Home Gujarat Ahmedabad Gandhinagar Bomb Threat Email Security Alert June 2026

CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી : અમદાવાદ-ગાંધીનગરમાં ધમકીભર્યો ઈમેલ મળતા હડકંપ

બોમ્બ ધમકી બાદ એક્ટિવ તંત્રના દ્રશ્યો
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Jun 10, 2026, 07:15 AM IST

ગુજરાતની રાજધાની ગાંધીનગર અને અમદાવાદમાં મંગળવારે બોમ્બ બ્લાસ્ટની ધમકીભર્યા ઈમેલ મળતાં સુરક્ષા એજન્સીઓમાં ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી કાર્યાલય (CMO), અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની મુખ્ય કચેરી અને RSS કાર્યાલયને નિશાન બનાવતી ધમકીઓ મળતાં પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને સાયબર ક્રાઈમ વિભાગ તાત્કાલિક હરકતમાં આવી ગયા છે.

પ્રાથમિક માહિતી મુજબ, અજાણ્યા ઈમેલ આઈડી પરથી મોકલાયેલા સંદેશામાં અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક મહત્વપૂર્ણ સ્થળોએ બોમ્બ વિસ્ફોટ કરવાની ધમકી આપવામાં આવી હતી. ઈમેલમાં ખાસ કરીને મુખ્યમંત્રી કાર્યાલય, AMC કચેરી અને RSS કાર્યાલયનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.

CMO ખાતે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક

ગાંધીનગર સ્થિત મુખ્યમંત્રી કાર્યાલયને ધમકી મળ્યા બાદ સમગ્ર પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે. પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા કચેરી અને આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ધમકીમાં બપોરે 1:11 વાગ્યે વિસ્ફોટ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે સમાચાર લખાઈ રહ્યા હતા ત્યાં સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી હોવાની સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નહોતી. અધિકારીઓ હાલ ધમકીની સત્યતા અને તેના સ્ત્રોતની તપાસ કરી રહ્યા છે.
AMC દાણાપીઠ કચેરી ખાલી કરાવાઈ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ સ્થિત મુખ્ય કચેરીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે સમગ્ર ઓફિસ ખાલી કરાવવામાં આવી હતી.

કર્મચારીઓ અને મુલાકાતીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને પોલીસની ટીમોએ બિલ્ડિંગની સઘન તપાસ હાથ ધરી હતી. કચેરીના તમામ માળ અને જાહેર વિસ્તારોની તપાસ કરીને સુરક્ષા ચકાસણી કરવામાં આવી હતી.

જામા મસ્જિદ કે જૈન સમરી વિહાર?: ભરૂચમાં ઐતિહાસિક ઓળખનો વિવાદ વધ્યો, 700 વર્ષથી બંધ ભોંયરાનો વીડિયો જાહેર

RSS કાર્યાલયનો પણ ઈમેલમાં ઉલ્લેખ

ધમકીભર્યા ઈમેલમાં RSS કાર્યાલયને પણ નિશાન બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ માહિતી મળતાં સંબંધિત સ્થળોએ પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે અને પોલીસ દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પ્રકારની ધમકીઓને સુરક્ષા એજન્સીઓ ગંભીરતાથી લે છે, ભલે તે પાછળથી ખોટી સાબિત થાય. તેથી તમામ સંવેદનશીલ સ્થળોએ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

અગાઉ પણ આવી ધમકીઓ મળી ચૂકી છે

છેલ્લા કેટલાક સમયથી દેશભરના વિવિધ શહેરોમાં સરકારી કચેરીઓ, એરપોર્ટ, શાળાઓ અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવીને ઈમેલ મારફતે બોમ્બ ધમકીઓ આપવાના બનાવો સામે આવ્યા છે. ઘણી વખત આવી ધમકીઓ ખોટી સાબિત થઈ છે, પરંતુ સુરક્ષા દૃષ્ટિએ દરેક ઘટનાની ગંભીરતાથી તપાસ કરવામાં આવે છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં મળેલી તાજેતરની ધમકીના મામલે પણ સુરક્ષા એજન્સીઓ કોઈ જોખમ લેવા તૈયાર નથી અને સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ જ ધમકીની વાસ્તવિકતા અંગે સ્પષ્ટતા થઈ શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now