Home Gujarat Ahmedabad Who Is Mahavirsinh Sindhav Army To Crime Journey

ઈન્ડિયન આર્મીની નોકરી છોડી ગુનાખોરીની દુનિયામાં મૂક્યો હતો પગ : ડ્રગ્સકાંડમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે નામ ખૂલ્યું હતું, જાણો કોણ હતો મહાવીરસિંહ સિંધવ

Mahavirsinh Sindhav
Published by: Vishal Dave
Last Updated: Jun 09, 2026, 10:44 AM IST

Ahmedabad Crime News: આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવનાર મહાવીરસિંહ સિંધવ ડ્રગ્સકાંડ, લૂંટ અને ગુજસીટોક જેવા કેસોમાં બન્યો હતો ચર્ચાસ્પદ; અમદાવાદના બોપલમાં પોલીસથી બચવા ભાગવા જતા ફ્લેટના ચોથા માળેથી પટકાતા મોત નીપજ્યું. જેનો પોલીસે અકસ્માતે ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં ચોથા માળેથી પટકાઈને મોતને ભેટેલા મહાવીરસિંહ સિંધવનું નામ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતના ગુનાજગતમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યું હતું. એક સમયે ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવનાર મહાવીરસિંહ બાદમાં ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યો હતો અને અનેક ગંભીર ગુનાઓમાં તેનું નામ સામે આવ્યું હતું. તાજેતરમાં બોપલ ખાતે બનેલી ઘટનાએ ફરી એકવાર તેના વિવાદાસ્પદ જીવન અને ગુનાહિત ભૂતકાળને ચર્ચામાં લાવી દીધો છે.

પોલીસ માહિતી અનુસાર, 8 જૂનની રાત્રે બોપલ વિસ્તારમાં આવેલા એક રહેણાંક ફ્લેટમાં મહાવીરસિંહ સિંધવે નશાની હાલતમાં પડોશીઓ સાથે ઝઘડો અને મારામારી કરી હતી. સ્થાનિક રહેવાસીઓએ પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર પહોંચે તે પહેલાં જ તે ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન ચોથા માળેથી તેનો પગ લપસતાં તે નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

આર્મીની નોકરી છોડ્યા બાદ બદલાઈ ગઈ જિંદગી

મહાવીરસિંહ સિંધવે પોતાના જીવનની શરૂઆત દેશસેવા સાથે કરી હતી. તેણે ઈન્ડિયન આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવી હતી. જોકે, બાદમાં તેણે આર્મીની નોકરી છોડી દીધી હતી. ત્યારબાદ તેનું નામ ધીમે-ધીમે વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાવા લાગ્યું હતું. સમય જતાં તેની સામે મારામારી, લૂંટ, હત્યાના પ્રયાસ, ગુજસીટોક અને એનડીપીએસ જેવા ગંભીર ગુનાઓ નોંધાયા હતા. કાયદા અમલવારી એજન્સીઓ માટે તે એક ઓળખીતું નામ બની ગયો હતો. વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા કેસોને કારણે તેની ઓળખ એક માથાભારે અને પ્રભાવશાળી આરોપી તરીકે ઉભરી હતી.

અમદાવાદમાં પોલીસથી બચવા ચોથા માળેથી પટકાતા મહાવીરસિંહ સિંધવનું મોત: ગુનાખોરી અને ચર્ચાસ્પદ જીવનનો અચાનક અંત, લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલું હતું નામ

દેવાયત ખવડના ડાયરાથી રાજ્યભરમાં ચર્ચામાં આવ્યો

વર્ષ 2020માં મોરબી જિલ્લાના ટીકર ગામમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને રાજભા ગઢવીના ડાયરામાં મહાવીરસિંહ સિંધવ અચાનક ચર્ચામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન તેણે સ્ટેજ પર લાખો રૂપિયાની ચલણી નોટો ઉડાવી હતી, જેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ ઉપરાંત, લગભગ 10 જેટલી લક્ઝુરિયસ કારોના કાફલા સાથે તેની એન્ટ્રીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તે સમયથી મહાવીરસિંહ સોશિયલ મીડિયા અને જાહેર ચર્ચાઓમાં એક વિવાદાસ્પદ ચહેરો બની ગયો હતો. તેની વૈભવી જીવનશૈલી અને ખુલ્લેઆમ દેખાડવામાં આવતી આર્થિક શક્તિએ પણ અનેક સવાલો ઊભા કર્યા હતા.

