Home Gujarat Kutch Cyber Crime Mule Hunt 2 Gandhidham Fraud 43 Crore

કચ્છમાં ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ હેઠળ મોટો પર્દાફાશ : 43.93 કરોડના સાયબર ફ્રોડ કેસમાં 4 આરોપી ઝડપાયા

કચ્છમાં ઓપરેશન મ્યુલ હંટ 2.0
Published by: Chintan Chavda
Last Updated: Jun 10, 2026, 07:48 AM IST

પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસને ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત મોટી સફળતા મળી છે. ગાંધીધામ કેન્દ્રિત એક એવા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જે મ્યુલ એકાઉન્ટ્સ મારફતે દેશભરમાં થયેલી કરોડો રૂપિયાની ઓનલાઈન ઠગાઈની રકમની હેરફેર કરતું હતું. પોલીસે અત્યાર સુધીમાં 43.93 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ ટ્રાન્ઝેક્શનનો ખુલાસો કર્યો છે અને આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

તપાસ દરમિયાન સામે આવ્યું છે કે 105થી વધુ બેંક ખાતાઓનો ઉપયોગ વિવિધ પ્રકારની ઓનલાઈન ઠગાઈની રકમ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવતો હતો. આ સમગ્ર નેટવર્કના તાર માત્ર ગુજરાત સુધી સીમિત ન રહી શ્રીલંકા સુધી પહોંચતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે.
ઘર તોડાયા, સપના તૂટ્યા, એક જ દિવસમાં ઉજડી ગઈ 100 પરિવારોની દુનિયા: ડિમોલિશન કરનારા અધિકારીઓની ભૂમિકા પર ઉઠ્યા સવાલો

ચાર આરોપીઓ ઝડપાયા, અન્ય ચારની શોધખોળ ચાલુ

પૂર્વ કચ્છ પોલીસે આ કેસમાં દેવેન્દ્રસિંહ અનિરુદ્ધસિંહ રાણા, જૈનિતભાઈ ભરતભાઈ કન્નર, ચિરાગસિંહ બળવંતસિંહ ઝાલા અને શબીર અકબર લોહારની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) તથા માહિતી પ્રૌદ્યોગિકી અધિનિયમ (IT Act) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ તપાસમાં અત્યાર સુધી કુલ આઠ લોકોની સંડોવણી સામે આવી છે. જેમાંથી ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે જયરાજસિંહ જયેન્દ્રસિંહ રાણા, રાજભા ગાંડોજી વાઘેલા, કનૈયાલાલ ઠક્કર અને દીપક ઠક્કર સહિતના અન્ય આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.

મ્યુલ એકાઉન્ટ્સ શું છે?

સાયબર ગુનેગારો દ્વારા ઘણી વખત સામાન્ય લોકોના બેંક ખાતાઓનો ઉપયોગ ગેરકાયદેસર નાણાંની હેરફેર માટે કરવામાં આવે છે. આવા ખાતાઓને ‘મ્યુલ એકાઉન્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે ખાતાધારકોને નાની કમિશન અથવા અન્ય લાલચ આપીને તેમનું બેંક એકાઉન્ટ, ATM કાર્ડ, ચેકબુક અથવા નેટબેન્કિંગ સુવિધા ગુનેગારોને સોંપાવી દેવામાં આવે છે.

પોલીસના જણાવ્યા મુજબ, ગાંધીધામ અને આદિપુર વિસ્તારના કેટલાક લોકો પોતાના ખાતા કમિશનના લોભમાં અન્ય લોકોને આપતા હતા, જેના મારફતે સાયબર ઠગાઈની રકમનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું.
જામા મસ્જિદ કે જૈન સમરી વિહાર?: ભરૂચમાં ઐતિહાસિક ઓળખનો વિવાદ વધ્યો, 700 વર્ષથી બંધ ભોંયરાનો વીડિયો જાહેર

90થી વધુ ફરિયાદો, દેશભરના રાજ્યો સાથે કનેક્શન

ભારત સરકારના નેશનલ સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન પ્લેટફોર્મ પર આ બેંક ખાતાઓ સાથે સંકળાયેલી 90થી વધુ ફરિયાદો નોંધાઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ખાતાઓમાં કર્ણાટક, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ, બિહાર અને તેલંગાણા સહિતના અનેક રાજ્યોમાં થયેલા સાયબર ગુનાઓની રકમ જમા થતી હતી.

