Home Gujarat Gujarat Gidc Khoraj Space Manufacturing Park Inspace Common Technical Facility

સ્પેસ ઈકોનોમીનું મહત્વનું કેન્દ્ર બનવાની દિશામાં ગુજરાતની આગેકૂચ : GIDC ખોરજમાં બનશે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક

Arjun Modhvadiya
Published by: Vishal Dave
Last Updated: Jun 11, 2026, 09:03 AM IST

ગુજરાતમાં સ્પેસટેક સેક્ટરને નવી ઊંચાઈ આપશે ખોરજનું સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક: IN-SPACeના સહયોગથી GIDC ખોરજમાં રૂ.100 કરોડ સુધીની સહાયથી કોમન ટેકનિકલ ફેસિલિટી વિકસાવાશે

ભારતના સ્પેસ સેક્ટરને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ શરૂ થયેલા માળખાગત સુધારાઓને હવે ગુજરાતમાં નવી ગતિ મળવા જઈ રહી છે. IN-SPACe Industry Connectની 10મી આવૃત્તિના ઉદ્ઘાટન દિવસે ગુજરાત સરકારે સ્પેસટેક ક્ષેત્રને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. રાજ્યના વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ GIDC ખોરજ ખાતે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક અંતર્ગત કોમન ટેકનિકલ ફેસિલિટી એટલે કે CTF વિકસાવવાની જાહેરાત કરી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલની ઉપસ્થિતિમાં ગુજરાત સરકારે સ્પષ્ટ કર્યું કે રાજ્ય સરકાર સ્પેસ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે ઉદ્યોગો, સ્ટાર્ટઅપ્સ અને MSMEને જરૂરી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પ્રતિબદ્ધ છે.

ગુજરાત સ્પેસટેક પોલિસી લાવનાર અગ્રણી રાજ્યોમાં

ડૉ. વિક્રમ સારાભાઈની વૈજ્ઞાનિક વારસાથી પ્રેરાઈને ગુજરાત દેશના પ્રથમ રાજ્યોમાં રહ્યું છે, જેણે સ્પેસટેક ક્ષેત્ર માટે સમર્પિત પોલિસી રજૂ કરી. આ પોલિસીમાં ઉદ્યોગોની ભાગીદારી, નવી ટેક્નોલોજી વિકાસ, સ્ટાર્ટઅપ ઇનોવેશન અને ઉત્પાદન ક્ષમતા વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સ્પેસ સેક્ટર માટે અલગ બજેટરી આઉટલે પણ નક્કી કર્યો છે, જેથી લાંબા ગાળે ગુજરાતને સ્પેસ મેન્યુફેક્ચરિંગ અને સ્પેસ આધારિત એપ્લિકેશનના મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વિકસાવી શકાય.

2047 સુધી સ્પેસ સેક્ટરમાં ભારત ભરશે નવી ઉડાન: પોતાનું સ્પેસ સ્ટેશન, ચંદ્રના નમૂના અને $1.5 ટ્રિલિયનનું વિઝન


ખોરજમાં 50 એકર જમીન, 100 એકર સુધી વિસ્તરણની શક્યતા

રાજ્ય સરકારે GIDC ખોરજ ખાતે સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક માટે 50 એકર જમીન ફાળવી છે, જેને ભવિષ્યમાં 100 એકર સુધી વિસ્તારી શકાય તેવી યોજના છે. આ પાર્કને એન્ડ-ટુ-એન્ડ સ્પેસક્રાફ્ટ, પેલોડ સિસ્ટમ્સ અને સ્પેસ આધારિત એપ્લિકેશન્સના ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ માટે વિકસાવવામાં આવશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગની સચિવ પી. ભારતી અને GSEMના મિશન ડિરેક્ટર નેહા કુમારીએ જણાવ્યું કે ખોરજનું સ્પેસ પાર્ક સમગ્ર સ્પેસ વેલ્યૂ ચેઇનને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવશે.

સ્ટાર્ટઅપ્સ અને MSME માટે મોટી રાહત

સ્પેસ સેક્ટરમાં કામ કરતી સ્ટાર્ટઅપ્સ અને MSME માટે ટેસ્ટિંગ, કેલિબ્રેશન અને વેલિડેશન જેવી સુવિધાઓ સ્થાપિત કરવી ખૂબ ખર્ચાળ હોય છે. ઘણી નાની કંપનીઓ પાસે આવી હાઈ-એન્ડ સુવિધાઓ સ્વતંત્ર રીતે ઉભી કરવાની ક્ષમતા હોતી નથી. આ સ્થિતિમાં કોમન ટેકનિકલ ફેસિલિટી મોટી રાહત સાબિત થશે. આ સુવિધાઓ દ્વારા કંપનીઓ પોતાના ઘટકો, પેલોડ્સ અને સ્પેસ ગ્રેડ સિસ્ટમ્સનું ટેસ્ટિંગ રાજ્યમાં જ કરી શકશે. પરિણામે પ્રોડક્ટ ડેવલપમેન્ટનો સમય ઓછો થશે, ખર્ચ ઘટશે અને સિસ્ટમ્સની વિશ્વસનીયતા વધશે.

