Home Gujarat Gujarat Rain Update 45 Talukas Receive Rain Weather Relief

ગુજરાતના 45 તાલુકામાં વરસાદની એન્ટ્રી : સાબરકાંઠાથી વલસાડ સુધી ગાજવીજ સાથે વરસ્યા મેઘરાજા

વરસાદ દર્શાવતું દ્રશ્ય
Published by: Chintan Chavda
Last Updated: May 31, 2026, 06:24 AM IST

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનુભવાઈ રહેલી આકરી ગરમી અને બફારાની વચ્ચે હવામાનમાં નોંધપાત્ર પલટો આવ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 45 તાલુકાઓમાં વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

રાજ્યના વરસાદી આંકડાઓ અનુસાર મહિસાગર જિલ્લાના વિરપુર અને અરવલ્લી જિલ્લાના મોડાસામાં સૌથી વધુ 1.15 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના શેહરા, અરવલ્લીના ભિલોડા, સાબરકાંઠાના વડાલી અને મહિસાગરના કડાણામાં એક-એક ઈંચ વરસાદ ખાબક્યો હતો. મોરવા હડફ, ધનસુર, ખેડબ્રહ્મા, દાહોદ અને સાઠંબા સહિતના વિસ્તારોમાં પોણો ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, જ્યારે માલપુર, વિજયનગર, કવાંટ અને બોડેલીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: સુરતમાં વૃદ્ધાની લૂંટનો ભેદ ઉકેલાયો : રિક્ષામાં બેસાડી ધમકાવી સોનાની બુટ્ટી લૂંટનાર બે આરોપી ઝડપાયા

સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ ખાસ કરીને વધુ અસરકારક રહ્યો હતો. હિંમતનગર, ઈડર, વડાલી અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. દિવસભરની ગરમી બાદ અચાનક બદલાયેલા હવામાને લોકોને રાહતનો અનુભવ કરાવ્યો હતો.

વરસાદની તીવ્રતા અને પવનના કારણે કેટલાક વિસ્તારોમાં માર્ગો પર પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી. હાઈવે પર પસાર થતા વાહનચાલકોને દૃશ્યતા ઘટવાના કારણે અને પાણી ભરાયેલા માર્ગોને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિક સ્તરે કેટલીક જગ્યાએ વૃક્ષોની ડાળીઓ તૂટવાના બનાવો પણ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.

આ વરસાદે એક તરફ ગરમીમાંથી રાહત આપી છે તો બીજી તરફ ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને બાજરી અને જુવાર જેવી ખરીફ પાકની વાવણીની તૈયારી કરતા ખેડૂતો માટે અચાનક બદલાતું હવામાન અને પ્રી-મોન્સૂન વરસાદ ખેતી આયોજન પર અસર કરી શકે છે.

આ પણ વાંચો: બારૂદી સુરંગ હટાવવાના નામે વસૂલી! : ઈરાન સામે ભડક્યું કતાર, મધ્ય પૂર્વમાં નવા વિવાદની ચિંગારી

દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ, વલસાડમાં ઠંડક પ્રસરી

વલસાડ જિલ્લામાં પણ હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વાપી અને આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને ત્યારબાદ ગાજવીજ તથા પવન સાથે વરસાદ વરસ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની અસર જોવા મળી હતી.

છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાતમાં તાપમાન ઊંચું રહેતા લોકો ગરમી અને ભેજથી પરેશાન હતા. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને રાહતનો અનુભવ થયો હતો. હવામાનમાં આવેલા આ ફેરફારને સ્થાનિક લોકો મોસમના પરિવર્તનના સંકેત તરીકે પણ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: પાણીપુરીથી લઈ પનીર સુધી... 28 ખાદ્ય નમૂના ફેલ : અમદાવાદમાં ફૂડ વિભાગનો મોટો સપાટો

સૌરાષ્ટ્રમાં પણ મેઘમહેર, વંથલી અને ઉનામાં વરસાદ

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લાના વંથલી અને શાપુર વિસ્તારમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. લાંબા સમયથી અનુભવાતા અસહ્ય બફારા બાદ વરસાદ પડતાં સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં પણ વહેલી સવારે વરસાદ વરસ્યો હતો. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાતા ગરમીમાં રાહત મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી વધતા તાપમાનને કારણે પરેશાન બનેલા લોકો માટે આ વરસાદ રાહતરૂપ સાબિત થયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now