Home Gujarat Kutch Banni Udai Village Water Crisis Maldhari Migration

પાણીના એક ટીપા માટે સંઘર્ષ : ગુજરાતના આ ગામમાં 90% માલધારીઓએ કરી હિજરત

પાણીની સમસ્યાની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 10, 2026, 05:56 AM IST

કચ્છના બન્ની વિસ્તારના અંતરિયાળ ઉડઈ ગામમાંથી પાણીની ગંભીર અછતની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. આશરે 600 લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં પીવાના પાણીની સમસ્યા એટલી વિકટ બની ગઈ છે કે ગામના લગભગ 90 ટકા માલધારીઓ પોતાના પશુધન સાથે હિજરત કરવા મજબૂર બન્યા છે. ગામમાં અનેક ઘરો પર તાળા લાગી ગયા છે અને એક સમયના પશુપાલનથી ધમધમતા વાંઢ આજે ખાલી જોવા મળી રહ્યા છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ગામમાં ત્રણ દિવસે માત્ર ચાર કલાક પાણી પૂરું પાડવામાં આવે છે. પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરવી જ મુશ્કેલ બની રહી છે ત્યારે પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવી માલધારીઓ માટે લગભગ અશક્ય બની ગઈ છે. પરિણામે મોટી સંખ્યામાં પરિવારો પોતાના પશુઓ સાથે ભુજ તાલુકાના માધાપર, પધ્ધર, લાખોદ અને અન્ય વિસ્તારો તરફ સ્થળાંતર કરી ચૂક્યા છે.

પાણીના અભાવે વધ્યું સ્થળાંતર

ઉડઈ ગામના સ્થાનિક અગ્રણી કાસિમ નોડેએ જણાવ્યું કે વર્ષોથી પાણીની સમસ્યા યથાવત છે, પરંતુ હાલની સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ગામમાં રહેતા લોકો માટે રોજિંદું જીવન મુશ્કેલ બન્યું છે. પશુપાલન બન્ની વિસ્તારની મુખ્ય આજીવિકા છે અને જ્યારે પશુઓ માટે જ પાણી ઉપલબ્ધ ન રહે ત્યારે માલધારીઓ પાસે હિજરત સિવાય કોઈ વિકલ્પ બચતો નથી.

ગામમાં હાલ માત્ર 8 થી 10 જેટલા માલધારી પરિવારો જ બાકી રહ્યા હોવાનું જણાવવામાં આવે છે. બાકીના મોટાભાગના પરિવારો પોતાના પશુધનને બચાવવા માટે અન્ય વિસ્તારોમાં જવા મજબૂર બન્યા છે. ખાલી પડેલા મકાનો અને સૂમસામ બનેલું ગામ પાણી સંકટની ગંભીરતા સ્પષ્ટ રીતે દર્શાવે છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીની ગણતરી શરૂ : આ દિવસથી વરસાદી માહોલ જામવાની શક્યતા; જાણો IMD ની લેટેસ્ટ આગાહી

ટેન્કર પર નિર્ભર બન્યા માલધારીઓ

ગામમાં હજુ પણ રહેતા માલધારીઓ પોતાના ખર્ચે પાણીના ટેન્કરો મંગાવીને પશુઓનો નિભાવ કરી રહ્યા છે. સ્થાનિક માલધારી જાફરભાઈ જુણેજાના જણાવ્યા મુજબ એક ટેન્કર માટે 1500 થી 1700 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડે છે. સતત વધતા ખર્ચ વચ્ચે પશુપાલન ચાલુ રાખવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે.

ગ્રામજનોનો આક્ષેપ છે કે પાણીની સમસ્યા અંગે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. સંબંધિત વિભાગો અને અધિકારીઓને વારંવાર અવગત કરાયા હોવા છતાં માત્ર આશ્વાસનો આપવામાં આવ્યા છે, જ્યારે સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ હજુ સુધી જોવા મળ્યો નથી. હાલ ગામમાં રહેલા કેટલાક પરિવારો પણ આગામી દિવસોમાં સ્થળાંતરની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.

આ પણ વાંચો: મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં CM ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યા અભિનંદન : PMના કાર્યકાળને ગણાવ્યો વિકાસ અને સુશાસનનો યુગ

રણોત્સવ અને સ્થાનિકોની મુશ્કેલી વચ્ચેનો વિરોધાભાસ

માલધારીઓ એક મહત્વનો સવાલ પણ ઉઠાવી રહ્યા છે. ઉડઈ ગામથી અંદાજે 25 કિલોમીટર દૂર આવેલા રણોત્સવ વિસ્તારમાં પ્રવાસીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, પરંતુ સ્થાનિક લોકોને મૂળભૂત જરૂરિયાત એવા પાણી માટે સંઘર્ષ કરવો પડે છે. ગ્રામજનોનું કહેવું છે કે વિકાસના દાવાઓ વચ્ચે અંતરિયાળ ગામોમાં રહેતા લોકો હજુ પણ પીવાના પાણી જેવી આવશ્યક સુવિધા માટે વલખાં મારી રહ્યા છે.

કરોડો રૂપિયાની પાણી યોજનાઓ અને વિવિધ સરકારી જાહેરાતો છતાં જો લોકો અને પશુઓને પાણી માટે સ્થળાંતર કરવું પડે તો આવી યોજનાઓની અસરકારકતા અંગે પણ પ્રશ્નો ઊભા થાય છે. સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે બન્ની વિસ્તાર માટે લાંબા ગાળાનો અને વિશ્વસનીય પાણી પુરવઠાનો ઉકેલ લાવવામાં આવે.

આ પણ વાંચો: ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષા 11 જૂનથી શરૂ : અમદાવાદમાં 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

સમગ્ર બન્ની વિસ્તાર માટે ચેતવણીરૂપ સ્થિતિ

ઉડઈ ગામની હાલત માત્ર એક ગામ પૂરતી મર્યાદિત નથી. બન્ની વિસ્તારના અનેક ગામોમાં સમયાંતરે પાણીની સમસ્યા ઊભી થતી રહી છે. પશુપાલન આધારિત અર્થતંત્ર ધરાવતા આ વિસ્તારમાં પાણીની અછત સીધી રીતે લોકોની આજીવિકા અને જીવન પર અસર કરે છે. પશુધન બચાવવા માટે થતું સ્થળાંતર સ્થાનિક અર્થતંત્ર અને સામાજિક જીવન પર પણ લાંબા ગાળાની અસર છોડી શકે છે.

હાલ ઉડઈ ગામમાં સર્જાયેલી સ્થિતિ તંત્ર માટે ચેતવણી સમાન છે. હવે નજર એ બાબત પર રહેશે કે જવાબદાર વિભાગો અને સરકાર આ માલધારીઓની વ્યથા ક્યારે સાંભળે છે અને પાણીની સમસ્યાનો કાયમી અને અસરકારક ઉકેલ ક્યારે લાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now