દેશના અનેક રાજ્યોમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે અને અત્યાર સુધીમાં 16થી વધુ રાજ્યોમાં તેની એન્ટ્રી થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ગુજરાતમાં પણ ચોમાસાના આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 12 જૂને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે 13 જૂનથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જમવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જો કે, ચોમાસાની સત્તાવાર એન્ટ્રી પહેલાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમી અને બફારાનો ત્રાસ યથાવત રહેવાનો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે રાજ્યમાં સૌથી વધુ રહ્યું હતું. પરિણામે એક તરફ ચોમાસાની આશા અને બીજી તરફ અસહ્ય ગરમી વચ્ચે લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યા છે.
આગામી સાત દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નહીં
હવામાન વિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની શક્યતા નથી. હાલ રાજ્યના નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ભેજનું પ્રમાણ વધી રહ્યું છે અને બફારો અનુભવાઈ રહ્યો છે.
ગુજરાત બોર્ડની ‘બેસ્ટ ઓફ ટુ’ પરીક્ષા 11 જૂનથી શરૂ: અમદાવાદમાં 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત
આગામી ત્રણ દિવસ દરમિયાન, એટલે કે 13 જૂનની સવાર સુધી, દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા-નગર હવેલી વિસ્તારમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે. જોકે વાદળછાયું વાતાવરણ અને ભેજના કારણે ઉકળાટમાં વધારો થઈ શકે છે.
13 જૂનથી વરસાદનો વ્યાપ વધશે
હવામાન વિભાગના અનુમાન મુજબ 13 જૂનથી રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિઓનો વ્યાપ વધવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને મહિસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક અન્ય વિસ્તારોમાં હવામાન હજુ સૂકું રહે તેવી શક્યતા છે.
નિયમ તોડી PG ના નામે રૂપિયા છાપનારાઓ પર તવાઇ: અમદાવાદના પોશવિસ્તારમાં ગેરકાયદે ચાલતા 4 PG ને AMC એ સીલ કર્યા
14 અને 15 જૂને વધુ વિસ્તારોમાં વરસાદની સંભાવના
14 અને 15 જૂન દરમિયાન વરસાદી પ્રવૃત્તિઓમાં વધુ વધારો જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે રાજ્યના બાકીના કેટલાક વિસ્તારોમાં હજી પણ સૂકું હવામાન યથાવત રહેવાની સંભાવના છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પવનની અસર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદી પ્રવૃત્તિઓ પાછળનું મુખ્ય કારણ નીચલા સ્તરે ફૂંકાતા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો છે. ઉપરાંત 11 જૂનથી પશ્ચિમ હિમાલયન વિસ્તારમાં સક્રિય થનારું નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ હવામાનની સ્થિતિ પર પરોક્ષ અસર કરી શકે છે.
16 થી 18 જૂન દરમિયાન હવામાનમાં મોટા ફેરફારની શક્યતા નથી. જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જ્યારે અન્ય વિસ્તારોમાં ગરમી અને ભેજ યથાવત રહી શકે છે.
અમદાવાદમાં હજુ રાહતના સંકેત નહીં
અમદાવાદમાં હાલમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે, જે સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધુ છે. આગામી દિવસોમાં પણ શહેરમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, પરંતુ તાપમાનમાં ખાસ ઘટાડો થવાની શક્યતા દેખાતી નથી.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી અઠવાડિયા દરમિયાન અમદાવાદમાં મહત્તમ તાપમાન 41થી 42 ડિગ્રીની આસપાસ રહી શકે છે. સાથે ભેજનું પ્રમાણ વધતાં બફારાનો અનુભવ વધુ થઈ શકે છે. તેથી ચોમાસાની રાહ જોઈ રહેલા અમદાવાદવાસીઓને હજુ થોડા દિવસો ગરમીનો સામનો કરવો પડી શકે છે.
વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઇવે પર યમરાજનો અડિંગો!: રિવર્સ આવતી પીકઅપ પાછળ ઘૂસી ગઇ ઇકો, પત્ની અને બાળકોની સામે જ જીવતા સળગ્યા પિતા
દેશભરમાં ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે
રાષ્ટ્રીય સ્તરે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના વધુ વિસ્તારો સુધી પહોંચી ગયું છે. આગામી બે-ત્રણ દિવસમાં ચોમાસું છત્તીસગઢ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
ગુજરાતમાં પણ ચોમાસાની પ્રગતિ માટે અનુકૂળ વાતાવરણ સર્જાઈ રહ્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાતથી વરસાદી સીઝનની શરૂઆત થઈને આગામી દિવસોમાં રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી પ્રવૃત્તિઓ વધે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.