આ ફરિયાદો મુખ્યત્વે ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ, પાર્ટ-ટાઇમ જોબ ફ્રોડ, OLX ઠગાઈ, APK ફાઇલ આધારિત છેતરપિંડી, AI આધારિત રોકાણ યોજનાઓ અને ઓનલાઈન ગેમિંગ ફ્રોડ સાથે સંબંધિત હોવાનું સામે આવ્યું છે.

ગાંધીધામથી શ્રીલંકા સુધી પહોંચતું નેટવર્ક

તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે બેંક કીટ, ઈમેઈલ આઈડી અને પાસવર્ડ જેવી મહત્વપૂર્ણ માહિતી ગાંધીધામથી શ્રીલંકા સુધી પહોંચાડવામાં આવતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, નેટવર્કના કેટલાક ઓપરેટરો વિદેશમાંથી સમગ્ર ગતિવિધિનું સંચાલન કરતા હોવાની માહિતી મળી છે.

પૂર્વ કચ્છના પોલીસ અધિકારીઓ હવે આ આંતરરાષ્ટ્રીય કનેક્શનની પણ ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. વિદેશી નેટવર્ક સાથેના સંબંધોને ધ્યાનમાં રાખીને અન્ય કેન્દ્રીય એજન્સીઓની મદદ પણ લેવામાં આવી શકે છે.
અમદાવાદ સહિત મોટા શહેરોમાંથી ઇન્ડસ્ટ્રીઝ બહાર ખસેડવા Project THRIVE: જાણો ગુજરાત સરકારનો પ્રસ્તાવ કેવી રીતે કામ કરશે?

7 મોબાઈલ ફોન કબ્જે, ડિજિટલ પુરાવાઓની તપાસ

પોલીસે કાર્યવાહી દરમિયાન 7 મોબાઈલ ફોન કબ્જે કર્યા છે. આ ઉપકરણોમાંથી મળતા ડિજિટલ ડેટા, ચેટ્સ, બેંકિંગ માહિતી અને અન્ય ઇલેક્ટ્રોનિક પુરાવાઓની ફોરેન્સિક તપાસ કરવામાં આવી રહી છે.

તપાસ અધિકારીઓનું માનવું છે કે આ ડિજિટલ પુરાવાઓના આધારે નેટવર્કના અન્ય સભ્યો અને તેના આંતરરાજ્ય તેમજ આંતરરાષ્ટ્રીય જોડાણો અંગે વધુ મહત્વની માહિતી મળી શકે છે.

એસપી સાગર બાગમારનું નિવેદન

પૂર્વ કચ્છ એસપી સાગર બાગમારે જણાવ્યું હતું કે ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.0’ અંતર્ગત સાયબર ક્રાઇમ ટીમે મ્યુલ એકાઉન્ટ્સના સંગઠિત નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. અત્યાર સુધીમાં 105થી વધુ મ્યુલ એકાઉન્ટ્સની વિગતો મળી છે અને આશરે 44 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે.

તેમણે જણાવ્યું કે ઘણા ખાતાધારકો નાની કમિશનના લોભમાં પોતાના બેંક ખાતાઓ અન્ય લોકોને ઉપયોગ માટે આપતા હતા. આવા ખાતાઓનો ઉપયોગ દેશભરના સાયબર ફ્રોડમાં થતી રકમને એક જગ્યાથી બીજી જગ્યાએ ખસેડવા માટે કરવામાં આવતો હતો.
અમદાવાદ-ગાંધીનગરમાં ત્રણ બોમ્બની ધમકીમાં એક આંકડો કોમન: 1:11 વાગ્યે CM ઓફિસ, 3:11 AMC અને 5:11 પર RSS કાર્યાલય ટાર્ગેટ ટાઈમથી સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ

પોલીસની જનતાને અપીલ

પૂર્વ કચ્છ પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈપણ વ્યક્તિ પૈસાની લાલચમાં પોતાનું બેંક ખાતું, ATM કાર્ડ, ચેકબુક, SIM કાર્ડ અથવા નેટબેન્કિંગની વિગતો અન્ય કોઈને ન આપે.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે આવી વિગતોનો ઉપયોગ સાયબર ગુનાઓમાં થઈ શકે છે અને ખાતાધારક પણ કાયદાકીય મુશ્કેલીમાં ફસાઈ શકે છે. કોઈ શંકાસ્પદ ઓફર અથવા કમિશનના બદલામાં બેંકિંગ સુવિધા આપવાની માંગ કરવામાં આવે તો તાત્કાલિક પોલીસ અથવા સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કરવાની અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now