CTFમાં કઈ સુવિધાઓ મળશે?

GIDC ખોરજમાં વિકસાવવામાં આવનાર કોમન ટેકનિકલ ફેસિલિટીમાં અનેક અત્યાધુનિક સુવિધાઓ સામેલ કરવામાં આવશે. તેમાં ક્લીનરૂમ, થર્મો-વેક્યુમ ચેમ્બર, વાઈબ્રેશન ટેસ્ટિંગ સિસ્ટમ, EMI/EMC ટેસ્ટિંગ, ક્લાઈમેટ ટેસ્ટ ચેમ્બર, માસ પ્રોપર્ટીઝ મેઝરમેન્ટ સિસ્ટમ, મેગ્નેટિક ફિલ્ડ ટેસ્ટિંગ અને અર્થ ઓબ્ઝર્વેશન ઓપ્ટિક્સની કેલિબ્રેશન સુવિધાઓનો સમાવેશ થશે. ખાસ કરીને 12 ટન સુધીના પેલોડ હેન્ડલ કરી શકે તેવી વાઈબ્રેશન ટેસ્ટિંગ સિસ્ટમ સ્પેસ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ગણાશે.

IN-SPACe આપશે ટેક્નિકલ સપોર્ટ અને રૂ.100 કરોડ સુધીની સહાય

CTFના વિકાસ માટે IN-SPACe રાજ્ય સરકારને ટેક્નિકલ સપોર્ટ આપશે. સાથે જ CTFના સાધનો માટે IN-SPACe તરફથી રૂ.100 કરોડ સુધીનું નાણાકીય યોગદાન આપવામાં આવશે. રાજ્ય સરકાર ફેસિલિટીના બાંધકામ, સંચાલન અને સ્પેસ પાર્કના વિકાસ માટે જરૂરી વધારાનું ભંડોળ આપશે. આ સહયોગથી ગુજરાતમાં સ્પેસ સેક્ટર માટે એક મજબૂત કોમન પ્લેટફોર્મ ઉભું થશે, જ્યાં ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ્સ રાષ્ટ્રીય માપદંડો મુજબ પોતાની ટેક્નોલોજીનું ટેસ્ટિંગ કરી શકશે.

અર્જુન મોઢવાડિયાએ યુવાનોની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કર્યો

વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી અર્જુન મોઢવાડિયાએ રાજ્યના યુવાનોની ક્ષમતામાં વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું કે ગુજરાત સરકાર IN-SPACe અને ઉદ્યોગ જગત સાથે મળીને રાજ્યની સ્પેસ ઈકોનોમીને નવી ઊંચાઈએ લઈ જવા માટે સતત કામ કરશે. તેમણે કહ્યું કે આ પહેલ માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ગુજરાતમાં નવી પેઢીના વૈજ્ઞાનિકો, એન્જિનિયરો, સ્ટાર્ટઅપ્સ અને મેન્યુફેક્ચરિંગ કંપનીઓ માટે નવી તકો ઊભી કરશે.

ગુજરાત સ્પેસ ઈકોનોમીનું મહત્વનું કેન્દ્ર બનવાની દિશામાં

GIDC ખોરજનું સ્પેસ મેન્યુફેક્ચરિંગ પાર્ક અને CTF ગુજરાતને ભારતના વિકસતા સ્પેસ ઈકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ સ્થાન અપાવી શકે છે. દેશમાં ખાનગી ક્ષેત્ર માટે સ્પેસ સેક્ટર ખુલ્લું થયા બાદ સ્પેસ ટેક્નોલોજી, સેટેલાઇટ ઘટકો, પેલોડ સિસ્ટમ્સ અને સ્પેસ આધારિત એપ્લિકેશન્સમાં મોટી તકો ઊભી થઈ છે. ગુજરાત સરકારની આ પહેલ સ્ટાર્ટઅપ્સ અને MSME માટે એન્ટ્રી બેરિયર ઘટાડશે, સ્થાનિક મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપશે અને ભારતની આત્મનિર્ભર સ્પેસ ક્ષમતાને મજબૂત બનાવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now