Home Gujarat Surat Surat Mota Varachha School Transfer Parents Students Protest

320 વિદ્યાર્થીઓનું સ્થળાંતર કેમ? : સુરતમાં પાલિકાના નિર્ણય સામે વાલીઓ-વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ

વિદ્યાર્થીઓ અને વાલીની વિરોધ કરતી છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 11, 2026, 07:54 AM IST

સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલી પાલિકા સંચાલિત પ્રાથમિક શાળાના 320 જેટલા અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં સ્થળાંતર કરવાનો નિર્ણય લેવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શાળા ક્રમાંક 354ના વિદ્યાર્થીઓને શાળા ક્રમાંક 309માં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ આ નિર્ણય સામે હવે વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે.

વાલીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓના ભવિષ્ય અને શિક્ષણને ધ્યાનમાં લીધા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે. અચાનક શાળા બદલવાથી બાળકોના અભ્યાસ, માનસિક સ્થિતિ અને રોજિંદી વ્યવસ્થામાં મુશ્કેલીઓ ઊભી થશે. જેના કારણે મોટી સંખ્યામાં વાલીઓ શાળા પરિસરમાં એકત્રિત થયા હતા અને નિર્ણય પરત ખેંચવાની માંગ કરી હતી.

વાલીઓ અને વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો આક્રોશ

શાળા સ્થળાંતરના નિર્ણય સામે વિદ્યાર્થીઓ પણ ખુલ્લેઆમ વિરોધ નોંધાવી રહ્યા છે. વાલીઓનું કહેવું છે કે વર્ષોથી જે શાળામાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે, ત્યાંથી તેમને અન્યત્ર ખસેડવાનો કોઈ વાજબી કારણ રજૂ કરવામાં આવ્યું નથી.

વિરોધ કરી રહેલા વાલીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ શાળા પરિસરમાં જ બેસી રહેશે. જરૂર પડશે તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. કેટલાક વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે નિર્ણય લેતા પહેલા તેમની સાથે કોઈ ચર્ચા કે પરામર્શ કરવામાં આવ્યો નથી.

આ પણ વાંચો: ભૂતિયા ડિમોલિશનમાં 'ગુજરાત MLA'ની પ્લેટવાળી ગાડીની એન્ટ્રી : બીજી તરફ SMCનો યુટર્ન, “નાસીનનગરમાં કોઈ ગેરકાયદેસર ડિમોલિશન થયું નથી”

શાળા તંત્ર સામે મનમાનીના આક્ષેપ

વાલીઓએ શાળાના આચાર્ય અને સંબંધિત સત્તાધીશો સામે પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમના જણાવ્યા અનુસાર શાળા સંચાલન દ્વારા મનમાની રીતે નિર્ણય લેવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓના હિતોને અવગણવામાં આવી રહ્યા છે.

વાલીઓનું કહેવું છે કે જો શાળામાં કોઈ વહીવટી કે માળખાકીય સમસ્યા હોય તો તેનો ઉકેલ શોધવો જોઈએ, પરંતુ વિદ્યાર્થીઓને અન્યત્ર ખસેડવાનો નિર્ણય યોગ્ય નથી. તેઓએ શાળા તંત્ર અને પાલિકા અધિકારીઓને તાત્કાલિક ચર્ચા માટે આગળ આવવાની માંગ કરી છે.

આ પણ વાંચો: સામે આવ્યાં માથાભારે મહાવીરસિંહના મોતના CCTV : અમદાવાદના બોપલમાં પોલીસથી બચવા જતા ચોથા માળેથી પટકાતાં થયું હતું કુખ્યાત આરોપીનું મોત

નિર્ણય પરત નહીં ખેંચાય તો આંદોલનની ચીમકી

વિરોધ કરી રહેલા વાલીઓએ ચેતવણી આપી છે કે જો પાલિકા દ્વારા આ નિર્ણય પરત લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બની શકે છે. વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળા પરિસરમાં જ બેસી રહેવાની ચીમકી આપી છે.

હાલ સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા અથવા શિક્ષણ વિભાગ તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી. જોકે આ મુદ્દો હવે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આગામી દિવસોમાં તંત્ર શું નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now