સુરેન્દ્રનગરના ડ્રગ્સકાંડમાં ખુલ્યું હતું નામ

મહાવીરસિંહ સિંધવ સૌથી વધુ ચર્ચામાં ત્યારે આવ્યો હતો જ્યારે વર્ષ 2023માં સુરેન્દ્રનગરમાં બહાર આવેલા મોટા ડ્રગ્સકાંડની તપાસ દરમિયાન તેનું નામ સામે આવ્યું હતું. શિવ સંગાથ એપાર્ટમેન્ટમાંથી એલસીબી દ્વારા અક્ષય રામકુમાર ડેલુ, અંકિત વિષ્ણુરામ બિશ્નોઇ અને વિક્રમસિંહ જાડેજાની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી અંદાજે ₹17.81 લાખની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું. તપાસ દરમિયાન પોલીસને એવી માહિતી મળી હતી કે આરોપીઓને જે ફ્લેટ ભાડે આપવામાં આવ્યો હતો તેની વ્યવસ્થા મહાવીરસિંહ સિંધવે પોતાના મિત્ર મારફતે કરાવી હતી. ત્યારબાદ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો હતો અને અનેક કડીઓ સામે આવી હતી.

લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાઈ હતી આશંકા

ડ્રગ્સકાંડની તપાસ દરમિયાન મહાવીરસિંહનું નામ કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે પણ જોડાયું હતું. તપાસ એજન્સીઓએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે તે ગેંગના કેટલાક સભ્યો સાથે સંપર્કમાં હતો અને ડ્રગ્સ સપ્લાય ચેઇનમાં તેની ભૂમિકા હોઈ શકે છે. આ મામલે સુરેન્દ્રનગર એલસીબીએ તેની અટકાયત કરીને પૂછપરછ પણ કરી હતી. જોકે, આવા કેસોમાં અંતિમ કાનૂની નિષ્કર્ષ અને અદાલતી પ્રક્રિયા અલગ બાબત હોય છે, છતાં તપાસ દરમિયાન સામે આવેલી વિગતોને કારણે તેનું નામ રાજ્યભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું.

લૂંટ સહિતના અનેક ગુનાઓમાં નોંધાયા હતા કેસ

વર્ષ 2023 દરમિયાન જ સુરેન્દ્રનગર જિલ્લાના ચોકડી ગામમાં મહાવીરસિંહ સામે હથિયાર બતાવીને લૂંટ ચલાવવાનો ગુનો પણ નોંધાયો હતો. પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી અને ઘટનાસ્થળે લઈ જઈને ક્રાઈમ સીનનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત તેની સામે અન્ય અનેક પોલીસ સ્ટેશનોમાં પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું હતું. ગુનાખોરીની દુનિયામાં તેનો પ્રભાવ અને સંપર્કો લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યા હતા.

બોપલમાં અકસ્માતે થયો અંત

અમદાવાદના બોપલ વિસ્તારમાં બનેલી તાજેતરની ઘટનાએ મહાવીરસિંહ સિંધવના વિવાદાસ્પદ જીવનનો અંત લાવ્યો છે. બોપલ પોલીસ સ્ટેશનના પીઆઈ સુનિલ ચૌધરીના જણાવ્યા મુજબ, પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે પોલીસથી બચવા ભાગતી વખતે તેનો પગ લપસ્યો હતો અને તે ચોથા માળેથી નીચે પટકાયો હતો. હાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને અન્ય ટેક્નિકલ પુરાવા બાદ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. એક સમયે દેશસેવામાં રહેલો અને બાદમાં ગુનાખોરીના અનેક કેસોમાં ચર્ચાસ્પદ બનેલો મહાવીરસિંહ સિંધવ હવે મૃત્યુ બાદ ફરી એકવાર સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now