પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થતાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં વિવિધ કાર્યક્રમો અને જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. આ અભિયાનના ભાગરૂપે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ અમદાવાદ ખાતે વરિષ્ઠ એડવોકેટ સુધીરભાઈ નાણાવટી સાથે મુલાકાત કરી હતી.
મુલાકાત દરમિયાન કેન્દ્ર સરકારના છેલ્લા 12 વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં થયેલા વિકાસકાર્યો, સુશાસન, માળખાકીય વિકાસ, ગરીબ કલ્યાણ યોજનાઓ તેમજ દેશની પ્રગતિ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત સંવાદ કરવામાં આવ્યો હતો. ભાજપ સંગઠન દ્વારા ચાલી રહેલા વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત સમાજના વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત અને વિશિષ્ટ યોગદાન આપનાર વ્યક્તિઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: હેલ્મેટ વગર ફરતા 5,123 સરકારી કર્મચારીઓ સામે કાર્યવાહી : ગુજરાત પોલીસે એક મહિનામાં 5 કરોડથી વધુ દંડ વસૂલાયો
આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ સુધીરભાઈ નાણાવટીને ભાજપ દ્વારા પ્રકાશિત 'રાષ્ટ્ર પ્રથમ મૂળ મંત્ર' પુસ્તિકા ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. આ પુસ્તિકામાં કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ, વિકાસલક્ષી નિર્ણયો અને દેશહિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ પગલાં અંગેની માહિતી સમાવાઈ હોવાનું જણાવાયું છે.
ભાજપ સંગઠનના સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ ક્ષેત્રના અગ્રણી નાગરિકો, શિક્ષણવિદો, ઉદ્યોગકારો, વકીલો, ડૉક્ટરો અને સામાજિક આગેવાનો સાથે સંપર્ક કરીને સરકારની સિદ્ધિઓ અંગે માહિતી પહોંચાડવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.
આ મુલાકાત દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ દ્વારા આગામી દિવસોમાં પણ આવા સંપર્ક કાર્યક્રમો વધુ વ્યાપક સ્તરે યોજવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.





