Home Gujarat Bharuch Jama Masjid Basement Video Controversy Asi Investigation

જામા મસ્જિદ કે જૈન સમરી વિહાર? : ભરૂચમાં ઐતિહાસિક ઓળખનો વિવાદ વધ્યો, 700 વર્ષથી બંધ ભોંયરાનો વીડિયો જાહેર

જામા મસ્જિદમાં મળેલી મૂર્તીની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 10, 2026, 06:25 AM IST

ભરૂચ શહેરની ઐતિહાસિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે ઓળખાતી જામા મસ્જિદને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. સંતસમાજના આગેવાન મુક્તાનંદ સ્વામીએ તાજેતરમાં એક વીડિયો જાહેર કરીને મસ્જિદના વર્ષોથી બંધ રહેલા ભોંયરામાં પ્રાચીન પ્રતિમાઓ અને કોતરણીવાળા અવશેષો મળ્યાનો દાવો કર્યો છે. આ વીડિયો માર્ચ મહિનામાં પુરાતત્વ વિભાગની હાજરીમાં થયેલી તપાસ દરમિયાન તૈયાર કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મુક્તાનંદ સ્વામીના જણાવ્યા મુજબ ભોંયરામાં એક કોતરણીવાળી શીલા જોવા મળી છે, જેમાં જૈન પરંપરા સાથે સંકળાયેલી પ્રતિમાઓ હોવાના પુરાવા હોવાનું તેઓ કહી રહ્યા છે. તેમણે વધુમાં એવો પણ દાવો કર્યો છે કે જો મસ્જિદ પરિસરમાં આવેલા કૂવાની વૈજ્ઞાનિક રીતે સફાઈ કરવામાં આવે તો ત્યાંથી વધુ પ્રાચીન મૂર્તિઓ અને ઐતિહાસિક અવશેષો મળી શકે છે.

6 મહિનાથી ચાલી રહ્યો છે વિવાદ

જામા મસ્જિદને લઈને છેલ્લા કેટલાક મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. સંતસમાજ અને કેટલાક ધાર્મિક સંગઠનોનો દાવો છે કે આ સ્થળ મૂળ જૈન સમરી વિહાર તેમજ શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હતું. આ દાવાઓને લઈને વિવિધ સ્તરે રજૂઆતો અને આંદોલનો કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મામલો ગંભીર બનતા પુરાતત્વ વિભાગ દ્વારા સ્થળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

વર્ષોથી બંધ રહેલા ભોંયરાનો દરવાજો ખોલીને કરવામાં આવેલી તપાસ દરમિયાન કેટલાક પ્રાચીન શિલ્પો અને પ્રતિમા સ્વરૂપ અવશેષો જોવા મળ્યા હતા. મુક્તાનંદ સ્વામી અને જૈન પક્ષનો દાવો છે કે તેમાં 19મા જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથની પ્રતિમા સહિત અન્ય જૈન દેવી-દેવતાઓના ચિહ્નો જોવા મળે છે. કેટલાક અવશેષો પર સંવત 1213નો ઉલ્લેખ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: પાણીના એક ટીપા માટે સંઘર્ષ : ગુજરાતના આ ગામમાં 90% માલધારીઓએ કરી હિજરત

પુરાતત્વ વિભાગ હેઠળ સંરક્ષિત સ્મારક

ભરૂચની જામા મસ્જિદ હાલમાં Archaeological Survey of India (ASI) હેઠળ સંરક્ષિત સ્મારક તરીકે નોંધાયેલ છે. આ ઇમારત ‘Centrally Protected Monument’ તરીકે જાહેર કરવામાં આવી છે, જેના કારણે અહીં કોઈપણ પ્રકારના ફેરફાર, બાંધકામ કે ખોદકામ માટે પુરાતત્વ વિભાગની મંજૂરી જરૂરી બને છે.

