Home Gujarat Surat Surat Nasirnagar Demolition Controversy Congress Demand Investigation

ઘર તોડાયા, સપના તૂટ્યા, એક જ દિવસમાં ઉજડી ગઈ 100 પરિવારોની દુનિયા : ડિમોલિશન કરનારા અધિકારીઓની ભૂમિકા પર ઉઠ્યા સવાલો

ડિમોલિશન અને અધિકારીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 10, 2026, 07:19 AM IST

સુરત શહેરના નાસીરનગર વિસ્તારમાં થયેલા કથિત વિવાદાસ્પદ ડિમોલિશન મામલે હવે નવા પ્રશ્નો ઉભા થયા છે. ડિમોલિશનની સમગ્ર કાર્યવાહી કોના આદેશથી અને કયા વિભાગ દ્વારા કરવામાં આવી હતી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી, પરંતુ હવે સામે આવેલા વીડિયો અને ફોટોગ્રાફ્સે સમગ્ર મામલાને વધુ ચર્ચાસ્પદ બનાવી દીધો છે. કોંગ્રેસ અને અસરગ્રસ્ત પરિવારોનો આક્ષેપ છે કે પાલિકાના કેટલાક અધિકારીઓ કાર્યવાહી દરમિયાન સ્થળ પર હાજર હતા, છતાં હવે જવાબદારીમાંથી બચવા માટે તથ્યોને નકારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

અસરગ્રસ્તો અને સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ નાસીરનગર વિસ્તારમાં કરવામાં આવેલા ડિમોલિશનના કારણે આશરે 100 જેટલા પરિવારો બેઘર બન્યા છે. સૌથી ગંભીર બાબત એ છે કે ડિમોલિશન બાદ આ પરિવારો માટે કોઈ વૈકલ્પિક રહેઠાણ અથવા પુનર્વસન વ્યવસ્થા કરવામાં આવી નથી. જેના કારણે અનેક પરિવારો ખુલ્લા આકાશ નીચે જીવન ગુજારવા મજબૂર બન્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી : અમદાવાદ-ગાંધીનગરમાં ધમકીભર્યો ઈમેલ મળતા હડકંપ

વીડિયો અને ફોટાઓએ ઊભા કર્યા નવા સવાલો

ડિમોલિશન કાર્યવાહી દરમિયાનના કેટલાક વીડિયો અને ફોટોગ્રાફ્સ સામે આવ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ દ્રશ્યોમાં સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન સાથે સંકળાયેલા અધિકારી જયાંગ રામજીવાલા સ્થળ પર હાજર હોવાનું દેખાતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિકોનું કહેવું છે કે અગાઉ કેટલાક અધિકારીઓએ પોતે સ્થળ પર હાજર ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ હવે સામે આવેલા દ્રશ્યો તેમના નિવેદનો પર સવાલ ઉભા કરી રહ્યા છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે કાર્યવાહી દરમિયાન કેટલાક અધિકારીઓ દાદાગીરીભર્યા વલણ સાથે વર્ત્યા હતા અને અસરગ્રસ્તોની રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવી નહોતી. હવે વીડિયો અને ફોટોગ્રાફ્સ સામે આવતા સમગ્ર ઘટનાક્રમની નિષ્પક્ષ તપાસની માંગ વધુ જોર પકડી રહી છે.

આ પણ વાંચો: જામા મસ્જિદ કે જૈન સમરી વિહાર? : ભરૂચમાં ઐતિહાસિક ઓળખનો વિવાદ વધ્યો, 700 વર્ષથી બંધ ભોંયરાનો વીડિયો જાહેર

બિલ્ડરના હિતમાં કાર્યવાહી થઈ હોવાનો આરોપ

કોંગ્રેસ અને અસરગ્રસ્ત પરિવારો દ્વારા વધુ એક ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ સમગ્ર ડિમોલિશન કાર્યવાહી બિલ્ડરના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આક્ષેપો મુજબ પોલીસ અને પાલિકાના કેટલાક તત્વોએ બિલ્ડરના ઇશારે કામ કરીને ગરીબ પરિવારો પર દબાણ ઊભું કર્યું હતું.

અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે તેમને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા વિના જ સ્થળ ખાલી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. કેટલાક પરિવારોનો દાવો છે કે પોલીસ અને પાલિકાના દબાણના કારણે તેઓએ પોતાના ઘરો ખાલી કર્યા હતા, ત્યારબાદ તરત જ ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આક્ષેપો સાચા હોય તો સમગ્ર મામલો માત્ર વહીવટી નહીં પરંતુ કાયદાકીય તપાસનો વિષય બની શકે છે.

કોંગ્રેસ મેદાને, પોલીસ કમિશનરને રજૂઆત

આ સમગ્ર મામલે કોંગ્રેસ હવે ખુલ્લેઆમ મેદાનમાં આવી છે. કોંગ્રેસના આગેવાનો અસરગ્રસ્ત પરિવારો સાથે પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી હતી. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે ગરીબ અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને અન્યાય થયો છે અને તેમના હકોનું હનન કરવામાં આવ્યું છે.

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સમગ્ર મામલે તંત્ર દ્વારા પારદર્શિતા જાળવવામાં આવી નથી. ડિમોલિશન માટે જરૂરી કાનૂની પ્રક્રિયા, નોટિસ અને પુનર્વસનની વ્યવસ્થાઓનું પાલન થયું હતું કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. પક્ષના નેતાઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે જો દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે.

પાલિકા કમિશનરને લેખિત ફરિયાદ

અસરગ્રસ્તો અને કોંગ્રેસના પ્રતિનિધિઓ દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત પણ કરવામાં આવી છે. રજૂઆતમાં ડિમોલિશન કાર્યવાહી સાથે સંકળાયેલા અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવાની અને જો કોઈ ગેરરીતિ સાબિત થાય તો તેમની સામે ફોજદારી ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.

ફરિયાદમાં ખાસ કરીને એ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે કે જો પાલિકાના અધિકારીઓ સ્થળ પર હાજર હતા તો ત્યારબાદ તેઓએ પોતાની હાજરી કેમ નકારી કાઢી? સાથે જ કાર્યવાહી દરમિયાન કયા વિભાગે કઈ જવાબદારી નિભાવી હતી તેની પણ વિગત જાહેર કરવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો: પાણીના એક ટીપા માટે સંઘર્ષ : ગુજરાતના આ ગામમાં 90% માલધારીઓએ કરી હિજરત

ગરીબ પરિવારો માટે ન્યાયની માંગ

અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે ડિમોલિશન બાદ તેમની પાસે રહેવા માટે કોઈ વ્યવસ્થા નથી. મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સહિતના અનેક લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન પસાર કરી રહ્યા છે. તેમના મતે જો કાર્યવાહી કાયદેસર હતી તો પણ પુનર્વસન અને માનવતાવાદી વ્યવસ્થાઓ કરવી તંત્રની જવાબદારી હતી.

કોંગ્રેસે પણ આ મુદ્દે સરકાર અને તંત્રને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. પક્ષના આગેવાનોનું કહેવું છે કે ગરીબ લોકોને બેઘર કરીને વિકાસના નામે કાર્યવાહી કરવી યોગ્ય નથી. જો અસરગ્રસ્તોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now