Home Gujarat Ahmedabad Mahavirsinh Sindhav Bopal Cctv Fourth Floor Death Ahmedabad

સામે આવ્યાં માથાભારે મહાવીરસિંહના મોતના CCTV : અમદાવાદના બોપલમાં પોલીસથી બચવા જતા ચોથા માળેથી પટકાતાં થયું હતું કુખ્યાત આરોપીનું મોત

અમદાવાદના બોપલમાં બનેલી ઘટનાના CCTV
Published by: Vishal Dave
Last Updated: Jun 11, 2026, 07:27 AM IST

માથાભારે મહાવીરસિંહ ચોથા માળેથી પટકાયાના CCTV સામે આવ્યા

વહેલી સવારે 3:39 વાગ્યે બિલ્ડીંગમાંથી નીચે પડ્યો, બોપલમાં 8 જૂને થયું હતું મોત

લોરેન્સ બિશ્નોઇ ગેંગ સાથે જોડાયેલું હતું મહાવીરસિંહ સિંધવનું નામ

Ahmedabad Crime News: અમદાવાદના બોપલ વિસ્તારમાં કુખ્યાત મહાવીરસિંહ સિંધવના મોત મામલે હવે મહત્વપૂર્ણ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 8 જૂને વહેલી સવારે બનેલી આ ઘટનાના ફૂટેજમાં મહાવીરસિંહ બિલ્ડીંગમાંથી નીચે પટકાતો જોવા મળે છે. સીસીટીવી મુજબ, વહેલી સવારે 3 વાગ્યે 39 મિનિટે મહાવીરસિંહ બિલ્ડીંગમાંથી નીચે પડ્યો હતો. ઊંચાઈ પરથી પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામનો રહેવાસી મહાવીરસિંહ સિંધવ તાજેતરમાં જ બોપલ વિસ્તારના ‘અક્ષર લક્ઝ્યુરિયા’ ફ્લેટમાં રહેવા આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે, 8 જૂનની રાત્રે મહાવીરસિંહ નશાની હાલતમાં હતો અને તેણે સોસાયટીમાં અન્ય રહીશો સાથે ઝઘડો કર્યો હતો. ઝઘડો વધતા સ્થિતિ મારામારી સુધી પહોંચી હતી. તેના વર્તનથી ગભરાયેલા રહીશોએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમના ઈમરજન્સી નંબર 112 પર કોલ કરીને પોલીસને જાણ કરી હતી.

ઈન્ડિયન આર્મીની નોકરી છોડી ગુનાખોરીની દુનિયામાં મૂક્યો હતો પગ: ડ્રગ્સકાંડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે નામ ખૂલ્યું હતું, જાણો કોણ હતો મહાવીરસિંહ સિંધવ

પોલીસ આવવાની ભાળ મળતા ભાગવાનો પ્રયાસ કર્યો

સ્થાનિકોની જાણ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં મહાવીરસિંહે ભાગવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી પ્રમાણે, પોલીસ પકડથી બચવા માટે તે ચોથા માળેથી નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ગેલેરી અથવા અગાસીના ભાગેથી ભાગતી વખતે અચાનક તેનો પગ લપસી ગયો હતો અને તે સીધો ચોથા માળેથી નીચે પટકાયો હતો. સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં પણ બિલ્ડીંગમાંથી વ્યક્તિ નીચે પડતો દેખાય છે. આ ઘટના વહેલી સવારે 3:39 વાગ્યાની હોવાનું જણાવાયું છે. નીચે પટકાતા મહાવીરસિંહને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાઓ એટલી ગંભીર હતી કે તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું.

બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

બોપલ પોલીસ સ્ટેશનના પીઆઇ સુનિલ ચૌધરીના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક તપાસ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો મુજબ મહાવીરસિંહ જાતે જ લપસીને નીચે પડ્યો હતો. તેથી હાલ આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળની તપાસ સાથે રહીશો અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો લીધા છે. સીસીટીવી ફૂટેજ પણ તપાસનો મહત્વપૂર્ણ ભાગ બન્યા છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મહાવીરસિંહના મૃતદેહને વતન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચોકડી ગામમાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં પોલીસથી બચવા ચોથા માળેથી પટકાતા મહાવીરસિંહ સિંધવનું મોત: ગુનાખોરી અને ચર્ચાસ્પદ જીવનનો અચાનક અંત, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલું હતું નામ

અનેક ગુનાઓમાં નામ સામે આવ્યું હતું

મહાવીરસિંહ સિંધવનું નામ અગાઉથી જ અનેક ગંભીર ગુનાઓમાં ચર્ચામાં રહ્યું હતું. તેના વિરુદ્ધ લૂંટ, ગુજસીટોક સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત આર્મીની નોકરી છોડ્યા બાદ તે ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યો હોવાની ચર્ચા પણ રહી હતી. ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે તેના આશંકાસ્પદ કનેક્શન અંગે પણ અગાઉ તપાસમાં નામ સામે આવ્યું હોવાનું કહેવાય છે. મહાવીરસિંહ પહેલીવાર 2020માં મોટા પાયે ચર્ચામાં આવ્યો હતો. તે સમયે લોકસાહિત્યકાર દેવાયત ખવડના ડાયરામાં તે 10 લક્ઝુરિયસ કારોના કાફલા સાથે પહોંચ્યો હતો. ડાયરામાં લાખો રૂપિયાનો વરસાદ કરી તેણે પોતાની દાદાગીરી અને રોયલ લાઇફસ્ટાઇલનો દેખાવ કર્યો હતો. આ ઘટના બાદ તે સોશિયલ મીડિયા અને સ્થાનિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.

બોપલની સોસાયટીમાં દહેશતનો માહોલ સર્જાયો હતો

સ્થાનિકોના જણાવ્યા મુજબ, 8 જૂનની રાત્રે મહાવીરસિંહે નશાની હાલતમાં સોસાયટીમાં ભારે હોબાળો મચાવ્યો હતો. અન્ય બ્લોકના રહીશો સાથે થયેલો ઝઘડો અચાનક ઉગ્ર બન્યો હતો. રહીશો સાથે મારામારી થતાં સોસાયટીમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. અંતે પરિસ્થિતિ કાબૂ બહાર જતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચે તે પહેલાં જ મહાવીરસિંહ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને એ દરમિયાન જ આ દુર્ઘટના બની હતી. હાલ બોપલ પોલીસ આ સમગ્ર ઘટનાની તમામ એંગલથી તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજ, પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મહાવીરસિંહના મોતથી જૂના ગુનાઓ ફરી ચર્ચામાં

મહાવીરસિંહના મોત બાદ તેના ભૂતકાળના ગુનાઓ અને વિવાદિત જીવનશૈલી ફરી ચર્ચામાં આવી છે. ક્યારેક આર્મીમાં સેવા આપનાર મહાવીરસિંહ બાદમાં ગુનાખોરીના રસ્તે ગયો હોવાની ચર્ચાઓએ તેના જીવનને વિવાદાસ્પદ બનાવ્યું હતું. બોપલમાં બનેલી ઘટના હવે માત્ર અકસ્માતે મોતનો કેસ નહીં, પરંતુ એક એવા વ્યક્તિના અંતનો કિસ્સો બની છે, જે ગુનાખોરી, દહેશત અને દેખાવખોરીના કારણે લાંબા સમયથી ચર્ચામાં રહ્યો હતો. હાલ માટે બોપલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ ઘટનાક્રમ વધુ સ્પષ્ટ બન્યો છે, પરંતુ પોલીસ હજુ પણ તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now