Home Gujarat Surat Aslam Cyclewala Allegations Nasir Nagar Demolition Case Surat

સુરતમાં 'ઓપરેશન મિસ્ટર ઈન્ડિયા'નો ભેદ ખૂલ્યો! : બિલ્ડરના હિત માટે 'ડિમોલિશન' ના આક્ષેપ, મામલો પહોંચ્યો હાઇકોર્ટ

અસ્લમ સાઇકલવાલા
Published by: Chintan Chavda
Last Updated: Jun 09, 2026, 07:51 AM IST

સુરતના નાસિરનગર વિસ્તારમાં 100થી વધુ મકાનો તોડી પાડવાના વિવાદાસ્પદ મામલે હવે નવા પ્રશ્નો ઊભા થયા છે. જે બિલ્ડરના હિત માટે રસ્તો બનાવવા મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, તે જ પ્રોજેક્ટના કેટલાક ભાગ માટે જરૂરી મંજૂરી ન હોવાનું સામે આવતાં વિવાદ વધુ ઘેરાયો છે. આ દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા સંબંધિત બાંધકામ અંગે નોટિસ ફટકારવામાં આવી છે, જ્યારે સમગ્ર મામલે હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

સ્થાનિકો અને અરજદારોનો આક્ષેપ છે કે નાસિરનગર વિસ્તારમાં 100થી વધુ મકાનો તોડી પાડીને રસ્તો બનાવવામાં આવ્યો હતો, જેથી ખાનગી પ્રોજેક્ટને લાભ મળી શકે. જોકે આ ડિમોલિશનની જવાબદારી કોણે લીધી અને કયા અધિકાર હેઠળ કાર્યવાહી થઈ તે મુદ્દે હજુ પણ સ્પષ્ટતા થઈ નથી.

અસ્લમ સાઇકલવાલાના ગંભીર આક્ષેપ

સુરત કોંગ્રેસના નેતા અસ્લમ સાઇકલવાલાએ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા અને સંબંધિત બિલ્ડર સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

તેમણે જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા 30 મેના રોજ આપવામાં આવેલી નોટિસમાં ત્રણ અલગ-અલગ સર્વે નંબરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમના જણાવ્યા મુજબ વોર્ડ નંબર-7 દસ્તીપુરા વિસ્તારના સર્વે નંબર 1267, 1268-અ અને 1268-બનો સમાવેશ થાય છે.

અસ્લમ સાઇકલવાલાના જણાવ્યા અનુસાર સર્વે નંબર 1268-બ એ વિસ્તાર છે જ્યાં નાસિરનગરના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા, જ્યારે 1268-અ પર હાલ બાંધકામ ચાલી રહ્યું છે અને તેના માટે મંજૂર પ્લાન ઉપલબ્ધ હોવાનું કહેવાય છે. જોકે સર્વે નંબર 1267 માટે કોઈ મંજૂર પ્લાન અથવા બાંધકામ પરવાનગી આપવામાં આવી નથી, તેમ છતાં ત્યાં બાંધકામ ચાલી રહ્યું હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
મંજૂરી વગર બાંધકામ છતાં કાર્યવાહી કેમ નહીં?

કોંગ્રેસ નેતાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો બાંધકામ માટે જરૂરી મંજૂરીઓ ઉપલબ્ધ નથી તો સુરત મહાનગરપાલિકા દ્વારા કડક કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. તેમણે આક્ષેપ કર્યો કે સામાન્ય નાગરિકો સામે તંત્ર ઝડપથી કાર્યવાહી કરે છે, પરંતુ મોટા પ્રોજેક્ટ્સ સામે કાયદાનો અમલ સમાન રીતે થતો નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે મનપાએ બાંધકામ અટકાવવા કે તોડફોડની કાર્યવાહી કરવાને બદલે માત્ર વરસાદી સિઝનને ધ્યાનમાં રાખીને ખાડા પૂરવા અને સલામતી જાળવવા અંગેની નોટિસ આપી છે. જેના કારણે સમગ્ર કાર્યવાહી માત્ર ઔપચારિકતા અથવા "લીપાપોતી" હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

સ્થાનિકોનું પણ કહેવું છે કે બેઝમેન્ટ સુધીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું હોવા છતાં સંબંધિત વિભાગો દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે અનેક સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો: ઓપરેશન 'મિસ્ટર ઇન્ડિયા'! : 100 મકાન તૂટ્યા, મનપા અજાણ, ધારાસભ્ય અજાણ... તો આ JCB ચલાવતું હતું કોણ?

100 મકાનો કોણે તોડ્યા? હજુ પણ જવાબની રાહ

નાસિરનગર ડિમોલિશન કેસમાં સૌથી મોટો પ્રશ્ન હજુ પણ અનઉત્તરિત છે કે 100થી વધુ મકાનો તોડવાની કાર્યવાહી કોણે કરી હતી. અસરગ્રસ્ત પરિવારો લાંબા સમયથી જવાબદારો સામે કાર્યવાહી અને ન્યાયની માંગ કરી રહ્યા છે.

હાલ સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી પહોંચી ગયો છે અને કોર્ટમાં દાખલ અરજી બાદ હવે આ કેસના વિવિધ પાસાઓ પર કાનૂની સમીક્ષા થવાની શક્યતા છે. ડિમોલિશન, બાંધકામ મંજૂરી, મનપાની કાર્યવાહી અને સંબંધિત પક્ષોની ભૂમિકા અંગેના પ્રશ્નોના જવાબ હવે કોર્ટની પ્રક્રિયા અને સત્તાવાર તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now