અમદાવાદ શહેરમાં ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. શહેરના નાગરિકો દરરોજ જે ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરે છે તેમાં ગુણવત્તા અને સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફૂડ વિભાગે જાહેર કરેલા તાજેતરના આંકડાઓ અનુસાર મે મહિનામાં લેવામાં આવેલા વિવિધ ખાદ્ય પદાર્થોના નમૂનાઓમાંથી 28 નમૂના અપ્રમાણિત જાહેર કરવામાં આવ્યા છે.
આ નમૂનાઓમાં ગાયનું ઘી, કેરીનો રસ, પનીર, માખણ, ચીઝ, સોસ, મસાલા, આઈસક્રિમ, મિલ્કશેક, જ્યુસ, રગડો, મન્ચુરિયન અને મરચાં પાવડર જેવા દૈનિક વપરાશના ખાદ્ય પદાર્થોનો સમાવેશ થાય છે. આ સ્થિતિ માત્ર ખાદ્ય ગુણવત્તાનો પ્રશ્ન નથી, પરંતુ જાહેર આરોગ્ય માટે પણ ચેતવણી સમાન બની છે.
આ પણ વાંચો: સુરતમાં વૃદ્ધાની લૂંટનો ભેદ ઉકેલાયો : રિક્ષામાં બેસાડી ધમકાવી સોનાની બુટ્ટી લૂંટનાર બે આરોપી ઝડપાયા
862 નમૂનાઓમાંથી 28 અપ્રમાણિત, કાનૂની કાર્યવાહી શરૂ
AMCના ફૂડ વિભાગે મે મહિનામાં શહેરભરમાંથી કુલ 862 ખાદ્ય નમૂનાઓ એકત્ર કર્યા હતા. લેબોરેટરી તપાસ બાદ 28 નમૂનાઓ ખાદ્ય સુરક્ષા ધોરણો મુજબ યોગ્ય ન હોવાનું બહાર આવ્યું છે. અપ્રમાણિત જાહેર કરાયેલા નમૂનાઓમાં કેટલાક સબસ્ટાન્ડર્ડ હતા તો કેટલાકમાં નિયમો વિરુદ્ધ ઘટકો અથવા ગુણવત્તાની ખામીઓ જોવા મળી હતી.
ફૂડ વિભાગના જણાવ્યા મુજબ, આ 28 કેસોમાંથી 7 કેસ સીધા કોર્ટમાં દાખલ કરવામાં આવશે, જ્યારે બાકીના 21 કેસ એજ્યુડિકેટિંગ ઓફિસર સમક્ષ રજૂ કરાશે. આ કાર્યવાહી હેઠળ સંબંધિત ઉત્પાદકો, વેચાણકારો અથવા ખાદ્ય એકમો સામે દંડથી લઈને અન્ય કાનૂની પગલાં લેવામાં આવી શકે છે.
શહેરમાં છેલ્લા 12 દિવસ દરમિયાન ખાસ ઝુંબેશ હેઠળ 599 ખાદ્ય એકમોની તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન 202 લોકોને નોટિસ ફટકારવામાં આવી અને બિનઆરોગ્યપ્રદ અથવા નિયમવિરુદ્ધ ખોરાક વેચવા બદલ કુલ 5.16 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.
પાણીપુરીના પાણીમાં પણ મળી આવી ખામી
અમદાવાદમાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ પૈકીની એક પાણીપુરીને લઈને પણ ચિંતાજનક માહિતી સામે આવી છે. તપાસ દરમિયાન પાણીપુરીના પાણીના 7 નમૂનાઓમાં ફૂડ ગ્રેડ કલરનો ઉપયોગ થયેલો હોવાનું સામે આવ્યું છે. ફૂડ ગ્રેડ કલરનો ઉપયોગ કાયદેસર રીતે કેટલીક ખાદ્ય વસ્તુઓમાં મંજૂર હોઈ શકે છે, પરંતુ તેનો ઉપયોગ ક્યાં અને કેટલી માત્રામાં કરવામાં આવ્યો છે તે નિયમો મુજબ હોવો જરૂરી છે.
આ પણ વાંચો: બારૂદી સુરંગ હટાવવાના નામે વસૂલી! : ઈરાન સામે ભડક્યું કતાર, મધ્ય પૂર્વમાં નવા વિવાદની ચિંગારી
એનાલોગ પનીરનો ગેરકાયદે ઉપયોગ: ત્રણ મહિનામાં 27 રેસ્ટોરન્ટ ઝડપાયા
AMCની તપાસમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે. છેલ્લા ત્રણ મહિનામાં શહેરની 27 હોટેલ અને રેસ્ટોરન્ટ એવી મળી આવી છે જ્યાં દૂધમાંથી બનતા પરંપરાગત પનીરના બદલે એનાલોગ પનીરનો ઉપયોગ કરવામાં આવતો હતો.
એનાલોગ પનીર સામાન્ય રીતે વનસ્પતિ તેલ, સ્ટાર્ચ અને અન્ય ઘટકોમાંથી તૈયાર કરવામાં આવે છે. તેનો ઉપયોગ સંપૂર્ણપણે પ્રતિબંધિત નથી, પરંતુ ગ્રાહકને સ્પષ્ટ માહિતી આપ્યા વિના તેને સામાન્ય પનીર તરીકે પીરસવું અથવા વેચવું નિયમોનો ભંગ ગણાય છે. ઘણી વખત તેની કિંમત ઓછી હોવાને કારણે કેટલાક વ્યાવસાયિકો નફો વધારવા માટે તેનો ઉપયોગ કરતા હોવાના આક્ષેપો થાય છે.
ફૂડ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા અને નિયમોનું ઉલ્લંઘન કરતા એકમો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જરૂર પડે તો હોટેલ અને રેસ્ટોરન્ટને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.





