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવશે કે નહીં તે અંગે ગંભીર શંકા છે." તેમણે સવાલ ઉઠાવ્યો કે એક કાર્યપાલક ઇજનેર કેવી રીતે બીજા કાર્યપાલક ઇજનેરની કામગીરીની નિષ્પક્ષ તપાસ કરી શકે? તેમના મતે સમગ્ર મામલે બાહ્ય અને ઉચ્ચ સ્તરની સ્વતંત્ર તપાસ જરૂરી છે.
મોરડિયાએ જણાવ્યું કે આ કેસમાં કેટલાક અધિકારીઓએ શરૂઆતથી જ વિરોધાભાસી નિવેદનો આપ્યા છે. અગાઉ કેટલાક અધિકારીઓએ ડિમોલિશન સ્થળે હાજર ન હોવાનો દાવો કર્યો હતો, પરંતુ બાદમાં સામે આવેલા વીડિયો અને ફોટોગ્રાફ્સમાં તેમની હાજરી દેખાતી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જેના કારણે અધિકારીઓની ભૂમિકા વધુ શંકાસ્પદ બની હોવાનું તેમણે કહ્યું.
'મનપાના અધિકારીઓ શંકાના દાયરામાં'
ધારાસભ્યે વધુમાં જણાવ્યું કે નાસીરનગરમાં થયેલી સમગ્ર કાર્યવાહી દરમિયાન મનપાના કેટલાક અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં છે. તેમના જણાવ્યા મુજબ ડિમોલિશન કયા અધિકાર હેઠળ કરવામાં આવ્યું, કોણે આદેશ આપ્યો અને કયા હેતુથી કાર્યવાહી કરવામાં આવી તેની સ્પષ્ટતા હજુ સુધી થઈ નથી. તેમણે સવાલ કર્યો કે જો આ કાર્યવાહી કાયદેસર હતી તો મનપાના અધિકારીઓ સ્થળ પર કોના માટે અને કઈ સત્તા હેઠળ પહોંચ્યા હતા? સમગ્ર ઘટનામાં અનેક પ્રશ્નો હજુ પણ અનુત્તરિત છે.
'રૂપિયા માટે ડિમોલિશન કરાયું હોવાની જાણકારી'
વિનુ મોરડિયાએ સૌથી ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે તેમને એવી માહિતી મળી છે કે આ સમગ્ર ડિમોલિશન પાછળ નાણાકીય લેવડદેવડનો મુદ્દો હોઈ શકે છે. તેમણે કહ્યું કે, "રૂપિયા લેવા માટે અધિકારીઓએ આ ડિમોલિશન કર્યું છે એવી મને જાણકારી છે."
જોકે, આ આક્ષેપ અંગે તેમણે કોઈ દસ્તાવેજી પુરાવા જાહેર કર્યા નથી, પરંતુ આ નિવેદન બાદ સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. જો આક્ષેપોની પુષ્ટિ થાય તો મામલો માત્ર વહીવટી ગેરરીતિ નહીં પરંતુ ભ્રષ્ટાચારના ગંભીર કેસમાં પરિવર્તિત થઈ શકે છે.
આ પણ વાંચો: કચ્છમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ મોટો પર્દાફાશ : 43.93 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 4 આરોપી ઝડપાયા
ઉચ્ચ સ્તરીય તપાસની માંગ
ધારાસભ્યએ રાજ્ય સરકાર અને ઉચ્ચ વહીવટી તંત્રને સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે. તેમના મતે સ્થાનિક સ્તરે થતી તપાસથી સત્ય બહાર આવવાની સંભાવના ઓછી છે. મોરડિયાએ જણાવ્યું કે સમગ્ર ઘટનાની તપાસ ઉચ્ચ અધિકારીઓ અથવા સ્વતંત્ર એજન્સી દ્વારા કરવામાં આવે જેથી જવાબદારો સામે કડક કાર્યવાહી થઈ શકે. તેમણે જણાવ્યું કે ગરીબ અને સામાન્ય પરિવારો સાથે અન્યાય થયો હોય તો તેમને ન્યાય મળવો જોઈએ.
રજા પર ઉતરેલા અધિકારીઓ સામે પણ કાર્યવાહીનો સંકેત
ધારાસભ્યએ જણાવ્યું કે જે અધિકારીઓ હાલમાં રજા પર ઉતરી ગયા છે અથવા પોતાને જવાબદારીમાંથી દૂર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમની ભૂમિકાની પણ તપાસ થવી જોઈએ. જો તપાસમાં કોઈપણ અધિકારી દોષિત સાબિત થશે તો તેની સામે કડક પગલાં લેવામાં આવશે તેવી તેમણે આશા વ્યક્ત કરી. તેમણે સ્પષ્ટ કર્યું કે સમગ્ર મામલો માત્ર એક ડિમોલિશનનો નથી, પરંતુ તેમાં ગરીબ પરિવારોના અધિકારો, વહીવટી પારદર્શિતા અને સરકારી તંત્રની જવાબદારીનો પ્રશ્ન જોડાયેલો છે.





