Home Gujarat Vadodara Surat Nasirnagar Demolition Controversy Mla Plate Fortuner Car Smc U Turn

ભૂતિયા ડિમોલિશનમાં 'ગુજરાત MLA'ની પ્લેટવાળી ગાડીની એન્ટ્રી : બીજી તરફ SMCનો યુટર્ન, “નાસીનનગરમાં કોઈ ગેરકાયદેસર ડિમોલિશન થયું નથી”

Surat Nasirnagar Demolition Case
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jun 11, 2026, 07:58 AM IST

Surat Nasirnagar Demolition Case: સુરતના નાસીરનગર ડિમોલિશન વિવાદમાં રોજ નવા ખુલાસા અને દાવાઓ સામે આવી રહ્યા છે. એક તરફ સુરત મહાનગરપાલિકા (SMC) સમગ્ર ડિમોલિશન પ્રક્રિયાને સંપૂર્ણપણે કાયદેસર ગણાવી રહી છે, તો બીજી તરફ વિવાદિત જમીનના માલિક પક્ષ તરફથી અનેક ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. હવે આ સમગ્ર મામલામાં એક નવો અને રહસ્યમય તત્વ ઉમેરાયું છે, જ્યારે જમીન માલિક ગલુબેન પાલિયાના ઘર બહાર કલાકો સુધી ઊભેલી બે શંકાસ્પદ કાર ચર્ચાનું કેન્દ્ર બની છે. આ બંને વાહનોમાંથી એક ફોર્ચ્યુનર કારની પાછળની સીટમાં ‘ગુજરાત MLA’ લખેલી લાલ રંગની પ્લેટ જોવા મળતાં સમગ્ર ઘટનાક્રમ વધુ ચર્ચાસ્પદ બની ગયો છે. સ્થાનિક સ્તરે આ ઘટનાએ અનેક સવાલો ઉભા કર્યા છે. કાર કોની હતી, ત્યાં શા માટે પાર્ક કરવામાં આવી હતી અને ‘MLA’ પ્લેટનો ઉપયોગ કયા હેતુસર કરવામાં આવ્યો હતો, તે અંગે હવે વિવિધ અટકળો ચાલી રહી છે.

ગલુબેન પાલિયાના ઘર બહાર કલાકો સુધી ઊભી રહી બે કાર

માહિતી અનુસાર, નાસીરનગરની વિવાદિત જમીનના મૂળ માલિક ગલુબેન પાલિયાના નિવાસસ્થાન બહાર એક ફોર્ચ્યુનર અને એક i20 કાર લાંબા સમય સુધી પાર્ક કરેલી જોવા મળી હતી. વાહનોના રજિસ્ટ્રેશનની તપાસમાં ફોર્ચ્યુનર કાર ઘનશ્યામભાઈ લાખાણીના નામે અને i20 કાર સંજયભાઈ લાખાણીના નામે નોંધાયેલી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર બંને વાહનો બપોરના સમયે આવીને પાર્ક થયા હતા અને કલાકો સુધી ત્યાં જ રહ્યા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ચર્ચાઓ શરૂ થઈ હતી.

‘ગુજરાત MLA’ પ્લેટથી વધ્યું રહસ્ય

સમગ્ર ઘટનામાં સૌથી વધુ ચર્ચા ફોર્ચ્યુનર કારની પાછળની સીટમાં જોવા મળેલી ‘ગુજરાત MLA’ લખેલી પ્લેટને લઈને થઈ રહી છે. આ પ્લેટ વાહનની બહાર લગાડવામાં આવી નહોતી, પરંતુ અંદર રાખવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બાબતને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે. શું આ વાહન કોઈ ધારાસભ્ય સાથે જોડાયેલું છે? શું પ્લેટનો ઉપયોગ માત્ર ઓળખ માટે કરવામાં આવતો હતો કે તેનો અન્ય કોઈ હેતુ હતો? હાલ આ તમામ સવાલોના જવાબ સ્પષ્ટ રીતે સામે આવ્યા નથી.

આ પણ વાંચો: સુરતના વેડરોડ પર ‘બનાવટી ડિમોલિશન’નો સનસનાટીભર્યો આક્ષેપ: SMC અજાણ, તો ટોરેન્ટ પાવરે કોના ઈશારે 100 ઘરોની વીજળી કાપી?

મીડિયા હાજર હોવાથી વાહન લેવા કોઈ આવ્યું નહીં?

સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે બંને વાહનો બપોરથી મોડી રાત સુધી ત્યાં જ ઊભા રહ્યા હતા. કેટલાક દાવાઓ અનુસાર મીડિયાની હાજરી અને સતત દેખરેખના કારણે વાહન સાથે સંકળાયેલા લોકો તરત જ સ્થળ પર આવ્યા ન હતા. જોકે આ દાવાઓ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. સમગ્ર મામલો હાલમાં ચર્ચા અને તપાસનો વિષય બન્યો છે.

SMCનું સ્પષ્ટ નિવેદન: કાર્યવાહી સંપૂર્ણ કાયદેસર

બીજી તરફ સુરત મહાનગરપાલિકાએ નાસીરનગર ડિમોલિશન વિવાદ અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. SMCના એડિશનલ સિટી એન્જિનિયર આશિષ નાયકે જણાવ્યું છે કે નાસીરનગરમાં રસ્તો ખુલ્લો કરવા અને ડિમોલિશનની કાર્યવાહી તમામ કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરીને કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે, સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ઘણી માહિતી ભ્રામક અને તથ્યવિહિન છે. મનપાએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: ઘર તોડાયા, સપના તૂટ્યા, એક જ દિવસમાં ઉજડી ગઈ 100 પરિવારોની દુનિયા: ડિમોલિશન કરનારા અધિકારીઓની ભૂમિકા પર ઉઠ્યા સવાલો

વિશેષ તપાસ સમિતિની રચના

વિવાદ વધતા સુરત મહાનગરપાલિકા કમિશનરે સમગ્ર મામલાની તટસ્થ તપાસ માટે વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિ સમગ્ર ઘટનાક્રમ, કાર્યવાહી અને ઉઠાવવામાં આવેલા આક્ષેપોની તપાસ કરશે. SMCનું કહેવું છે કે, તપાસ પૂર્ણ થયા બાદ જ હકીકત સ્પષ્ટ થશે અને ત્યારબાદ જરૂરી પગલાં લેવામાં આવશે.

જમીન માલિકનો દાવો: શાળા માટે આપી હતી જમીન

આ સમગ્ર વિવાદ વચ્ચે જમીન માલિક ગલુબેન પાલિયાએ મહત્વનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, વર્ષો પહેલાં આ જમીન સુરત મહાનગરપાલિકાને શાળા બનાવવા માટે આપવામાં આવી હતી. તેમનો આક્ષેપ છે કે, છેલ્લા ત્રણથી ચાર દાયકાથી આ જમીન પર કોઈ શાળા બનાવવામાં આવી નથી અને સમય જતાં અહીં ગેરકાયદેસર વસાહતો ઉભી થઈ ગઈ. જેના કારણે હવે આ જમીન અને તેના ઉપયોગને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. ત્યારે ધારાસભ્ય વિનુ મોરડિયાની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓ અધિકારીઓ ખોટા જવાબો રજૂ કરી રહ્યા છે, ભોગ બનનારા લોકો ઘૂષણખોરો હોય તો તેને તગેડી મૂકો. વધુમાં તેઓ કહે છે કે, જો મારા નિવેદનથી જેને તકલીફો હોય તે મારી સામે આવે, આ કોઈના ઈશારે બ્રફિંગ કરાયું હોય તેવું લાગે છે. મને તો એવો જવાબ આપ્યો હતો કે, ડિમોલિશન નથી કરાયું.

આ પણ વાંચો: 100 પરિવાર બેઘર થયા: હવે ડિમોલિશન પાછળના 'ખેલ' પર ધારાસભ્યના સવાલ

તપાસના પરિણામ પર સૌની નજર

હાલ નાસીરનગર ડિમોલિશન વિવાદ માત્ર જમીન કે ડિમોલિશન પૂરતો મર્યાદિત રહ્યો નથી. તેમાં રાજકીય પ્રભાવ, વાહનોની હાજરી, ‘MLA’ પ્લેટ અને જમીનના મૂળ હેતુ જેવા અનેક મુદ્દાઓ જોડાઈ ગયા છે. આથી હવે સૌની નજર તપાસ સમિતિના અહેવાલ પર છે. કારણ કે આ અહેવાલ જ નક્કી કરશે કે સમગ્ર ઘટનાક્રમ પાછળનું સત્ય શું છે અને ઉઠાવવામાં આવેલા દાવાઓમાં કેટલું તથ્ય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now