તપાસ બાદ પુરાતત્વ વિભાગ દ્વારા સમગ્ર પ્રક્રિયાનો વીડિયો દસ્તાવેજ તૈયાર કરીને ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જોકે, વિભાગ તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર જાહેર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. તેથી ભોંયરામાં મળેલા અવશેષોની ચોક્કસ ઐતિહાસિક ઓળખ અને તેના તારણ અંગે સત્તાવાર પુષ્ટિ થવાની રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની ગણતરી શરૂ : આ દિવસથી વરસાદી માહોલ જામવાની શક્યતા; જાણો IMD ની લેટેસ્ટ આગાહી

પરિસરમાં શરૂ થઈ કાર્યવાહી

પ્રતિમાઓ અને પ્રાચીન અવશેષો મળ્યાના દાવા બાદ તંત્ર દ્વારા મસ્જિદ પરિસરમાં કેટલાક પગલાં લેવામાં આવ્યા છે. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભોંયરા તરફ જતો એક મુખ્ય પ્રવેશદ્વાર હાલ પૂરતો બંધ કરી દેવાયો હોવાનું જાણવા મળે છે.

આ ઉપરાંત પુરાતત્વ વિભાગની મંજૂરી વિના ઊભા કરાયેલા કેટલાક માળખાં, વજુખાના તેમજ અન્ય સુવિધાઓ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તંત્રનું કહેવું છે કે સંરક્ષિત સ્મારક હોવાના કારણે નિયમોનું પાલન અનિવાર્ય છે અને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

ઐતિહાસિક ઓળખને લઈને બંને પક્ષો સામસામે

આ સમગ્ર વિવાદનું કેન્દ્રબિંદુ ઇમારતની મૂળ ઓળખ છે. જૈન અને હિન્દુ સંગઠનોનો દાવો છે કે 13મી સદી દરમિયાન અલાઉદ્દીન ખીલજીના શાસનકાળમાં મૂળ જૈન સમરી વિહારને મસ્જિદમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો. તેઓ દલીલ કરે છે કે ઇમારતના અનેક સ્તંભો અને કોતરણીઓમાં આજે પણ જૈન સ્થાપત્યની છાપ જોવા મળે છે.

બીજી તરફ મુસ્લિમ સમાજ આ સ્થળને સદીઓથી જામા મસ્જિદ તરીકે ઓળખે છે અને અહીં નિયમિત રીતે ધાર્મિક વિધિઓ તથા શુક્રવારની નમાજ અદા કરવામાં આવતી રહી છે. મુસ્લિમ પક્ષનું કહેવું છે કે મસ્જિદનું અસ્તિત્વ લાંબા સમયથી સત્તાવાર દસ્તાવેજોમાં નોંધાયેલ છે અને તેને લઈને અચાનક ઊભો કરાયેલો વિવાદ અનાવશ્યક છે.

આ પણ વાંચો: ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષા 11 જૂનથી શરૂ : અમદાવાદમાં 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

બંને પક્ષોના દાવા

શંકરાચાર્ય મઠના મહંત મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું કે ભોંયરામાંથી મળેલા અવશેષો તેમના દાવાને વધુ મજબૂત બનાવે છે. તેમના કહેવા મુજબ આ સ્થળ જૈન સમરી વિહાર અને ચક્રધર સ્વામી સાથે જોડાયેલું ઐતિહાસિક સ્થાન છે અને તેની મૂળ ઓળખને પુનઃસ્થાપિત કરવા માટે કાયદેસરની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે.

બીજી તરફ જામા મસ્જિદના ટ્રસ્ટી અબ્દુલ કામઠીએ આ તમામ દાવાઓને ફગાવતા જણાવ્યું છે કે મસ્જિદ વર્ષ 1907થી સરકારી ગેઝેટમાં નોંધાયેલી છે અને તેનું સંચાલન વક્ફ બોર્ડ હેઠળ રજિસ્ટર્ડ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે કેટલાક તત્વો જાણીજોઈને નવો વિવાદ ઊભો કરી રહ્યા છે અને ટ્રસ્ટ કાયદાકીય રીતે પોતાનો પક્ષ રજૂ કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now